ભરતક્ષેત્રને વિષે વૈતાઢયગિરિની ઉત્તરશ્રેણીના આભૂષણરૂપ સૂરતેજ નામના નગરમાં સૂર નામનો ખેચરોનો ચક્રવર્તીરાજા રાજ્ય કરતો હતો. તેને શીલ અને ગુણથી યુક્ત વિધુન્મતિ નામની રાણી હતી. ધનકુમારનો આત્મા સૌધર્મદેવલોકમાંથી ચ્યવીને વિધુન્મતિરાણીના ઉદરમાં પુત્ર પણે અવતર્યો. શુભ દિવસે મહારાણીએ પુત્રને જન્મ આપ્યો. મહારાજાએ જન્મ મહોત્સવપૂર્વક પુત્રનું ચિત્રગતિ નામ સ્થાપન કર્યું.
અ અરસામાં તે જ વૈતાઢયગિરિની દક્ષિણશ્રેણી ઉપર આવેલા શિવમંદિર નગરમાં અનંગસિંહ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને શશીપ્રભા રાણી હતી. ધનવતીનો આત્મા સૌધર્મદેવલોક માંથી ચ્યવીને મહારાણીની કુક્ષીમાં પુત્રી પણે અવતર્યો. મહારાજાએ તેનું રત્નવતી નામ પડ્યું. સજળ સ્થાનમાં જેમ વેલડી વૃદ્ધિ પામે તેમ ઘણા ભાઈઓની એક બહેન રત્નવતી પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગી. શૈશવઅવસ્થામાં સર્વકળા ગ્રહણ કરી અનુક્રમે યૌવનવયને પામી. એક વખત તેના પિતાએ એક નિમિત્તિઆને પૂછ્યું કે, “આ કન્યારત્નનો વર કોણ થશે?” ત્યારે નિમિત્તિઆએ કંઈક વિચારીને કહ્યું કે, “જે તમારી પાસેથી ખડ્ગરત્ન લઇ લેશે અને સિધ્ધાયતનમાં વંદના કરતા જેની ઉપર દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરશે તે નરલોકમાં મુગટરૂપ પુરુષ તમારી પુત્રી રત્નવતીને પરણશે.” આ સાંભળી આનંદ પામેલા રાજાએ નિમિત્તિઆને ઘણી ભેટ આપી વિદાય કર્યો.
એ સમયમાં ભરતક્ષેત્રને વિષે ચક્રપુર નામના નગરમાં સુગ્રીવ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને યશસ્વતી રાણીથી સુમિત્ર નામે પુત્ર હતો અને ભદ્રા રાણીથી પદ્મ નામે પુત્ર હતો. તેમાં સુમિત્ર ગંભીર, વિનીત, કૃતજ્ઞ, અને જૈન ધર્મી હતો. જયારે પદ્મ તેનાથી વિપરીત મિથ્યાત્વી હતો. એક વખત અભદ્ર બુદ્ધિવાળી અને પુત્રમોહમાં અંધ બનેલી ભદ્રારાણીએ પોતાના પુત્ર પદ્મને જ રાજ્ય મળે આવા દુષ્ટઆશય અને ઈર્ષાથી પ્રેરાઈને પોતાની શોક્યના ગુણવાન પુત્રને ઝેર આપ્યું. ગારુડી વિગેરેના મંત્ર – તંત્રના તમામ પ્રયોગો ઝેર ઉતારવામાં નિષ્ફળ રહ્યા. રાજકુમાર સુમિત્રને ભદ્રાએ ઝેર આપ્યું છે આ વાત સમગ્ર નગરમાં વાયુવેગે પ્રસરી ગઈ. તેથી અપકીર્તિ અને રાજાના ભયથી ભદ્રારાણી નગર છોડીને ભાગી ગઈ. રાજકુમારની નિશ્ચેષ્ટ અવસ્થાથી આખું ચક્રપુરનગર શોકગ્રસ્ત બની ગયું. એ જ સમયે આકાશમાર્ગે પસાર થઇ રહેલા વિદ્યાધર ચિત્રગતિએ ચક્રપુરનગરની શોકાતુર અવસ્થા જોઈને પોતાના વિમાનમાંથી ઉતારીને નીચે આવ્યા. ચિત્રગતિ એ બીજું કોઈ નહી પરંતુ નેમિનાથ પરમાત્માનો જ આત્મા છે. તેથી અન્યના દુ:ખને જોઈને સહજ કરુણા તેઓના હૃદયમાં જન્મી. નીચે આવીને મૂર્છિત થયેલા સુમિત્રને પોતાની પાસે રહેલી ઔષધિથી અભિમંત્રીત જળના છંટકાવ દ્વારા સ્વસ્થ કર્યો. કરુણાહૃદયી, પરદુઃખભંજન અને નિર્મળમતિવાન ચિત્રગતિ અને સુમિત્રની વચ્ચે આ પ્રસંગથી ગાઢ મૈત્રી બંધાઈ ગઈ. સુમિત્રના આગ્રહથી ચિત્રગતિ એ થોડોક સમય એના નગરમાં જ વ્યતીત કર્યો. પછી ચિત્રગતિ સ્વસ્થાને ગયો.
ઘણો કાળ વ્યતીત થયા પછી એકવાર સુમિત્રની ભગિની કે જેને કલિંગદેશના રાજા સાથે પરણાવેલી હતી. તેના અપહરણના સમાચાર ચિત્રગતિને મળ્યા. તેનું અપહરણ અનંગસિંહ રાજાના પુત્ર અને રત્નવતીના ભાઈ કમળે કર્યું હતું. આ સમાચાર મળતાં જ ચિત્રગતિ સ્વસૈન્ય લઈને શિવમંદિર નગરે જવા ઉપડ્યો. ચિત્રગતિએ કમળને સહેલાઈથી પરાજિત કર્યો અને પછી અનંગસિંહ રાજાની સાથે ભીષણયુદ્ધ ખેલાયું. યુદ્ધમાં જયારે સ્વબચાવ માટે અનંગસિંહ રાજાએ પોતાના ખડ્ગરત્નનું આહ્વાન કર્યું ત્યારે ચિત્રગતિએ સ્વકૌશલ્યથી એ ખડ્ગરત્નને અનંગસિંહ રાજા પાસેથી ઝૂંટવી લીધું અને ચિત્રગતિ સુમિત્રની ભગિનીને લઈને સત્વરે ત્યાંથી ચાલ્યો ગયો, તથા તેને સ્વસ્થાને પહોંચાડી. સંસારની અસારતાનો અનુભવ જેને થઇ ગયો છે એવા સુમિત્રે ચિત્રગતિની ઉપસ્થિતીમાં જ સુયશ નામના મુનિભગવંત પાસે સર્વ વિરતિને ગ્રહણ કરી. વિચરણ કરતાં કરતાં સુમિત્રમુનિ કોઈક ગામની બહાર કાયોત્સર્ગ ધ્યાને સ્થિર રહ્યા. તેવામાં તેમનો સાપત્ન બંધુ પદ્મ ત્યાં આવી ચડ્યો. પૂર્વના સુમિત્રમુનિ સાથેના દ્વેષને કારણે તેણે મુનિભગવંતને બાણ વડે મારી નાખ્યા. સુમિત્રમુનિ સમતા પૂર્વક સમાધિમરણ પામી બ્રહ્મદેવલોકમાં સમાનીક દેવ થયા. બાણ મારીને પદ્મ ત્યાંથી જેવો નાસવા જાય છે તેવામાં જ કૃષ્ણસર્પ તેને ડંખી ગયો. તે મૃત્યુ પામીને સાતમી નરકમાં ગયો.
સુમિત્રના મૃત્યુના ખબર સાંભળી શોકાતુર બનેલો ચિત્રગતિ યાત્રા કરવાને માટે સિદ્ધાયતનતીર્થ પર ગયો. ત્યારે રાજા અનંગસિંહ પણ પોતાની પુત્રી તથા રાજપરિવાર સહીત યાત્રા કરવા આવ્યા. ચિત્રગતિ ખૂબજ ભાવથી પ્રભુ ભક્તિ કરવા લાગ્યો. તે સમયે દેવતા થયેલો સુમિત્રનો આત્મા અવધિજ્ઞાનથી ચિત્રગતિ અહીં છે એમ જાણી આવ્યો અને ચિત્રગતિ ઉપર પુષ્પવૃષ્ટિ કરી. આ દ્રષ્ય જોઈને અનંગસિંહરાજાને નિમિત્તિઆની વાત યાદ આવી. રાજાએ પોતાની પુત્રીના વર તરીકે ચિત્રગતિને ઓળખ્યો અને રાજ પરિવાર સહીત પોતાના નગરમાં ગયો. ત્યારબાદ તેણે એક મંત્રીને સૂરચક્રીરાજાની પાસે પુત્રીના વિવાહનું કહેણ લઈને મોકલ્યો. સૂરચક્રીરાજાએ પણ બન્નેને પરસ્પર યોગ્ય જાણી મહોત્સવપૂર્વક તે બન્નેનો વિવાહ કર્યો. ચિત્રગતિ રત્નવતીની સાથે સાંસારિક સુખો ભોગવવા લાગ્યો. સમય જતાં સૂરચક્રીરાજાએ ચિત્રગતિનો રાજ્યાભિષેક કરી દિક્ષા ગ્રહણ કરી અંતે મોક્ષપદ પામ્યા. પહેલા ભવમાં ધનદેવ અને ધનદત્તના આત્મા આ ભવમાં પણ ચિત્રગતિના અનુજ બંધુ મનોગતિ અને ચપલગતિ નામે હતા. તે બન્ને બંધુ તથા રત્નવતીની સાથે ચિત્રગતિ નંદીશ્વરઆદિ તીર્થોની યાત્રા કરવા લાગ્યો, પરમાત્માની પાસે ધર્મ - દેશના સંભાળવા લાગ્યો તથા સાધુઓની સેવામાં સદા તત્પર રહેવા લાગ્યો.
સમય જતાં સંસારથી ઉદ્વેગપામીને ચિત્રગતિએ પોતાના જયેષ્ઠપુત્ર પુરંદરને રાજ્ય પર અભિષિક્ત કરી પોતાના અનુંજબંધુ તથા પોતાની છાયા સમાન રત્નવતી સાથે દમધરનામના આચાર્ય ભગવંતના ચરણોમાં સંયમ જીવન અંગીકાર કર્યું. ચિરકાલ અપ્રમત્ત ચરિત્ર પાળી છેલ્લે પાદપોગમન અનશન કરી સમાધિપૂર્વક મૃત્યુ પામીને ચિત્રગતિ માહેન્દ્રકલ્પમાં પરમર્ધ્ધિક દેવ થયા તથા રત્નવતી અને ચિત્રગતિમુનિના અનુજબંધુમુનિ પણ તે જ દેવલોકમાં પરસ્પર પ્રીતિને ધરનારા દેવતા થયા.