હે કરુણારસ સિંધુ, તમારો મારા ઉપર સમગ્ર જીવસૃષ્ટિ ઉપર અનહદ ઉપકાર છે… હે વિતરાગી દેવ, ફક્ત મારી જ વાત કરું તો અનંત કાળ અવ્યવહાર રાશિમાં રહ્યો પછી કો'ક બડભાગી ક્ષણે, કો'ક તમારા જેવા જ વિતરાગ દેવનાં આલંબને, કો'ક આત્માએ વૈરાગ્યવાસિત બની પરંપરાએ આત્મકલ્યાણ સાધ્યું અને અજાણતા મારા આત્માને નિગોદમાંથી છુટ્ટી મળી...
આ તમારો પહેલો ઉપકાર…ત્યાર બાદ પણ આપે મને સંજ્ઞિપણું, ઈંદ્રિયાદિનો યોગ, તેમાં પણ મનુષ્યપણું, કર્મભૂમિ, આર્યદેશ, ઉત્તમ કુળ, જૈન ગોત્ર, ધર્મવાસિત સ્વજનો ને તમારા માર્ગસ્થ સાધુપુરુષોનું સાન્નિધ્ય આપ્યું છે. નિઃશંકપણે આટલા ઉપકારો કોઈ સાગર થી ઓછા નથી પણ પ્રભુ એક આખરી ઉપકાર ની હજુ યાચના છે, તમારા બાલુડાંને તમારી પાસે જ અજરામર પદે બોલાવી લ્યો ને? આ એક આખરી વિનવણી સ્વીકારશો ને પ્રભુ?
સ્વયંભૂમરણનાં સાગરે જલરાશિ છે પ્રભુ જેટલી, કેઈ ગુણી અધિક મુજ પર વિભુ ઉપકાર રાશિ આપની, ઉપકારો ના આ મેરુગિરિ માં એક ગુણ પ્રભુ વધારજો, વીતરાગ નેમિનાથ મારી પ્રાર્થના અવધારજો....!



