'માં' નો બાળક પ્રત્યેનો પ્રેમ એટલે વાત્સલ્ય.....બાળકમાં નથી કોઈ પાત્રતા, નથી કોઈ યોગ્યતા, એ બાળક નથી કાંઈ પૈસા કમાઈને લાવ્યો, નથી કોઈ યુનીવર્સિટી સર્ટીફીકેટ લાવ્યો કે નથી કોઈ ગોલ્ડમેડલ લાવ્યો, પણ છતાં ““માં” બાળક ને પ્રેમ કરે છે. બાળક બિલકુલ અપાત્ર, અબોધ, અસહાય છે. છતાં ‘માં’ નું વાત્સલ્ય સદા વરસતું રહે છે. તેમ ભક્ત પણ પ્રભુને કહે છે, હું અયોગ્ય છું, હું અપાત્ર છું, હું અબુઝ છું, હું અસહાય છું. બીજું કઈ આપવાની વાત તો દૂર રહો, અરે! લેવાની યોગ્યતા પણ મારામાં નથી. છતાં પ્રભુની અનરાધાર કૃપા મારા પર વરસે છે. હમેશાં માટે અવિરત પણે......ફક્ત શરત એક જ છે, જેમ બાળકની દુનિયામાં ‘માં’ સીવાય બીજું કોઈ નથી તેમ ભક્તની દુનિયામાં પ્રભુ સીવાય બીજું કોઈ ના જોઈએ. બાળકને કાંઈ પણ થાય તો તેની પાસે એક જ પોકાર છે ““માં””......એ પોકારી શકે છે, રડી શકે છે, તેમ ભક્ત પણ પરમાત્માને પોકારી શકે છે અંતરથી, રડી શકે છે ભીતરથી, બધી જ લાગણીઓનો એક જ સંબંધ છે, પરમ પાવન પરમાત્મા. આવા ભીંજાયેલા ભક્તો પ્રભુની કૃપધારાની વૃષ્ટિમાં ભીંજાતા રહે છે.
કેવી મજાની મસ્તી હશે આવા ભક્તની! દુનિયાની કોઈ ઝંઝટ નહી, દુનિયા સાથે કોઈ સંબંધ નહી, બસ પોતાની મસ્તીમાં મસ્ત. આપણે પણ આવી મસ્તીને પામીએ. આપણે પણ પરમપાવન નેમિનાથ પરમાત્માની કૃપાધારાને માણી શકીએ. એ આશયથી શ્રી નેમિનાથ પરમાત્માનું જીવન ચરીત્ર આપીએ છીએ. આ ચરીત્ર વાંચતા પ્રભુ સાથે આપણો પણ આવો સંબંધ જોડાઈ જાય કે આ સંસારના બધા સંબંધો છૂટી જાય.
“સમકિત પામે જીવને, ભવ ગણ એ ગણાય,
જો વળી સંસારે ભમે, તો પણ મુગતે જાય.”
નિગોદમાં અનંતા જીવોની સાથે રહેવા છતાં ત્રણલોકના તારણહારા એવા અરિહંત પરમાત્માનો આત્મા સર્વથી જુદો તરી આવે છે. નિગોદથી માંડીને સર્વજીવોમાં પરમાત્માના પરાર્થવ્યસનીયતા આદિ ગુણો પરાકાષ્ઠાએ વર્તે છે. કોલસાની ખાણમાં કોહિનૂર હીરો જેમ ચમકી ઉઠે તેમ સદગુરુના યોગથી અનંતા જીવોમાં પણ પરમાત્માનો આત્મા સમ્યગ્દર્શન બાદ વિશેષ રીતે ઝળકી ઉઠે છે. છેલ્લેથી ત્રીજા ભવમાં સર્વ જીવહિતાશયનો પરિણામ અને સવિ જીવ કરું શાસન રસીના ભાવો ઉત્કૃષ્ટ પરિણામે પહોંચી તીર્થંકર નામકર્મની નિકાચના કરે છે. અંતિમ ભવમાં તે સર્વ ગુણો – ભાવોની ફલશ્રુતિરૂપે તીર્થંકર પદવીના ભોક્તા બની અનેક જીવોના તારણહારા બને છે. આ પરમાત્માનું સાન્નિધ્ય – દેશના જેમ તારનારા છે, તેમ તેમનું ચરિત્ર પણ આપણા આત્માના ઉધ્ધારનું કારણ બને છે. આપણે પણ નેમિનાથ પરમાત્માના ચરિત્રના વાંચન દ્વારા સમ્યગ્દર્શનની શુદ્ધિને પામીએ અને પરંપરાએ મોક્ષપદની પ્રાપ્તિ કરીએ.