આભની અટારીએ, વાદળ કરે વિશ્રામ...
એવા ગઢ ગિરનારના શેં' ગાવા ગુણગાન...!
દીનદુઃખીનો બેલી જેમ દાનવીર છે,
શત્રુઓથી ભયનું રક્ષણ જેમ શૂરવીર કરે છે,
રોગીજનોનો આશ્રય જેમ વૈદરાજ છે, તેમ
ભવજલધિમાંથી તારણહારો તીર્થરાજ છે.
નેમિનાથ ભગવાનનું નિવાસ
દીલ અને આંખ ઠરી જાય એવા બાહ્ય સોંદર્યથી સોનામાં સુગંધ ભળ્યાની જેમ અનંત સિદ્ધોના ધામ સરીખું શત્રુંજય તીર્થાધિરાજનું પાંચમું શિખર અનંત - અનંત તીર્થંકર ભગવંતના દીક્ષાકલ્યાણક, કેવલજ્ઞાનકલ્યાણક અને મોક્ષકલ્યાણક ભૂમિનું આ પ્રાય: શાશ્વતું સ્થાન છે.
જુનાગઢ સ્થિત ભવ્ય ગિરનાર...
ગરવા ગિરનારની બાહ્ય અને અભ્યંતર શોભા અત્યંત રમણીય છે. સાત કિલ્લાની વચ્ચે જેમ રમણીય મહેલ શોભે છે,
તેમ સાત નાના પર્વતોના કિલ્લાથી ગિરનારગિરિ શોભે છે. ચારે બાજુ શ્યામ શિલાઓ અને કુદરતીકળાને બેનમૂન દર્શાવતી શિલાઓની
કોતરો ઝળકી રહી છે. ચારેબાજુ લીલી હરિયાળી વિલસી રહી છે, અને ખળખળ વહેતા ઝરણાઓની મનોહરતા મનને આહલાદ આપે છે.