Change Language

પાંચમો ભવ

રાજા અપરાજિત અને પ્રીતિમતી

પૂર્વવિદેહમાં પદ્મ નામની વિજયમાં સિંહપુર નામનું નગર હતું. તેમાં હરિણંદી રાજા રાજ્ય કરતો હતો. તેને પ્રિયદર્શના પટરાણી હતી. ચિત્રગતિનો આત્મા માહેન્દ્રદેવલોકમાંથી ચ્યવીને શુભસ્વપ્નથી સૂચિત પ્રિયદર્શના રાણીની કુક્ષિમાં અવતર્યો. મહારાજાએ તેનું અપરાજિતકુમાર નામ રાખ્યું. ધાત્રીઓ વડે લાલન – પાલન કરાતા કુમારે બાલ્યવય પસાર કરી. વિદ્યાગુરુ પાસે સર્વકળામાં પારંગત બની અનુક્રમે યૌવનવયને પામ્યો. કુમારને બાલ્યવયથી સાથે ધૂલિક્રીડા કરનાર અને સાથે અભ્યાસ કરનાર વિમલબોધ નામે મંત્રીપુત્ર તેનો પરમમિત્ર હતો.

એક વખત અપરાજિતકુમાર અને વિમલબોધ બંન્ને મિત્રો અશ્વારૂઢ થઈને ક્રીડા કરવા નીકળ્યા. પરંતુ તીવ્ર ગતિવાળા અશ્વો તે બંનેને ગાઢ અટવીમાં લઇ ગયા. ત્યાં પહોંચતા અશ્વો શાંત થઈને ઉભા રહ્યા, એટલે તે બંને એક વૃક્ષની નીચે ઉતરી પડ્યા. કુમારે મંત્રીપુત્રને કહ્યું કે હે મિત્ર! આ અશ્વો આપણને અહીં લઇ આવ્યા તે ઘણું સારું થયું. હવે આપણે અનેક આશ્ચર્યથી પૂર્ણ એવી પૃથ્વીને નીહાળીશું. આમ વાત કરી કુમાર અને મંત્રીપુત્ર આગળ ચાલ્યા. રસ્તામાં કુમાર પોતાના અપૂર્વ પરાક્રમ, યુદ્ધ કૌશલ્ય અને પુણ્ય પ્રભાવથી ઘણા રાજાઓને જીતીને પોતાના અપરાજિત નામને સાર્થક કરતા વિવિધ પ્રસંગો અનુસાર વિવિધ દેશના રાજાઓની રાજપુત્રીઓને પરણ્યા. કોશલદેશના કોશલરાજાની કનક્માલા નામે દુહિતા, વૈતાઢયપર્વત ઉપર રથનૂપૂર નગરના અમૃતસેન નામના ખેચરપતિની રત્નમાળા નામની પુત્રી, એક મહાવનમાં ભુવનભાનુ નામે વિદ્યાધરોના રાજાની કમલિની અને કુમુદિની નામની કન્યા અને મંદિરપુર નગરમાં સુપ્રભરાજાની રંભા નામની રાજપુત્રીઓ સાથે પાણિગ્રહણ કર્યું. દરેક રાજકુમારીને પોતાના પિતાના જ નગરમાં મૂકીને અપરાજીતકુમાર પોતાના મિત્ર વિમલબોધ સાથે નીકળીને કુંડપુર સમીપે આવ્યા. ત્યાં તેમણે દિવ્ય સુવર્ણકમળ ઉપર બિરાજમાન કેવળીભગવંતના દર્શન કર્યા. બંને મિત્રો કેવળીભગવંતને પ્રદક્ષિણા આપીને કર્ણમાં અમૃતને વર્ષાવતી ધર્મદેશના સાંભળવા બેઠા. દેશના પૂર્ણ થયા પછી નમસ્કાર કરીને પાપભીરુ અને ઋજુહૃદયી કુમારે કેવળીભગવંતને પુછ્યુંકે, હે ભગવંત! હું ભવ્ય છું કે અભવ્ય? કેવળીભગવંત બોલ્યા: “હે ભદ્ર! તું ભવ્ય છે. આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં બાવીસમાં તીર્થંકર થઈશ અને આ તારો મિત્ર પ્રથમ ગણધર થશે”. આ સાંભળીને હર્ષથી પુલકિત થયેલા અપરાજિતકુમાર અને વિમલબોધ સ્થાને - સ્થાને જિનચૈત્યોના દર્શન કરતાં કરતાં જનાનંદ નગર સમીપ પહોંચ્યા.

જનાનંદ નામના નગરમાં જિતશત્રુ રાજાને શીલને ધરનારી ધારિણી રાણી હતી. રત્નવતીનો આત્મા સ્વર્ગમાંથી ચ્યવીને રાણીની કુક્ષીમાં પુત્રી પણે અવતર્યો. પૂર્ણ સમયે રાણીએ પુત્રીને જન્મ આપ્યો. સર્વને પ્રીતિ ઉત્પન્ન કરનારી હોવાથી મહારાજાએ તેનું પ્રીતિમતી નામ રાખ્યું. અનુક્રમે તે મોટી થઇ અને સર્વ કળાઓ સંપાદન કરી યૌવનવયને પામી. કળાઓમાં અત્યંત પ્રવીણ અને પારંગત હોવાને કારણે તેણે નિશ્ચય કર્યો હતો કે “જે પુરુષ કળાઓમાં મને જીતશે તેને હું વરમાળા પહેરાવીશ.” રાજકુમારીના આ નિશ્ચયને જાણીને મહારાજાએ સ્વયંવર રચાવ્યો. સમગ્ર રાજાઓને પ્રીતિમતિએ જીતી લીધા. છેલ્લે અપરાજિતકુમાર તત્કાળ પ્રીતિમતિની પાસે આવ્યા. તેમને જોતાં જ પૂર્વ જન્મના સ્નેહથી પ્રીતિમતિના મનમાં સ્નેહ ઉત્પન્ન થઇ પ્રીતિમતિના પ્રશ્નનો તત્કાળ જવાબ આપી પરાજિતકુમારે તેને નિરુત્તર કરી જીતી લીધી. પ્રીતિમતિએ તરત જ સ્વયંવરમાળા કુમારના ગળામાં આરોપણ કરી. જિતશત્રુ રાજાએ શુભ દિવસે પરસ્પર અનુરક્ત એવા અપરાજિત અને પ્રીતિમતિનો વિવાહઉત્સવ કર્યો. જનાનંદનગરના મંત્રીએ પોતાની રૂપવતી પુત્રીને વિમલબોધની સાથે પરણાવી. કેટલોક કાળ ત્યાં વ્યતીત કર્યો, ત્યારબાદ પિતા હરિણંદીના સંદેશાને મેળવીને અપરાજિતકુમારે પ્રીતિમતી સહીત સમગ્ર પરિવાર સાથે પોતાની નગરી તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં કુમાર જે - જે કન્યાઓને પરણ્યા હતા તે સર્વ રાજાઓએ અપરાજિતકુમારની સાથે પોત પોતાની પુત્રીઓને વળાવી. પોતાની પત્નીઓ, મિત્ર વિમલબોધ, અનેક ભૂચર, ખેચર રાજાઓ તથા સૈન્યથી ભૂમિ અને આકાશને આચ્છાદિત કરતો અપરાજિતકુમાર સિંહપુર નગરમાં આવ્યો. માતા – પિતાએ હર્ષ અને વિરહ મિશ્રિત અશ્રુ વહાવ્યા. રાજા હરિણંદીએ કુમારને યોગ્ય જાણી રાજ્યધુરા સોંપી અને પોતે દીક્ષા લઈને મોક્ષપદને પામ્યા.

અપરાજિતરાજાની પ્રીતિમતી પટ્ટરાણી થઇ, વિમલબોધ મંત્રી થયો તથા મનોગતિ અને ચપલગતિનો આત્મા જે માહેન્દ્રદેવલોકમાં સાથે હતા તે અહીં અપરાજિતકુમારના અનુજ બંધુ થયા તેમને મંડલેશ્વર તરીકે સ્થાપન કર્યા. સુખેથી પ્રજાનું પાલન કરતાં અપરાજિત રાજા વિવિધ ચૈત્યો અને લાખો રથયાત્રા કરતાં કાળ નિર્ગમન કરવા લાગ્યા.

એકવખત અપરાજિત રાજા ઉદ્યાનમાં ફરવા ગયા હતા, ત્યાં દૂરથી અનેક ઋદ્ધિ – સમૃદ્ધિયુક્ત અને અત્યંત રૂપવાન એવા સમુદ્રપાળ સાર્થવાહના પુત્ર અનંગદેવને જોયો. તેના વૈભવ અને ગુણોની પ્રશંસા અપરાજિત રાજાએ સેવકો પાસે સાંભળી. મારા નગરમાં આવા ધનિક અને ઉદાર શ્રેષ્ઠિઓ વસે છે તેમ પ્રશંસા કરતાં – કરતાં અપરાજિત રાજા પોતાના મહેલમાં પાછા આવ્યા. બીજા દિવસે મહારાજા જયારે બહાર નીકળ્યા ત્યારે કો’કની સ્મશાનયાત્રાનું કરુણ દ્રશ્ય જોયું. મહારાજાએ તરત સેવકને બોલાવી પુછ્યું કે આટલો કરુણ વિલાપ અને વિરસવાદ્ય શા માટે વાગે છે? ત્યારે સેવકોએ કહ્યુંકે, હે સ્વામીનાથ! ગઈકાલે આપ જે સમુદ્રપાલ સાર્થવાહના પુત્ર અનંગદેવની પ્રશંસા કરતાં હતાં તે જ અનંગદેવની આ સ્મશાનયાત્રા છે. એક જ દિવસના અંતરમાં આવા બે દ્રશ્યોએ અપરાજિતરાજાને સંસારની વાસ્તવિકતાનો ચિતાર આપી દીધો. અસાર સંસારના સ્વરૂપને જાણીને મહાન સંવેગને ધારણ કરતાં રાજા પોતાના સ્વગૃહે આવ્યા. તે જ સમયે પૂર્વે કુંડપુર નગરમાં જે કેવલીભગવંત પાસે રાજાએ દેશના સાંભળી હતી તે જ કેવલીભગવંતે જ્ઞાન વડે અપરાજિત રાજાને બોધને યોગ્ય થયેલ જાણીને તેના ઉપકારને માટે અહીં પધાર્યા. તેમની પાસેથી ધર્મ સાંભળીને પ્રીતિમતિના પુત્ર પદ્મને રાજ્ય સોંપી અપરાજિતરાજાએ પ્રિયા પ્રીતિમતિ, અનુજબંધુ સૂર અને સોમ તથા મિત્ર વિમલમંત્રી સાથે ચારિત્ર ગ્રહણ કર્યું. તે સર્વેએ નિરતિચાર ચારિત્ર પાળી, તપસ્યા કરી સમાધિપૂર્વક મૃત્યુ પામીને આરાણ નામના અગ્યારમાં દેવલોકમાં પરસ્પર પ્રીતિવાળા ઇન્દ્રના સમાનિક દેવ થયા.

Join the mailing list for regular updates about Girnar!
x
Thank you! Your submission has been received!
Oops! Something went wrong while submitting the form.