Change Language

આચાર્ય શાંતિસૂરિ મ.સા.

શિશિરઋતુની મંગલ પ્રભાતનો તે સમય હતો. વાદિવેતાલ પ.પૂ. શાન્તિસૂરિ મહારાજ સાહેબ થારાપદ્દપુર તરફ વિહાર કરી ગામમાં પહોંચ્યા હતા. શ્રાવકજનના અતિઆગ્રહથી વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યાખ્યાન અવસરે શ્રી નાગિની નામની દેવી નૃત્ય કરવા લાગી ત્યારે તે દેવીને યોગ્ય સ્થાને બેસાડવા માટે આચાર્ય ભગવંતે મંત્રિત વાસક્ષે પનાંખતા તે દેવીએ યોગ્યસ્થાન ગ્રહણ કરી લીધું. આ રીતે જયારે જયારે આ દેવી નૃત્ય કરવા લાગે ત્યારે તેને અયોગ્ય સ્થાનથી ઉઠાડી યોગ્ય સ્થાને બેસાડવા માટે આચાર્ય ભગવંત વાસક્ષેપ નાંખતા પરંતુ એકવાર કોઈપણ કારણસર વિસ્મરણ થવાથી આચાર્ય ભગવંત નૃત્ય કરતી તે દેવીને બેસવા માટે અથવા અન્યત્ર ગમન કરવા માટે વાસક્ષેપ નાંખવાનું ભૂલી ગયા. અવિરતપણે ફરતા કાળચક્રને કોણ અટકાવી શકે? તે દિવસે સવારનો સમય પસાર થયો... મધ્યાહ્નકાળ...સંધ્યાકાળ...પણ પસાર થઇ ગયો અને રાત્રિના સમયે જયારે આચાર્ય ભગવંત પરમાત્મધ્યાનમાં લીન થવા પ્રયત્ન કરી રહ્યા હતા તે જ સમયે આચાર્ય ભગવંતના શુભહસ્તે વાસક્ષેપ ન પડવાથી તે દેવીને સવારથી જ હવામાં ઊંચે અદ્ધર ઉભા રહેવું પડ્યું હતું તેથી તે આચાર્ય ભગવંતને ઉપાલંભ (ઠપકો) આપવા ઉપાશ્રયમાં પ્રવેશ કરે છે.

પરમાત્માના ધ્યાનમાં લીન થઇ આંતરપ્રકાશને પામવાના પ્રયત્ન કરી રહેલા આચાર્ય ભગવંતના સાધનાના સ્થાનમાં અચાનક દિવ્ય પ્રકાશનો પૂંજ પ્રવેશે છે. આ દિવ્યપ્રકાશના પૂંજની સાથે સાથે અત્યંત રૂપવાન આકૃતિને પ્રવેશ કરતી જોઇને આચાર્ય ભગવંત પ્રવર્તક મુનિને પૂછે છે, “હે મુનિવર! શું અહીં કોઈ રમાણીનો પ્રવેશ થયો છે?” એ અવસરે મહાત્મા કહે છે, “ગુરુદેવ! હું જાણતો નથી.” એ સમયે અત્યંત દેદીપ્યમાન સ્વરૂપવાળી તે દેવી કહે છે.

“આપ કૃપાળુનો વાસક્ષેપ ન પડતાં ઊંચે લટકતાં મારા ચરણકમળમાં અત્યંત પીડા થાય છે, આપના જેવા વિશિષ્ટ શ્રુતજ્ઞાનીને પણ વિસ્મરણ થઇ ગયું અને મારા ઉપર વાસક્ષેપ નાંખવાનું ચૂકી ગયા! આ લક્ષણથી આપ કૃપાળુનું આયુષ્ય હવે છ માસથી વધારે નથી. તેવું મારા જ્ઞાનબળથી સ્પષ્ટ સમજાય છે. તેથી હવે મહાગીતાર્થ એવા આપ પૂજ્યે સમસ્ત ગચ્છની ભાવિવ્યવસ્થા કોઈ યોગ્ય આત્માને સોંપીને આત્મસાધનામાં લીન થવાનો અવસર આવી ચૂક્યોછે તેવું નિવેદન કરવા માટે આજે હું અહીં ઉપસ્થિત છું.” આવા દિવ્યવચનો ઉચ્ચારી તે દિવ્યાકૃતિ અંતર્ધ્યાન થાય છે.

નવલી પ્રભાતે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત પોતાના ગચ્છના મહાત્માઓને તથા સકળ સંઘને એકઠો કરે છે. સૌ સાથે મળી ભાવિની સુયોગ્ય વ્યવસ્થાર્થે વિચાર વિમર્શ કરતાં ફલશ્રુતિ રૂપે બત્રીસ સુયોગ્ય પાત્રોમાંથી ત્રણ વિદ્વાન મુનિભગવંતોને પંચપરમેષ્ઠીના તૃતીય એવા આચાર્યપદે સ્થાપન કરવામાં આવે છે. આ ત્રણ મહાત્માઓ ૧. પૂ. આચાર્ય વીરસૂરિ ૨. પૂ. આચાર્ય શાલીભદ્રસૂરિ ૩. પૂ. આચાર્ય સર્વદેવસૂરિ મહારાજ સાહેબ, જાણે સાક્ષાત રત્નત્રયી ન હોય! તેમ સદવ્રતથી અલંકૃત અને અસાધારણ તેજથી દીપવા લાગ્યા હતા.

વર્ષોના વર્ષો સુધી પ્રભુના શાસનની અદભુત સેવા દ્વારા પૂજ્ય આચાર્ય શ્રી શાંતિસૂરિ મહારાજ સાહેબે પ્રચંડ પુણ્યોપાર્જન કર્યું હતું તેથી જીવનસંધ્યાના સર્વોત્કૃષ્ટ કાળે હવે આત્મસાધનામાં લીન થવા થનગની રહ્યા હતા. પૂજ્યશ્રીના વિચાર રત્નાકરમાંથી એક પછી એકે રત્નો બહાર આવી રહ્યા હતા. તેમાં એક વિચારમાં દ્રઢ થયા કે અનંતા તીર્થંકર પરમાત્માઓ જે ક્ષેત્રમાંથી સિદ્ધપદને સાધી ગયા છે, ભાવિમાં પણ સાધવાના છે વળી વર્તમાન ચોવીસીના બાવિસમાં તીર્થંકર બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ પરમાત્માના દીક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષ કલ્યાણક જે પાવનભૂમિ ઉપર થયા છે તેવી અનેક સાધકોની સાધનાભૂમિ મહામહિમાવંત શ્રી ગિરનાર મહાતીર્થમાં જઈ અંતિમ સાધના કરવી.

આચાર્ય ભગવંત અનંતા તીર્થંકરોના કલ્યાણકોથી પુનિત થયેલ શ્રી ગિરનારની ભોમકાને ભેટવાના મનોરથ સાથે રૈવતગિરિના માર્ગે પ્રયાણ આદરે છે. યશ નામના સુશ્રાવકના સોઢ નામના સુપુત્રને પણ સાથે જ રાખે છે. નાના નાના ગામડાંઓની ભૂમિઓને પોતાની ચરણરજ વડે પવિત્ર કરતાં કરતાં ઉગ્રવિહારના આલંબને તેઓશ્રી ખૂબ ટૂંકા સમયમાં રૈવતાચલની શીતળ છાયામાં પહોંચી ગયા. ગિરિ આરોહણ કરી નેમિપ્રભુના દર્શન દ્વારા નયનોને પાવન કર્યા. શ્રી નેમિનાથ પરમાત્માનું ધ્યાન ધરીને ધર્મધ્યાનરૂપી અગ્નિની જ્વાળા થકી ભવભ્રમણરૂપી વીશવેલડીને ભસ્મીભૂત કરવાનો પ્રબળ પુરુષાર્થ આદર્યો અને ક્ષુધા, તૃષા, નિદ્રાદિથી અલિપ્ત બની પરમ સમાધિના શિખરોને સર કરતાં કરતાં પચ્ચીશ દિવસના અનશનના અંતે વિક્રમ સંવત ૧૦૯૬ ના જેઠ માસની સુદ નવમીના મંગળવારે કૃતિકા નક્ષત્રમાં મહાશાસનપ્રભાવક એવા વાદિવેતાલ શ્રી શાન્તિસૂરિ મહારાજ સાહેબે ગિરનારમંડણ શ્રી નેમિપ્રભુના પરમ સાન્નિધ્યમાં પરમપદ તરફ પ્રયાણ કર્યું હતું.

Join the mailing list for regular updates about Girnar!
x
Thank you! Your submission has been received!
Oops! Something went wrong while submitting the form.