ગિરનારગિરિના ગૌરવંતા ૧૪ જિનાલયો
સૌરાષ્ટ્રની દક્ષિણે વિશાળકાયા પાથરી પર્વતાધિરાજ ગિરનાર અડગ ઉભો છે. દૂર-દૂરથી આકાશને ભેટતાં જિનાલયોના સુંદર શિખરો કાળા રાક્ષસી પથ્થરો તથા લીલીછમ વનરાજીના દ્રશ્યો મનોહર ભાસે છે. વાદળથી વાતો કરતો ગિરનાર શ્રી નેમિનાથ પરમાત્માની સાધના ભૂમિ છે. શિલ્પકલાના સૌંદર્યની વૈવિધ્યતાના કારણે ગિરિ ઉપર આવેલા પ્રત્યે જિનાલયો પોતાનું આગવું વ્યક્તિત્વ ધરાવે છે. ગિરનારગિરિ મહાતીર્થ પહાડ ઉપર આવેલા દેરાસરના નિર્માણમાં વિશિષ્ટ કોટીની કાર્યકૌશલ્યના દર્શન થાય છે. મનોહર અને નયનરમ્ય એવા જિનાલયોની જિનપ્રતિમા તથા કલાકુશળતા નિરખતાં મન ધરાતું નથી. ગિરનારપર્વત સમુદ્ર સપાટીથી ૩૬૭૫ ફૂટ ઊંચો છે.
અ) શ્રી નેમિનાથજીનું મુખ્ય જિનાલય
કિલ્લાના મુખ્યદ્વારથી અંદર પ્રવેશ કરતાં ડાબી બાજુ શ્રી હનુમાનની દેરી તથા જમણી બાજુ કાલભૈરવની દેરી આવે છે. ત્યાંથી ૧૫-૨૦ ડગલાં ચાલતાં ડાબા હાથે નેમિનાથ પરમાત્માના જિનાલય તરફ જવાનો મુખ્ય દરવાજો આવે છે. તે દરવાજાની અંદર દેવચંદ લક્ષ્મીચંદ પેઢીની ઓફીસ, પૂજારી વિગેરેને રહેવા માટેની રૂમો, યાત્રીકોને વિશ્રામ કરવા માટેની ધર્મશાળાની રૂમો તથા પાણીની પરબ છે. પૂર્વે પેઢી દ્વારા અહીં લાડવા-ગાંઠીયા રૂપ ભાતું આપવાની વ્યવસ્થા હતી ત્યાંથી આગળ ડાબા હાથે ભાઇ-બહેનોને ન્હાવાનું ગરમ પાણી તથા સ્નાનગ્રહ છે. ત્યાંથી આગળ વધતાં ગિરનારમંડન શ્રી નેમિનાથ પરમાત્માના જિનાલયનું દક્ષિણદિશા તરફનું પ્રવેશદ્વાર આવે. ત્યાંથી આગળ પ્રવેશ કરતાં જ શ્રી નેમિનાથ ભગવાનના મુખ્ય જિનાલયના પ્રાંગણનો પ્રારંભ થાય છે. આ ચોક ૧૩૦ ફુટ પહોળો તેમજ ૧૯૦ ફુટ લાંબો છે. જેમાં મુખ્ય દરવાજાની ડાબી બાજુએ એક શાસ્ત્રીય લેખ છે. તે લેખના નવમાં શ્ર્લોકમાં લખ્યું છે કે યદુવંશમાં માંડલીક રાજા થયો, તેણે ૧૧૫૫માં નેમિનાથ પરમાત્માનું જિનાલય સોનાના પતરાથી મઢાવ્યું હતું (બાદ્યું હતું) .
જિનાલયના દક્ષિણદ્વાર બહાર જ જમણાહાથે શ્રી અંબિકાદેવીની દેરી આવે છે. ગિરનાર મહાતીર્થ તથા શ્રી નેમિનાથ ભગવાનના શાસનના અધિષ્ઠાયિકા શ્રી અંબિકાદેવીની સુંદરમૂર્તિ છે. જેનો અચિન્તયપ્રભાવ આજે પણ વર્તે છે. જિનાલયમાં પ્રવેશતાં પૂર્વે તેના દર્શન અવશ્ય કરવા જોઇએ.
ત્યારબાદ અત્યંત આહ્લલ્લાદક આ જિનાલયના દક્ષિણ દ્વારમાંથી પ્રવેશ કરતાં ૪૧-૬ ફૂટ પહોળો અને ૪૪-૬ ફૂટ લાંબો રંગમંડપ આવે છે. જેના મુખ્યગભારામાં ગિરનારગિરિભૂષણ શ્રી નેમિનાથ પરમાત્માની ચિત્તાને અનેરો આનંદ આપતી શ્યામવર્ણીય મનોહર પ્રતિમા બિરાજમાન છે. જેના દર્શન કરતાંની સાથે જ ગિરિવરના આરોહણના થાકની સાથે – સાથે ભવભ્રમણનો થાક પણ ઉતરી જાય છે.
મૂળનાયક શ્રી નેમિનાથ પરમાત્માની પ્રતિમા વર્તમાન વિશ્વની સૌથી પ્રાચિનતમ પ્રતિમાજી છે. આ પ્રતિમા ગત ચોવીસીના ત્રીજા સાગર નામના તીર્થંકરના કાળમાં પાંચમા દેવલોકના બ્રમ્હેન્દ્ર દ્વારા બનાવડાવવામાં આવી હતી. આ પ્રતિમા ૧૬૫૭૫૦ વર્ષ ન્યૂન ૨૦ કોડાકોડી સાગરોપમ વર્ષ પ્રાચીન છે. શ્રી નેમિનાથ પરમાત્માના નિર્વાણના ૨૦૦૦ વર્ષ પછી રત્નાશા નામના શ્રાવકે શાસન અધિષ્ઠાયિકા અંબિકાદેવીની સહાયથી આ પ્રતિમા મેળવીને તેની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. પ્રાય: ૮૪૭૮૬ વર્ષથી આ પ્રતિમા આ સ્થાન ઉપર બિરાજમાન છે અને શ્રી નેમિપ્રભુના વચન પ્રમાણે પાંચમા આરા ના અંત સુધી એટલે કે ૧,૦૩,૨૫૦ વર્ષ સુધી આ સ્થાને પૂજાશે પછી અંબિકા દેવી દ્વારા પાતાળલોકમાં પૂજાશે.
મૂળલાયક ફરતી ભમતીમાં તથા રંગમંડપમાં તીર્થંકર પરમાત્માની પ્રતિમાઓ તથા યક્ષ – યક્ષિણી અને ગુરુભગવંતની પ્રતિમા બિરાજમાન આ રંગમંડપની પાછળ ૨૧ ફૂટ પહોળો અને ૩૨ ફૂટ લાંબો બીજો રંગમંડપ આવે છે. જેમાં મધ્યમાં ગણધરભગવંતોના લગભગ ૮૪૦ પગલાંની જોડ જુદા-જુદા બે પબાસણ ઉપર સ્થાપિત કરવામાં આવેલા છે. જેની પ્રતિષ્ઠા વિ.સં. ૧૬૯૪ ચૈત્ર વદ બીજ ના દિવસે થયેલ છે.
જિનાલયની બહાર ભમતીમાં પશ્ર્ચિદિશા માંથી શરૂ કરતાં વિ.સં. ૧૨૮૭ માં પ્રતિષ્ઠા કરેલ નંદીશ્ર્વરદ્વીપનોઅ પટ, જિનપ્રતિમાઓ, પદ્માવતીજીની મૂર્તિ, સમેતશીખરજી તીર્થનો પટ, શત્રુંજય મહાતીર્થનો પટ, શ્રી નેમિનાથ ભગવાનના જીવનચરિત્રનો પટ, શ્રી મહાવીરપ્રભુની પાટપરંપરાના પગલાં, જૈનશાસનના વિવિધ અધિષ્ઠાક દેવ-દેવીની પ્રતિમા, શાસનદેવી અંબિકાની દેરી, શ્રી નેમિનાથ પ્રભુ તથા શ્રી મહાવીરપ્રભુના પગલાંની દેરી, શ્રી વિજયાનંદસૂરિમહારાજ(પૂ. આત્મારામજી) ની પ્રતિમા આદિ સ્થાપન કરેલ છે.
ભમતીમાં એક ઓરડામાં શ્રી આદિનાથપ્રભુ, સાધ્વી રાજીમતીશ્રીજી આદિના ચરણપાદુકા તથા ગિરનાર તીર્થનો જિર્ણોધ્ધાર કરાવનાર પ. પૂ. નીતિસૂરિમહારજની પ્રતિમા બિરાજમાન છે. તે જ ઓરડામાં એક ભોંયરામાં મૂળનાયક તરીકે સંપ્રતિકાલીન, પ્રગટપ્રભાવક અત્યંત નયનરમ્ય શ્રી અમિઝરા પાશ્ર્વનાથભગવાનની ૬૧ ઇંચની શ્ર્વેતવર્ણીય પ્રતિમા બિરાજમાન છે. પ્રભુજીની પ્રતિમા નિરખતાં ધ્યાનમગ્ન બની જવાય છે.
બ) જગમાલ ગોરધનનું જિનાલય નેમિનાથ પરમાત્માના મુખ્ય જિનાલયની બરોબર પાછળ શ્રી આદિનાથપ્રભુનું જિનાલય છે. તેમાં ૩૧ ઇંચના આદિનાથ પ્રભુના જિનાલયની પ્રતિષ્ઠા પોરવાડ જ્ઞાતીય શ્રી જગમાલ ગોરધન દ્વારા આ વિજયજિનેન્દ્રસૂરિ મહારાજસાહેબની પાવનનિશ્રામાં વિ.સં. ૧૮૪૮ ના વૈશાખ વદ૬ ના શુક્લ પક્ષમાં કરવામાં આવી હતી. શ્રી જગમાલ ગોરધન શ્રી ગિરનારજી તીર્થ ઉપર જિનાલયના મુનિમ તરિકેની ફરજ બજાવી તે જિનાલયોના સંરક્ષણનું કાર્ય કરી રહ્યા હતા. તેમના નામ ઉપરથી જૂનાગઢ શહેરના ઉપરકોટ પાસેના ચોકનું નામ જગમાલચોક રાખવામાં આવ્યું હતું.
અ) પંચમેરૂનું જિનાલય
મેરકવશીના મુખ્ય જિનાલય પ્રવેશ કરતાં જમણી બાજુ પંચમેરૂનું જિનાલય આવે છે. આ જિનાલયની રચના અત્યંત રમણીય છે. તેમાં પાંચ મેરૂ તથા દરેક મેરૂ ઉપર ચૌમુખજી પ્રતિમાઓ પધરાવવામાં આવેલ છે. તેમાં શ્રી ૠષભદેવ ભગવાનની ૯ ઇંચની પ્રતિમાની પ્રતિષ્ઠા વિ.સં.
૧૮૫૯ માં કરવામાં આવી હોય તેવા લેખ છે.
બ) અદબદજીનું જિનાલય
પંચમેરૂના જિનાલયમાંથી બહાર નીકળી મેરકવશીના મુખ્ય જિનાલયમાં પ્રવેશ કરતાં પહેલાં ડાબા હાથે શ્રી
ૠષભદેવની ૧૩૮ ઇંચની પદ્માસનમુદ્રામાં પ્રતિષ્ઠિત મહાકાયપ્રતિમા જોતાં જ શ્રી શત્રુંજયગિરિરાજની નવટૂંકમાં રહેલા
અદબદજીદાદાનું સ્મરણ થાય છે માટે આ જિનાલયને પણ અદબદજીદાદાનું દેરાસર કહેવાય છે. આ પ્રતિમા શ્યામવર્ણના
પાષાણમાંથી બનેલી હોવા છતાં હાલ તેના ઉપર શ્ર્વેતવર્ણનો લેપ કરવામાં આવેલો છે. તે મૂર્તિની બેઠકમાં આગળ ૨૪
તીર્થંકર પરમાત્માની મૂર્તિવાળો વિ.સં. ૧૪૬૮ માં પ્રતિષ્ઠાના એક લેખયુક્ત પીળોપાષાણ છે
ક) મેરકવશીનું મુખ્ય જિનાલય
સિધ્ધરાજના મંત્રી સારજે નેમિનાથ ભગવાનની ટૂંક માટે જે ટીપ કરી હતી. તે પૈસામાંથી મેરકવશીની ટૂંક બંધાવી હતી. કોતરણી બરાબર સોનું આપી કારીગરો પાસે આ ટૂંકનું કામ કરાવ્યું હતું. તે કામ એટલું ઝીણું કરાવ્યું છે કે સિતારના તાર તેની ઉપર ફરતી આંગળીઓના નખ અણિશુધ્ધાં દેખાય છે.
આ બાવન જિનાલયના મૂળનાયક ૨૯ ઇંચ ના શ્રી સહસ્ત્રફણાપાશ્ર્વનાથ ભગવાન છે, જેની પ્રતિષ્ઠા વિ.સં. ૧૮૫૯ માં પ.પૂ. આ. જિનેન્દ્રસૂરિ મહારાજ સાહેબના હસ્તે થયેલ છે. આ બાવન જિનાલયની ડાબી તરફથી ફરતાં વિ.સં. ૧૪૪૨ માં કોતરાયેલ અસ્ટાપદજીનો પટ તથા આગળ જતાં મધ્યભાગમાં દેરીમાં અષ્ટાપદજીનું દેરાસર છે. ત્યાંથી આગળ મૂળનાયક પરમાત્માની બરાબર પાછળના ભાગમાંથી શ્રી મહાવીરસ્વામી ભગવાન બિરાજમાન છે. આગળ વધતાં ઉત્તરદિશા તરફથી દેરીમાં મધ્યમાં શ્રી શાંતીનાથ ભગવાનની ચૌમુખજી પ્રતિમાજીઓ બિરાજમાર કરવામાં આવી છે. ઉત્તરદિશામાં દરેક દેરીઓની આગળની ચોકોની છત્તમાં અત્યંત મનોહરી કોતરણીઓ મનને આહલાદ પમાડે છે.
જિનાલયની મુખ્ય દ્વાર બહાર ડાબી તરફ જતાં સગરામસોનીની ટૂંક આવે તે રસ્તે સામેની દિવાલની પાછ્ળ નવોકુંડ આવેલ છે. એમ કહેવાય છે કે સગરામ સોનીએ ભગવતી સૂત્રના ૩૬૦૦૦ પ્રશ્ર્નોની ૩૬૦૦૦ સોનામહોરો જ્ઞાન ખાતે મૂકી હતી. તેમાંથી સુવર્ણની સાહીથી ક્લ્પસૂત્ર વિગેરે પુસ્તકો લખાવ્યા હતા.
મેરકવશીની ટૂંકમાંથી બહાર નીકળી ઉત્તરદિશાના દ્વારમાંથી સગરામસોનીની ટૂંકમાં જવાય છે. આ બાવન જિનાલયના મુખ્ય જિનાલયમાં બે માળવાળો અત્યંત મનોહર રંગમંડપ છે. જેમાં પૂજા વિગેરે અનુષ્ઠાન દરમ્યાન ઉપરનાં ભાગમાં સ્ત્રીઓને બેસવા માટે સુંદર વ્યવસ્થા દોઠવવામાં આવેલ છે. મૂળનાયક શ્રી સહસ્ત્રફણાપાશ્ર્વનાથ પ્રભુની ૨૯ ઇંચની પ્રતિમા બિરાજમાન છે. જેની પ્રતિષ્ઠા વિ. સં. ૧૮૫૯ ના જેઠ સુદ ૭ ને ગુરૂવારે પૂ. આ. જિનેન્દ્રસૂરિ મહારાજસાહેબના હસ્તે થયેલ છે. ગભારાના છત્તની ઊંચાઇ લગભગ ૩૫ થી ૪૦ ફૂંટ ઊંચી હોવાથી અન્ય ગભારા કરતાં વિશેષ જણાય છે. ગિરનારના જિનાલયોમાં આ જિનાલયનું શિખર સૌથી ઊંચુ જણાય છે.
સિધ્ધ્પુર પાટણના વણીક સગરામસોનીએ આ જિનાલયનું નિર્માણ કરાવ્યું હતું. એમ કહેવાય છે કે સગરામસોનીએ ભગવતી સૂત્રના ૩૬૦૦૦ પ્રશ્ર્નોની ૩૬૦૦૦ સોનામહોરો જ્ઞાન ખાતે મૂકી હતી. તેમાંથી સુવર્ણની સાહીથી ક્લ્પસૂત્ર વિગેરે પુસ્તકો લખાવ્યા હતા.
સગરામસોની અકબર બાદશાહના વખતમાં થયા હતા તેમને અકબરનો મામો કહી બોલાવતા એમ કહેવાય છે. સગરામસોની કે સંગ્રામ સોનીના નામે ઓળખાતું આ જિનાલય હકીકતમાં સમરસિંહ માલદે દ્વારા ઉધ્ધાર કરીને તદન નવું જ નિર્વાણ કરવામાં આવેલી છે. તેવું કેટલાક વિદ્વાનોએ વાસ્તવિક પ્રમાણ દર્શાવવાપૂર્વક જણાવ્યું છે.
સંગરામસોનીની ટૂંકમાંથી બહાર નીકળી ઉત્તરદિશાના દ્વારમાં કુમારપાળની ટૂંકમાં જવાય છે. કુમારપાળની ટૂંકમાં પ્રવેશતાં મુખ્ય જિનાલયની ચારેબાજુ ઘણું પ્રાંગણ જોવા મળે છે. આ પ્રાંગણમાં થઇ જિનાલયમાં પ્રવેશ કરતાં એક વિશાળ રંગમંડપ આવે છે જેમાં આગળ વધતાં બીજો રંગમંડપ આવે છે. આ જિનાલયના મૂળનાયક તરીકે ૨૪ ઇંચના શ્રી અભિનંદનસ્વામી બિરાજમાન છે. જેની પ્રતિષ્ઠા વિ.સં. ૧૮૭૫ ના વૈશાખ સુદ ૭ ના શનિવારે પૂ. આ. જિનેન્દ્રસૂરિ મહારાજ સાહેબના હસ્તે કરવામાં આવી હતી. આ જિનાલયના ઉત્તર દિશાના પ્રાંગણમાં એક દેડકીવાવ નામની વાવ છે. તે વાવનું પાણી હંમેશાની સપાટી કરતાં ક્યારેય ઉંચે જતું નથી
કુમારપાળ મહારાજ સન ૧૧૪૩ થી ૧૧૭૪ સુધી ગુજરાતના રાજા હતા. તેમણે આ ટૂંક બંધાવી છે. ત્યાંથી ઉત્તરદિશા તરફની બારીથી બહાર નીકળી ભીમકુંડથી આગળ ચન્દ્રપ્રભસ્વામીના જિનાલય સુધી જવાનો કેડીમાર્ગ આવે છે.
આ જિનાલયનું સ્થાન એકદમ એકાંતમાં આવેલું છે. આ જિનાલયમાં મૂળનાયક શ્રી ચન્દ્રપ્રભસ્વામીની ૧૬ ઇંચની પ્રતિમાની પ્રતિષ્ઠા વિ.સં. ૧૯૦૧ માં થયેલ છે. આ જિનાલયની છત અનેક કલાક્રુતિઓથી સુશોભિત છે. જેમાં ચારે બાજુ ફરતી પૂતળીઓ સ્થાપિત કરી રંગ પૂરવામાં આવેલ છે. ત્યાંથી પાછા ફરી કુમારપાળની ટૂંકની બારીમાંથી પ્રવેશી શ્રી નેમિનાથપ્રભુની ટૂંકમાંથી બહાર નીકળીને પુન: ઉપરકોટ(દેવકોટ) ના મુખ્યદ્વાર પાસેના રસ્તે આવી તેની સામે મનોહરભુવનવાળી ધર્મશાળાની રૂમો પાસેથી સુરજકુંડ થઇને શ્રી માનસંગ ભોજરાજના દેરાસરે જવાય છે.
આ જિનાલય કચ્છ માંડવીના વીશા ઓશવાળ શા. માનસંગ ભોજરાજે બંધાયેલ હતું. જેનાં મૂળનાયક તરીકે શ્રી સંભવનાથ ભગવાનની ૨૫ ઇંચની સુંદર પ્રતિમા બિરાજમાન છે.
આ જિનાલયમાં જતા પૂર્વે માર્ગમાં આવતો સુરજકુંડ પણ શા. માનસંગે કરાવેલ છે. જૂનાગઢ ગામમાં આદિશ્ર્વર ભગવાનના દેરાસરની પ્રતિષ્ઠા પણ તેમણે વિ.સં. ૧૯૦૧ માં કરાવી હતી. દર્શન કરી બહાર નીકળી મુખ્યમાર્ગ ઉપર ઉત્તરદિશા તરફ આગળ વધતાં જમણા હાથ ઉપર વસ્તુપાલ – તેજપાલની ટૂંક આવે છે.
આ જિનાલયમાં એક સાથે પરસ્પર જોડાયેલાં ત્રણ મંદિરો છે. આ જિનાલયો ગુર્જરદેશના મંત્રીશ્ર્વર વસ્તુપાલ – તેજપાલ દ્વારા વિ. સં. ૧૨૩૨ થી ૧૨૪૨ ના કાળમાં બંધાવ્યા હતા. જેમાં હાલ મૂળનાયક તરીકે ૪૩ ઇંચન શ્રી શામળા પાશ્ર્વનાથ ભગવાન બિરાજમાન છે. જેની પ્રતિષ્ઠા વિ. સં. ૧૩૦૬ ના વૈશાખ સુદ - ૩ ના શનીવારના દિવસે પૂ. આ. પ્રદ્યગ્નસૂરિ મહારાજ સાહેબની મુખ્ય પરંપરામાં શ્રી દેવસૂરી મ. સા. ના શિષ્ય શ્રી જયાનંદ મહારાજ સાહેબે કરી હતી.
આ જિનાલયમાં લગભગ છ થી સાત શિલાલેખો છે. જે વિ. સં. ૧૨૮૮ ના ફાગણ સુદ ૧૦ બુધવારના છે. મુખ્ય જિનાલયની ડાબી બાજુના જિનાલયમાં ચોરસ સમવસરણમાં ચૌમુખથી ભગવાન પધરાવેલા છે. જેમાં ત્રણ પ્રતિમા શ્રી પાશ્ર્વનાથભગવાનની વિ. સં. ૧૫૫૬ ની સાલના લેખવાળી તથા ચોથી શ્રી ચન્દ્રપ્રભસ્વામીની પ્રતિમા વિ. સં. ૧૪૮૫ ની સાલના લેખવાળા છે. જમણીબાજુના જિનાલયમાં ગૌળ મેરૂની ઉપર ચૌમુખજી ભગવાન પધરાવેલા છે, જેમાં પશ્ર્ચિમાભિમુખ શ્રી સુપાશ્ર્વનાથપ્રભુ ઉત્તર અને પૂર્વાભિમૂખ શ્રી નેમિનાથ ભગવાન આ ત્રણેય પ્રતિમાઓ વિ. સં. ૧૫૪૬ની સાલની છે અને દક્ષિણાભિમુખ શ્રી ચન્દ્રપ્રભસ્વામીની પ્રતિમા બિરાજમાન છે. આ મેરૂની રચના પીળા તથા પાષાણમાંથી કરવામાં આવેલ છે.
આ દેરાસરમાં પીળા આરસ તથા સળીના પથ્થર વાપરવામાં આવ્યા છે. એમ કહેવાય છે કે વસ્તુપાળ પીળા પથ્થર પરદેશથી લાવ્યા હતા અને સળીના પથ્થર મક્કામાંથી લાવ્યા હતા. આ જિનાલયોની કોતરણી, કલાક્રુતિ મનને આનંદ આપનારી બને છે. ચૌમુખજી જિનાલયોની વિશાળતા તથા ગોઠવણી નયનરમ્ય છે.
સં. ૧૯૩૨માં નરસીકેશવજીએ સંપ્રતિરાજાની, કુમારપાળની અને વસ્તુપાલ – તેજપાલની વિગેરે ટૂંકોની આસપાસ કિલ્લા બંધાવ્યા તથા દેરાસરો સમરાવ્યા હતા.
વસ્તુપાલ – તેજપાલના જિનાલયની પાછળના પ્રાંગણમાં તેમની માતાનું દેરાસર છે. જે ગુમાસ્તાના દેરાસરના નામથી પ્રસિધ્ધ છે. આ મંદિરના મૂળનાયક શ્રી સંભવનાથ ભગવાન ૧૯ ઇંચના બિરાજમાન છે. વસ્તુપાલની માતા કુમારદેવીના નામે આ મંદિર બંધાવ્યું હોવાથી તે વસ્તુપાલની માતાના દેરાસર તરીકે ઓળખાય છે. વળી, કચ્છ-માંડવીના ગુલાબશાહે બંધાવ્યું હોવાથી ગુલાબશાહના મંદિરના નામે ઓળખાય છે. (ગુલાબશાહ નામનો અપભ્રંશ થતા કાળક્રમે તે ગુમાસ્તા નામે પ્રચલિત થયું તેવું લાગે છે.)
વસ્તુપાલ – તેજપાલનાં જિનાલયમાંથી બહાર નીકળી ઉત્તરદિશા તરફ જતાં સંપ્રતિ રાજાની ટૂંક આવે છે. શ્રી ચંદ્રગુપ્તમૌર્યનાં વંશમાં થયેલ અશોકના પૌત્ર મગધસમ્રાટ સંપ્રતિ મહારાજા થયા હતા. જેમણે આચાર્ય સુહસ્તિસૂરિ મહારાજ સાહેબના સદુપદેશથી જૈન ધર્મનો સ્વીકાર કર્યો હતો. તે લગભગ વિ.સં. ૨૨૬ ની આસપાસ ઉજૈન નગરીમાં રાજ કરતાં હતા. તેઓએ સવાલાખ જિનાલયો અને સવાકરોડ પ્રતિમા ભરાવ્યા હતા. સંપ્રતિ મહારાજાએ બંધાવેલ આ જિનાલયના મૂળનાયક તરીકે ૫૭ ઈંચનાં શ્રી નેમિનાથ ભગવાન બિરાજમાન છે. આ પ્રતિમા વિ.સં. ૧૫૧૯ માં પ્રતિષ્ઠા કરાવ્યા હોવાનો લેખ પ્રતિમાજીની ગાદીમાં જોવા મળે છે.
મૂળનાયકના ગભારાની બહારના ગોખલામાં દેવીની પ્રતિમા છે જેને કેટલાક ગ્રંથોમાં ચકેશ્વરી દેવી અને કેટલાક ગ્રંથોમાં અંબિકા દેવી તરીકે ઓળખાવી જુદા – જુદા સમયે તે ગોખલા ઉપર તેના નામ લખાયેલા છે. જયારે વાસ્તવમાં આ પ્રતિમા હંસવાહિની, હાથમાં વીણા અને પોથી યુક્ત હોવાથી આ પ્રતિમા સરસ્વતી દેવીની હોવાનું સ્પષ્ટ પણે કહી શકાય છે. આ સિવાય રંગમંડપમાં ૫૪ ઈંચના ઉભા કાઉસગ્ગિયા પ્રતિમા સહિત અન્ય ૨૪ નયનરમ્ય પ્રતિમા પણ બિરાજમાન છે. આ રંગમંડપની બહાર પણ બીજો મોટો રંગમંડપ બનાવવામાં આવેલ છે.
આ જિનાલયનું પ્રવેશદ્વાર બે માળનું હોવાનું જણાય છે. તેનું પશ્ચિમ સન્મુખ દ્વાર હોવા છતાં હાલ આ જિનાલયમાં દક્ષિણાભિમુખ પ્રવેશદ્વાર જ ખુલ્લું રાખવામાં આવેલ છે. આ જિનાલયની બહારની દીવાલો અત્યંત મનોહારિણી કોતરણીથી ભરચક છે. શિલ્પકલાના રસિક આત્માઓ આ કોતરણી જોઈને અતિ આહ્લાદ પામે છે. આ નકશીની વિવિધ આકૃતિઓ પ્રાથમિક કક્ષાના શિલ્પકારોને શિલ્પકળામાં આલંબનકારી બંને તેવી છે.
સંપ્રતિરાજાના જિનાલયની બાજુમાંથી ઉત્તરદિશા તરફના ઢાળમાં નીચે ઉતરતાં બાજુમાં જ જમણાહાથે રહેલા દ્વારમાં પ્રવેશ કરતાં જ પ્રથમ ચોગાનમાં જ્ઞાનવાવ આવે છે. આ ચોકમાં રહેલા ઉત્તરદિશા તરફના દ્વારથી અંદર પ્રવેશતાં ચૌમુખજીનું દેરાસર આવે છે. જે શ્રી સંભવનાથ ભગવાનના નામે ઓળખાય છે. આ જિનાલયનાં મૂળનાયક ૧૬ ઈંચના શ્રી સંભવનાથ ભગવાન છે.
આ દેરાસરની નીચે ઉતારીને પણ ભીમકુંડ તથા શ્રી ચંદ્રપ્રભ સ્વામીનાં જિનાલયે જઈ શકાય છે. ભીમકુંડની પાછળ ઉત્તરદિશામાં ભૂતકાળમાં ચોવીસ તીર્થંકર પરમાત્માની પ્રતિમાઓ પધરાવવા માટે ચોવીસ દેરીઓ બનાવવા માટેનું કામકાજ શરુ થયું હશે પરંતુ કોઈપણ કારણસર તે બંધ પડતાં તે કાર્ય અધુરું થયેલ પડ્યું છે.
જ્ઞાનવાવનાં દેરાસરથી દક્ષિણદિશા તરફ ચઢી સંપ્રતિરાજાના દેરાસરથી પૂર્વદિશામાં આગળ વધતાં ૫૦ પગથિયાં ચઢતાં કોટનો દરવાજો આવે ત્યાંથી આગળ વધી ૫૦ પગથિયાં ચઢતાં ડાબા હાથે શેઠ ધરમચંદ હેમચંદનું જિનાલય આવે છે.
ઉપરકોટ (દેવકોટ) નાં દરવાજામાંથી બહાર નીકળ્યા બાદ સૌથી પહેલું દેરાસર આ શેઠ ધરમચંદ હેમચંદનું આવે છે. જેને ખાડાનું દેરાસર પણ કહેવામાં આવે છે. આ દેરાસરમાં મૂળનાયક ૨૯ ઈંચનાં શ્રી શાંતિનાથ ભગવાન બિરાજમાન છે. માંગરોળ ગામાના દશાશ્રીમાળી વણિક શેઠ ધરમચંદ હેમચંદ દ્વારા વિ.સં. ૧૯૩૨ માં આ દેરાસરનું સમારકામ કરાવવામાં આવ્યું હતું.
શેઠ ધરમચંદ હેમચંદના દેરાસરથી આગળ વધતાં લગભગ ૩૫- ૪૦ પગથિયાં ચઢતાં જમણીબાજુ આ મલ્લવાળું દેરાસર આવે છે. આ જિનાલયમાં મૂળનાયક ૨૧ ઈંચના શ્રી શાંતિનાથ ભગવાન બિરાજમાન છે. જેનો ઉદ્ધાર જોરાવરમલ્લજી દ્વારા થયો હોવાથી આ દેરાસર મલ્લવાળા દેરાસર તરીકે ઓળખાય છે.
ચૌમુખજીનાં દેરાસરના હાલ ઉત્તરાભિમુખ મૂળનાયક ૨૫ ઈંચના શ્રી નેમિનાથ, પૂર્વાભિમુખ શ્રી સુપાર્શ્વનાથ, દક્ષિણાભિમુખ શ્રી ચંદ્રપ્રભસ્વામી અને પશ્ચીમાભિમુખ શ્રી મુનિસુવ્રત સ્વામી છે. તેની પ્રતિષ્ઠા વિ.સં. ૧૫૧૧માં આ.જિનહર્ષસૂરિ મહારાજ સાહેબના હસ્તે થેલ હોવાના પબાસણના લેખો જોવા મળતા હતા. આ જિનાલય શ્રી શામળા પાર્શ્વનાથનાં નામે પણ ઓળખાય છે, જેની પાછળનું રહસ્ય સમજાતું નથી પરંતુ પૂર્વે અન્ય કોઈ કાળે ત્યાં મૂળનાયક શ્રી શામળા પાર્શ્વનાથ હોવાની સંભાવના રહે છે. વાળી આ દેરાસરની અંદરના પબાસણનાં ચારેય ખૂણામાં રહેલી ચોરસ એક –એક થાંભલીમાં ૨૪ -૨૪ પ્રતીમોએમ કુલ ૯૬ પ્રતિમાઓ કોતરવામાં આવેલી છે. આ ચાર થાંભલી લગ્ન મંડપની ચાર ચોરી જેવી લાગતી હોવાથી આ જિનાલયને ચોરીવાળું દેરાસર પણ કહેવાય છે.
વિ.સં. ૨૦૫૮ દરમ્યાન આ ચૌમુખજીનો લેપ થયો ત્યારે શરતચૂકથી તેમાં મૂળનાયક શ્રી નેમિનાથ તથા બાકીના ત્રણ ભગવાનમાં શ્રી ચંદ્રપ્રભ સ્વામીનાં લંછન મૂકી ગયા હોય તેવું જણાય છે.
ચૌમુખજીનાં દેરાસરથી આગળ લગભગ ૭૦-૮૦ પગથિયાં ચડતાં ડાબા હાથે સહસાવન શ્રી નેમિનાથ ભગવાનની દીક્ષા – કેવલજ્ઞાન કલ્યાણકભૂમિ તરફ જવાનો માર્ગ આવે છે અને જમણી બાજુ ૧૫ -૨૦ પગથિયાં ચડતાં ગૌમુખીગંગા પસાર કરી લગભગ ૩૫૦ પગથિયાં ઉપર ચડતાં જમણી બાજુ રહનેમિનું જિનાલય આવે છે.
આ જિનાલયમાં મૂળનાયક તરીકે ૫૧ ઈંચના સિદ્ધાત્મા શ્રી રહનેમિની શ્યામવર્ણીય પ્રતિમા બિરાજમાન છે. ૬ -૭ વર્ષ પૂર્વે આ પ્રતિમાનો લેપ કરવામાં આવ્યો હતો. ભારતભરમાં પ્રાયઃ એકમાત્ર જિનાલય હશે કે જ્યાં અરિહંત પરમાત્મા ન હોવા છતાં સિધ્ધાત્મા શ્રી રહનેમિની પ્રતિમા મૂળનાયક તરીકે સ્થાપન કરવામાં આવી હોય!
શ્રી રહનેમિ બાવીસમાં તીર્થંકર શ્રી નેમિનાથ પરમાત્માના નાનાભાઈ હતા. તેમણે દીક્ષા લઈને ગિરનારની પવિત્રભૂમિમાં સંયમ આરાધના કરી અષ્ટકર્મનો ક્ષય કરી સહસાવનમાં કેવલજ્ઞાન અને મોક્ષપદની પ્રાપ્તિ કરી હતી.
ગૌમુખીગંગાની બાજુના રસ્તે ઉત્તર દિશા તરફ આગળ જતાં આનંદગુફા, મહાકાલ ગુફા, ભૈરવ જપ, સેવાદાસની જગ્યા અને પથ્થર ચટ્ટીની જગ્યાએ થઈને લગભગ ૧૨૦૦ પગથિયાં નીચે ઉતરતાં સહસાવનનો વિસ્તાર આવે છે.
સહસાવનમાં બાલબ્રહ્મચારી શ્રીનેમિનાથપરમાત્માના દિક્ષા અને કેવલજ્ઞાન કલ્યાણક થયા હતા. સહસાવનને સહસ્ત્રામ્રવન પણ કહેવાય છે, કારણકે અહીં સહસ્ત્ર અર્થાત્ હજારો આંબાના ઘેઘુર વૃક્ષો આવેલા છે. ચારેબાજુ આંબાઓથી ઘેરાયેલા આ સ્થળની રમણિયતા તન – મનને અનેરી શિતળતાનો અનુભવ કરાવે છે. આજે પણ મોરલાના મધુર કીંકાર અને કોયલના ટહૂકારથી ગુંજતી આ ભૂમિ શ્રી નેમિપ્રભુની દીક્ષા અવસરના વૈરાગ્યરસની સુવાસથી મઘમઘાયમાન અને કૈવલ્યલક્ષ્મીની પ્રાપ્તિ બાદ સમવસરણમાં બેસી દેશના આપતા પ્રભુની પાંત્રીસ અતિશય યુક્ત વાણીના શબ્દોથી સદા ગુંજતી રહે છે. આ સહસાવનમાં શ્રી નેમિપ્રભુની દીક્ષાકલ્યાણક અને કેવલજ્ઞાન કલ્યાણકની ભૂમિના સ્થાને પ્રાચીન દેરીઓમાં પ્રભુજીના પગલાં પધરાવેલા છે.
લગભગ ૪૦ -૪૫ વર્ષ પૂર્વે તપસ્વી સમ્રાટ પરમ પૂજ્ય આચાર્ય હિમાંશુસૂરિ મહારાજ સાહેબ પહેલી ટૂંકેથી આ કલ્યાણકભૂમિની સ્પર્શના કરવા માટે વિકટ કેદીના માર્ગેથી આવતા હતા. તે અવસરે કોઈ યાત્રિક આ ભૂમિની સ્પર્શના કરવાં આવવાનું સાહસ કરતાં નહીં તેથી આચાર્ય ભગવંતનાં મનમાં વિચાર આવ્યો કે, ‘જો આ રીતે આ કલ્યાણકભૂમિની ઉપેક્ષા કરવામાં આવશે તો આ ઐતિહાસિક સ્થાનની સુરક્ષા જોખમમાં મૂકી જશે.’ બસ! આ સમય દરમ્યાન કોઈ દિવ્યપ્રેરણાના બળે મહાત્માએ વિચાર કર્યો કે પ્રાચીન દેરી અને માત્ર પગલાંનાં દર્શન કરવા કોઈ યાત્રિકો ઉત્સુક બનતા નથી તેથી તેઓને પુષ્ટ આલંબન મળે તે માટે દીક્ષા કલ્યાણક અને કેવલજ્ઞાન કલ્યાણકનાં પ્રતિકરૂપે બે જિનાલયનું નિર્માણ થાય તો અનેક ભાવિક જીવો આ ભૂમિના દર્શન – પૂજનનો લાભ પામી શકે. ત્યારબાદ તેઓશ્રીના અથાગ પુરુષાર્થથી સહસાવનમાં જગ્યા મેળવી કેવલજ્ઞાન કલ્યાણકના પ્રતિકરૂપે સમવસરણ મંદિરનું નિર્માણ થયું.
અ) સમવસરણ મંદિર,
આ સમવસરણ મંદિરમાં ચૌમુખજીનાં મૂળનાયક તરીકે ૩૫ ઈંચનાં શ્યામવર્ણીય સંપ્રતિકાલીન શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમા બિરાજમાન છે. આ ચૌમુખજી પ્રભુની પ્રતિષ્ઠા વિ.સં. ૨૦૪૦ ચૈત્ર વદ પાંચમના દિવસે પ.પૂ.આ.હિમાંશુસૂરિ મહારાજ સાહેબ, પ.પૂ.આ.નરરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબ, પ.પૂ.આ.કલાપૂર્ણસૂરિ મહારાજ સાહેબ તથા પ.પૂ.પં. હેમચંદ્રવિજયજી ગણિવર્ય આદિ વિશાળ સાધુ – સાધ્વી સમુદાયની પાવન નિશ્રામાં થયેલ છે.
આ સમવસરણ જિનાલયમાં પ્રવેશ કરતાં જ સામે સમવસરણનાં પગથિયાને જોઈને સાક્ષાત્ પ્રભુના સમવસરણમાં પ્રવેશ કરતાં હોવાના ભાવો પ્રગટ થાય છે. ઉપર ચઢતાં મધ્યમાં અશોકવૃક્ષની નીચે ચૌમુખજી પ્રભુજીના બિંબોને નિહાળતાં હૈયું પુલકિત થાય છે. આ સમવસરણની સન્મુખના રંગમંડપમાં ગત ચોવીસીના દસ તીર્થંકર સમેત શ્યામવર્ણીય શ્રી નેમિનાથ પરમાત્મા તથા તેની સામે આવતી ચોવીસીના ચોવીસ તીર્થંકર સમેત પીતવર્ણીય શ્રી પદ્મનાભ પરમાત્માની નયનરમ્ય પ્રતિમાઓ પધરાવેલ છે. અન્ય રંગમંડપમાં શ્રી નેમિપ્રભુના ૬ -૬ ગણધર ભગવંતોની પ્રતિમા સ્થાપિત કરવામાં આવેલ છે. જિનાલયમાં પ્રવેશતાં રંગમંડપમાં ડાબે – જમણે શ્રી ગોમેધયક્ષ અને શ્રી અંબિકાદેવીની પ્રતિમા બિરાજમાન છે. અન્ય રંગમંડપમાં પ.પૂ.આ.હિમાંશુસૂરિ મહારાજ સાહેબ વડીલ પૂજ્યોની પ્રતિકૃતિ તથા પગલાં પધરાવવામાં આવેલ છે.
સમવસરણની પાછળ નીચે શંખ ગુફામાં ૧૧ ઈંચના શ્રી નેમિનાથ પરમાત્માની અત્યંત મનમોહક પ્રતિમા પધરાવવામાં આવેલ છે. જ્યાં અનેક મહાત્માઓએ અઠ્ઠમ આદિ તપશ્ચર્યા સાથે વિશિષ્ટ આરાધનાઓ કરી છે અને અવાર – નવાર કરવા પધારે છે.
પ.પૂ.આ. હિમાંશુસૂરિ મહારાજ સાહેબ પ્રેરિત શ્રી સહસાવન કલ્યાણકભૂમિ તીર્થોધ્ધાર સમિતિ – જૂનાગઢ દ્વારા આ સમવસરણ મંદિરનું નિર્માણ થયેલ છે અને તેઓના સંચાલન હેઠળ અત્રે વિશિષ્ટ આરાધના કરવાની ભાવનાવાળા પુણ્યશાળીઓ માટે ધર્મશાળાની વ્યવસ્થા છે. પૂર્વ સંમતિ પૂર્વક આવનારને અત્રે રાત્રી રોકાણ કરી શકાય છે તથા ભોજન – આયંબિલની વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે. આ સંકુલમાં દર્શનાર્થે પધારતા સર્વ સાધર્મિક બંધુઓને ભાતું આપવામાં આવે છે.
આ સમવસરણ મંદિરની બહાર નીકળી પગથિયાં ઉતરતાં જમણી બાજુ આ મંદિરના પ્રેરણાદાતા પ.પૂ.આ. હિમાંશુસૂરિ મહારાજ સાહેબની અંતિમસંસ્કારભૂમિ આવે છે. જેમાં પૂજ્યશ્રીનાં પગલાં તથા પ્રતિકૃતિ પધરાવવામાં આવેલ છે. આ અંતિમસંસ્કારભૂમિથી ૬૦ પગથિયા ઉતરતાં બે રસ્તા પડે છે, જેમાં ડાબી બાજુના માર્ગે ૩૦૦૦ પગથિયા ઉતરી લગભગ અડધો કિલોમીટર ચાલતાં તળેટી આવે છે. જમણી બાજુ ૪૦ પગથિયા ઉતરતાં ડાબી બાજુ શ્રી નેમિનાથ પરમાત્માની કેવલજ્ઞાન કલ્યાણકની પ્રાચીન દેરી આવે છે.
બ) શ્રી નેમિનાથ પરમાત્માના કેવલજ્ઞાન કલ્યાણકની પ્રાચીન દેરી
આ કેવલજ્ઞાન કલ્યાણકની દેરીમાં મધ્યમાં શ્રી નેમિનાથ પ્રભુના પગલાં તથા તેમની બાજુમાં તેમના ભાઈ મુનિ શ્રી રહનેમિજી તથા સાધ્વી રાજીમતીશ્રીજીના પગલાં પધરાવવામાં આવેલાં છે. આ ડેરીથી ૩૦ પગથિયાં ઉતરતાં ડાબીબાજુ શ્રી નેમિનાથ પ્રભુની દીક્ષા કલ્યાણકની પ્રાચીન દેરી આવે છે.
ક) શ્રી નેમિનાથ પરમાત્માના દીક્ષા કલ્યાણકની પ્રાચીન દેરી
આ દીક્ષા કલ્યાણકની પ્રાચીન દેરી એક વિશાળ ચોકમાં આવેલી છે. જેમાં શ્રી નેમિપ્રભુના શ્યામવર્ણીય પગલાં પધરાવવામાં આવેલા છે. અનેક મુમુક્ષુ આત્માઓ દીક્ષા પૂર્વે આ પાવનભૂમિની સ્પર્શના કરવા અવશ્ય પધારે છે.