મારા સામે જુઓ પ્રભુજી

January 7, 2019
In Conversation with Neminath

શબ્દો છે તો જરા સ્પર્શી  લઇએ..

મનથી થોડા આપણે ભળી લઇએ

એકલું  કયાં સુધી  ઘુંટાયા  કરવું ?

ચાલને  થોડુંક  હવે રડી  લઇએ..


ખબર છે કે સરખો જવાબ દેશો નહી

વાતોને તમે  હવા મહી ફુંકથી  ઉડાડો

સવાલ ઘણા વણઉકેલ્યા  રહી ગયાં 

તો'યે ચાલ એક બે સવાલ પુછી લઇએ


સુજી આંખો તને ઝંખી ઝંખી ને ,

શબ્દો 'ય પણ ગળે આવી ડુમાયા,

પણ ટેરવા માં છે સ્પર્શ શબ્દો  નો

તો ચાલ મન  થોડું લખી  લઇએ.

 


ખબર નથી કે મારી આ ટપાલ ને

કયારે,તારા પાસે પહોંચશે  પ્રભુ.?

પણ તે છતાંયે વિશ્વાસ છે મને ,

કે, પંખી બની પત્ર લૈ ઉડી લઇએ.


ભવવેદનાની કશી તને ખબર નથી

ને કહી દીધુ, તું રહેજે ને ખુશીથી

મને ન જોઇએ સ્મરણ, વિસ્મરણ

એકવાર સામસામે વાત કરી લઇએ