Change Language

સાતમો ભવ

રાજા શંખ અને યશોમતી

જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આવેલા હસ્તિનાપુર નગરમાં શ્રીષેણ રાજા રાજ્ય કરતાં હતા. તેની શ્રીમતિ નામની પટરાણીએ એક વખત સ્વપ્નમાં શંખ જેવો ઉજ્જવળ ચંદ્ર પોતાના મુખકમળમાં પ્રવેશ કરતો જોયો, પ્રાત:કાળે મહારાજાને તે વૃતાંત જણાવ્યો. મહારાજાએ સ્વપ્નપાઠકોને બોલાવ્યા. સ્વપ્નપાઠકોએ કહ્યુંકે, “ આ સ્વપ્નથી ચંદ્રની જેમ સર્વ શત્રુરૂપ અંધકારનો નાશ કરે તેવા પુત્રને દેવી જન્મ આપશે. તે જ રાત્રીએ અપરાજિતનો આત્મા આરણદેવલોકમાંથી ચ્યવીને શ્રીમતિ દેવીની કુક્ષીમાં પધાર્યો. યોગ્ય સમયે વિશિષ્ટ લક્ષણોથી શોભતા એવા પુત્ર રત્નને પટરાણીએ જન્મ આપ્યો. પુત્રરત્નનું નામ તેના જન્મ પૂર્વે આવેલાં સ્વપ્નને અનુરૂપ શંખકુમાર રાખવામાં આવ્યું. બીજના ચંદ્રની વધતી જતી કળાની જેમ વૃદ્ધિને પામતો શંખકુમાર અનુક્રમે યૌવનવયને પામ્યો. આ બાજુ વિમલબોધમંત્રીનો આત્મા પણ આરણદેવલોકમાંથી ચ્યવીને શ્રીષેણ રાજાના ગુણનિધિ મંત્રીનો મતિપ્રભ નામે પુત્ર થયો. પૂર્વભવોના ગાઢ ઋણાનુબંધને કારણે આ ભવમાં પણ શંખકુમાર અને મતિપ્રભ બંને ગાઢ મિત્રો બન્યા.

એકવાર હસ્તિનાપુર નગરીની નજીકમાં ચંદ્ર નામના પર્વતની બાજુમાં શીશીરા નદી વહેતી હતી. તે નદીને કાંઠે રહેલો સમરકેતુ નામનો પલ્લીપતિ હસ્તિનાપુર નગરીને વારંવાર લૂંટતો હતો. તેથી નગરજનોના રક્ષણાર્થે પરાક્રમી એવા શંખકુમારે સમરકેતુ સાથે યુદ્ધ કરી તેને હરાવ્યો અને પોતાના શરણે કર્યો. શંખકુમાર પલ્લીપતિને લઈને પાછો ફરતો હતો. સાયંકાળ થતાં તેને માર્ગમાં જ પડાવ કર્યો. રાત્રી દરમ્યાન અચાનક એક સ્ત્રીનું કરુણ રુદન સંભળાયું. બીજાના દુ:ખોને જોઈને દુઃખી થનારો શંખકુમાર રુદનની દિશામાં ગયો, ત્યાં તેમને એક પ્રૌઢા સ્ત્રીને રડતી જોઈ. કુમારે મૃદુ સ્વરે કહ્યુંકે, “ હે ભદ્રે! રડ નહિ, તારા દુઃખનું જે કારણ હોય તે કહે.” કુમારની વાણીથી આશ્વાસન પામીને તે બોલી – “અંગદેશની ચંપાનગરીનો જિતારી રાજા અને કિર્તિમતી રાણીની યશોમતી પુત્રી છે. તે પોતાને યોગ્ય વર કે કોઈ સ્થાન નહિ જણાવવાથી પુરુષ ઉપર અરુચિવાળી થયેલી છે. એકવાર કો’કના દ્વારા શ્રીષેણ રાજાના પુત્ર શંખકુમારનું નામ સંભાળીને તેના ઉપર અનુરાગવાળી થયેલી માટે શંખકુમારને જ પરણવું તેમ પ્રતિજ્ઞા કરી છે.” એકવખત વિદ્યાધરપતિ મણિશેખરે તે કન્યાની માંગણી કરી ત્યારે જિતારીરાજાએ કહ્યું કે , “મારી કન્યા શંખકુમાર સિવાય બીજાને ઈચ્છતી નથી.” તેથી ક્રોધ પામી તે અધમ વિદ્યાધર યશોમતીને ઉપાડી ગયો છે. એના હાથે તેની ધાત્રી એવી હું વળગેલી હતી પરંતુ વિદ્યાધરે મને નાંખી દીધી છે.

આ સાંભળીને શંખકુમાર યશોમતીને શોધવા અટવીમાં ભમવા લાગ્યો. એક વખત પર્વતની ગુફામાં શંખકુમારનું રટણ કરતી યશોમતી જોવામાં આવી. શંખકુમારે તે મણિશેખર વિદ્યાધર સાથે યુદ્ધ કરી જીતી લીધો. યશોમતી સહિત શંખકુમારે ત્યાંથી સિધ્ધાયતનમાં રહેલા શાશ્વત પ્રભુને વંદન કર્યા. ત્યાંથી મણિશેખર કુમારને પોતાના કનકપુર નગરમાં લઇ ગયો. વૈતાઢયવાસીઓને આ વાતનું ઘણું આશ્ચર્ય લાગ્યું. શંખકુમારનાં રૂપ અને ગુણથી ખેંચાયેલા કેટલાય રાજાએ શંખકુમારને પોતાની પુત્રીઓ પરણાવવા આવ્યા. પરંતુ શંખકુમાર તે બધાને સાથે લઈને ચંપાનગરી આવ્યા. આ સમાચાર સાંભળી જિતારી રાજા અને કિર્તિમતિરાણી અત્યંત આનંદ પામ્યા. જિતારી રાજાએ મહોત્સવ પૂર્વક યશોમતી નો વિવાહ શંખકુમાર સાથે કર્યો. ત્યારબાદ શંખકુમાર બીજા વિદ્યાધર રાજાઓની કન્યાઓને પણ પરણ્યો. થોડા સમય બાદ શંખકુમાર યશોમતી વગેરે પત્નીઓ સહિત સપરિવાર હસ્તિનાપુર આવ્યા. શંખકુમારના પૂર્વ જન્મનાં અનુજબંધુ સૂર અને સોમ જે આરણ દેવલોકમાં પણ સાથે હતા તે આ જન્મમાં પણ શંખકુમારનાં યશોધર અને ગુણધર નામે અનુજબંધુ થયા. રાજા શ્રીષેણ શંખકુમાર નો રાજ્યાભિષેક કરી ગુણધર ગણધર ભગવંતના ચરણોમાં દીક્ષા લીધી. શંખકુમાર ચિરકાળ પૃથ્વીનો રાજા બન્યો. યશોમતિને પટ્ટરાણી પદે સ્થાપાના કરી.

અન્યદા શ્રીષેણ રાજા મુનિ થઈને દુસ્તરતપ તપવા લાગ્યા. સમય જતાં તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. દેવતાના સાન્નિધ્યપણાથી શોભતા શ્રીષેણરાજર્ષિ એકદા વિહાર કરતાં ચંપાનગરીમાં પધાર્યા. શંખ રાજા પરિવાર સહિત દેશના સાંભળવા ગયા. દેશનાને અંતે શંખરાજાએ પોતાના યશોમતી માટેના અનહદ અનુરાગનું કારણ પૂછ્યું, કેવલી ભગવંતે ધનકુમાર ને ધનવતીનાં ભવથી ચાલી આવતા તેઓના સંબંધની વાત કરી અને કહ્યું કે, “આ તમારો સાતમો ભવ છે. આવતા ભાવમાં તમે અનુત્તર દેવલોકમાં જશો. ભવાંતરનાં યોગથી તારો યશોમતી ઉપર સ્નેહસંબંધ થયેલો છે. છેલ્લે નવમાં ભવમાં ભરત ક્ષેત્રમાં તમે નેમિનાથ નામે બાવીસમાં તીર્થંકર થશો. તમારા બન્ને ભ્રાતા અને મંત્રી તમારા ગણધર થશે અને યશોમતી પણ રાજીમતિ નામની અવિવાહિતપણે અનુરાગી થયેલી તમારી સ્ત્રી થશે. તમારા હાથે દીક્ષા લઇ અંતે પરમપદને પામશે.”

ગુરુભગવંતના મુખેથી આ વૃતાંત સાંભળી સંસાર પ્રત્યે વિરક્ત થયેલા શંખકુમારે પુંડરિક નામના પુત્રને રાજ્ય સોંપી પ્રિયા યશોમતી, મંત્રી મતિપ્રભ તથા અનુજબંધુ યશોધર અને ગુણધર સાથે સંયમજીવન અંગીકાર કર્યું. અનુક્રમે શંખમુનિએ ગીતાર્થ થઇ મહાઆકરી તપસ્યાઓ કરી. અર્હતભક્તિ વિગેરે વિસસ્થાનકોના આરાધનથી તીર્થંકરનામકર્મ ઉપાર્જન કર્યું. અંતે પાદોપગમન અનશન કરી શંખમુનિ અપરાજિત વિમાનમાં ઉત્પન્ન થયા. યશોમતી વગેરે પણ તેજ વિધિથી અપરાજિત વિમાનમાં ઉત્પન્ન થયા.

Join the mailing list for regular updates about Girnar!
x
Thank you! Your submission has been received!
Oops! Something went wrong while submitting the form.