Change Language

નવમો ભવ

નેમકુમાર અને રાજીમતી

જંબુદ્વિપનાં દક્ષિણાર્થ ભારતમાં સૌરીપુરી નગર હતું. તે નગરમાં હરીવંશકુળના સમુદ્રવિજય રાજા રાજ્ય કરતાં હતા. તેમને શિવાદેવીમહારાણી હતા. એક વખત શિવાદેવીએ રાત્રીના અવશેષ કાળે ચૌદ મહાસ્વપ્નો જોયા. તે વખતે કાર્તિક માસની કૃષ્ણ દ્વાદશીએ અપરાજિત વિમાનમાંથી ચ્યાવીને શંખ કુમારનો જીવ શિવાદેવીની કુક્ષીમાં ઉત્પન્ન થયો. અનુક્રમે શ્રાવણ માસની શુક્લ પંચમીએ શિવાદેવીએ શંખ લંછનવાળા કૃષ્ણવર્ણી કુમારને જન્મ આપ્યો. તે જ વખતે છપ્પન દિક્કુમારીઓએ ઘરમાં અને ચોસઠ ઇન્દ્રોએ મેરુગિરિ ઉપર હર્ષથી તે પુત્રનો જન્મમહોત્સવ કર્યો. રાજા સમુદ્રવિજયે પ્રાત: કાળે મહોત્સવ સાથે અપરાધીઓને કારાગૃહમાંથી છોડાવ્યા. ગરીબોને દાન આપવું વિગેરે સત્કર્મ કર્યા.

પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતાએ રિષ્ઠ રત્નની ચક્રધારા સ્વપ્નામાં જોઈ હતી, તે સ્વપ્નાનુસાર બાલકુમારનું “અરિષ્ઠનેમિ” નામ સ્થાપન કર્યું. ઇન્દ્રની આજ્ઞાથી અપ્સરાઓ પ્રભુનું લાલન પાલન કરવા લાગી અને દેવતાઓ સમાનવયના થઈને ક્રીડા કરવા આવતા.

એક વખત સ્વજનોથી પરિવરેલા સમુદ્રવિજય રાજા ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયા. તે ઉદ્યાનમાં શ્રી નેમકુમારને જોઈ સૌધર્મપતિએ હર્ષથી દેવતાઓને કહ્યુંકે, “આ જગતમાં રાજા સમુદ્રવિજય ધન્ય છે કારણકે તેમને ઘેર શ્રી નેમિનાથ પ્રભુ પુત્રપણે અવતર્યા છે. પ્રભુ બાળક છતાં તેમનામાં જે સત્વ રહેલું છે તેવું સત્વ બીજા કોઈ દેવ કે દાનવમાં કહી શકાય તેમ નથી. એક તરફ આ પ્રભુનું બળ રાખીએ અને બીજી તરફ ત્રણે જગતનું બળ રાખીએ તો પણ મેરુ અને તલની ઉપમા થાય. આ પ્રમાણે ઇન્દ્રના વચન સાંભળી કેટલાક દેવતાઓ તે પ્રશંસા સહન ન કરી શકવાથી પ્રભુના બળની પરિક્ષા કરવા નેમિનાથ પ્રભુ જ્યાં હતા તે ઉદ્યાનમાં આવી રહ્યા. એક વખત નિર્જન સ્થળમાં પારણામાં વિશ્રાંત થયેલા પ્રભુને જોઈ તે દેવતાઓ ચોરની જેમ તેમને હારી ગયા અને પ્રભુને લઈને આકાશમાં ચાલ્યા. સવા લાખ યોજન ગયા પછી પ્રભુએ અવધિજ્ઞાનથી દેવતાઓને ઉત્પન્ન થયેલો વિકાર જાણી લીધો. તત્કાળ પ્રભુએ લેશમાત્ર બળ બતાવ્યું એટલે તે દેવતાઓ એવી રીતે નીચે પડ્યા કે તેના આઘાતથી પૃથ્વીમાં સો યોજન ચાલ્યા ગયા. તે સ્વરૂપને જોઈને ઇન્દ્ર નેમિનાથ પ્રભુની પાસે આવ્યા અને પ્રભુને ક્ષમા યાચના કરી અને ત્યારબાદ પ્રભુની સ્તુતિ કરી દેવતાઓને છોડાવી પ્રભુને પારણામાં મૂકી ઇન્દ્ર સ્વર્ગમાં ગયા. નેમિનાથ પ્રભુનું આવું અપ્રતિમ બળ જોઈ રાજા સમુદ્રવિજય સર્વે હર્ષ પામી ઉત્સાહથી નૃત્ય કરવા લાગ્યા. પ્રભુના પ્રાસાદમાં મહોત્સવ કરીને દેવતાઓ શ્રી નેમિનાથ પ્રભુનું સ્મરણ કરતાં પોતાના સ્થાનકે ગયા. ત્યારથી માંડીને પ્રભુ ક્રોડો દેવતાઓથી રક્ષણ કરતાં પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગ્યા.

દસ ધનુષની ઉંચી કાયાવાળા પ્રભુ અનુક્રમે યૌવનવય પામ્યા. એકડા સ્વર્ગમાં દેવપતિ ઇન્દ્રે દેવતાઓની આગળ સભા વચ્ચે શ્રી નેમિનાથપ્રભુનાં અદભૂત સત્વનું વર્ણન કરતા કહ્યુંકે, “ત્રણ લોકમાં સત્વ, શૌર્ય, બળ, દાન, રૂપ અને ગુણ માં શ્રી નેમિનાથ ભગવંતની ઉપમાને યોઉંગ્ય થાય તેવો કોઈપણ પુરુષ નથી.” આ પ્રમાણે સાંભળી મિથ્યાત્વી દેવોએ ઇન્દ્રના વચનને મિથ્યા કરવા માટે તત્કાળ પૃથ્વી ઉપર આવી રૈવતાચલની નીચેની ભૂમિ ઉપર સુરધાર નામે નગર વસાવી રહ્યા અને દ્વારિકા સુધી આવી લોકો ઉપર બહુ પ્રકારે જુલમ ગુજારવા લાગ્યા. તેથી નગરમાં મોટો કોલાહલ થયો. આ સાંભળી ક્રોધ પામેલ અનાધૃષ્ટિ યુદ્ધ માટે ગયો. દેવોએ પોતાની માયાથી તેને જીતી લીધો. ત્યારે તેની પાછળ કૃષ્ણ અને બલરામ યુદ્ધ માટે ગયા, તેઓ પણ દેવોની માયાથી જીતાઈ ગયા. તે વખતે શ્રી કૃષ્ણની સ્ત્રીઓએ નેમિનાથ પ્રભુને ઉપહાસમાં કહ્યુંકે, “હે અરિષ્ટનેમિ! અમે સાંભળ્યું છે કે, સર્વજ્ઞ ભગવંતો અનંતવીર્યવાળા હોય છે. તમે પણ આપણા કુળમાં અર્હત્ પણે અવતર્યા છો તેથી તમારું અખંડિત પરાક્રમ પ્રગટ કરી બતાવો. તમે હોવા છતાં શત્રુઓ તમારા ભાઈઓનો પરાભવ કરે છે.” આ પ્રમાણે પોતાની ભોજાઇઓના કટાક્ષ સાંભળી પ્રભુ પોતાના ભાઈઓને જેમણે જીતી લીધા છે તેમની સાથે યુદ્ધ કરવા નીકળ્યા. તે વખતે ઇન્દ્રની આજ્ઞાથી ઉત્તમ રથ લઈને માટલી સારથી ત્યાં આવ્યો. રથ ઉપર આરૂઢ થઇ પ્રભુ ક્ષણવારમાં તે માયાનગર પાસે આવ્યા અને શંખના ધ્વનિ વડે ચારેબાજુથી શત્રુઓને બોલાવ્યા. દેવતાઓએ પણ રણભૂમિ ઉપર આવી પોતાના ભાત – ભાતનાં વિકરાળ સ્વરૂપ બતાવ્યા. દેવતાઓનું વિકરાળ સ્વરૂપ જોઈ કંઇક હસી પ્રભુએ પોતાનું ધનુષ લીલામાત્રમાં પણછ ઉપર ચઢાવ્યું. પછી પ્રભુએ ધનુષને ખેંચી દ્રઢ રીતે આસ્ફારિત કર્યું. ત્યારબાદ વિશ્વને ભય ઉપજાવનાર અમોઘ વાયવ્યાસ્ત્ર સાધ્યું અને કાન સુધી ખેંચી તે બાણ પ્રભુએ તત્કાળ છોડ્યું. તેમાંથી એવો પવન ઉત્પન્ન થયો કે જેથી દેવોના વિમાનો રૂની જેમ ઉડી ઉડીને ક્યાંના ક્યાં જતાં રહ્યા. તે વાયુથી પરસ્પર અથડાયેલા વિમાનો પ્રલયકાળના મેઘની જેમ અંગારાની વૃષ્ટિ કરવા લાગ્યા. પછી પરમાત્માએ મોહનાસ્ત્ર નામે એક બીજું બાણ છોડ્યું. તેથી સર્વ દેવો ચેતન રહિત થઈને પૃથ્વી ઉપર આળોટવા લાગ્યા. પ્રભુના આવા પરાક્રમની હકીકત જાની સૌધર્મઇન્દ્રે આવીને પ્રભુની સ્તુતિ કરી. ઇન્દ્રની સ્તુતિ સાંભળી પ્રભુએ બન્ને અસ્ત્રો સંહારી લીધા. તેથી તત્કાળ સચેતન થયેલા તે દેવતાઓએ લજ્જા પામી પ્રભુની ક્ષમા માંગી પ્રભુના ચરણોમાં ઝુકી ગયા. ત્યારબાદ પ્રભુ દેવોએ રચેલા માયાનાગરમાં પિતાના બંધુ કૃષ્ણ, બલરામ અને અનાધૃષ્ટિને સ્નેહથી આલિંગન કરી પરમ હર્ષ પામ્યા. પછી ઇન્દ્રે કહ્યુંકે, “હે સ્વામી! અમારા ઉપર અનુગ્રહ કરી શત્રુંજયાદિ તીર્થની યાત્રા કરવો અને અમને તારો.” પ્રભુની અનુમતિ પામી હર્ષ પામેલા દેવો પ્રભુની સાથે શત્રુંજયની યાત્રાર્થે ગયા. ત્યાં આવીને પ્રભુએ તીર્થનો અપ્રતિમ મહિમા ગયો. ત્યારબાદ ત્યાંથી ઇન્દ્ર સહીત પ્રભુ ગિરનાર તરફ આવ્યા. ત્યાં પણ ગિરનારના અપ્રતિમ મહિમાને વર્ણવ્યો અને તીર્થની ભક્તિ કરી. પછી પ્રભુને દ્વારિકામાં મૂકી ઇન્દ્ર સ્વર્ગમાં ગયા. વિશ્વને આનંદ આપતા પ્રભુ સુર, અસુર તથા રામ – કૃષ્ણથી સેવાતા સુખે રહેવા લાગ્યા.

ત્યારબાદ એકદા કૌતુક રહિત છતાં મિત્રોની પ્રેરણાથી પ્રભુ ક્રીડા કરતાં શ્રીકૃષ્ણની આયુધશાળામાં ગયા અને ત્યાં વાસુદેવનાં શસ્ત્રો લઈને ક્રીડા કરવા લાગ્યા. તેમાં ચક્રને કુંભારના ચાકની જેમ ભમવું. અતિ વજનદાર કૌમુદિકી ગદાને લાકડીની જેમ ઉપાડી. ત્યારબાદ શ્રીકૃષ્ણનો પંચજન્ય શંખ વગાડ્યો ત્યારે એવો અવાજ ઉત્પન્ન થયો કે જાણે ત્રણે ભુવનો ભય પામેલા હાથીઓ બંધનો તોડીને નાઠા, ઘોડાઓ ભીંતો ઓળંગીને નાઠા અને શબ્દના આકરા અવાજથી સમગ્ર શહેર જાણે બહેરું બની ગયું. તે સંભાળીને “કોઈ વૈરી જાગ્યો” એમ સમજી આકુલ વ્યાકુળ થયેલા કૃષ્ણ આ શંખ કોને વગાડ્યો તે જોવા આયુધશાળામાં આવ્યા ત્યારે નેમ્કુમાંરને જોઈ આશ્ચર્ય પામ્યા. અને પોતાનાથી અધિક બળ હોવાથી ભવિષ્યમાં રાજ્ય લેશે એવી શ્રીકૃષ્ણનાં મનમાં શંકા થઇ. મન ક્યાંય શાંત ના થયું. પછી બળ કોનું અધિક છે તે જાણવા પ્રભુને સાથે લઇ અખાડામાં ગયા. ત્યાં પ્રભુએ કહ્યું કે, “ભોંય આળોટવું” વિગેરે ન શોભે માટે ભુજાઓને વાળવાના પ્રયોગથી બળ પરિક્ષા કરીએ. કૃષ્ણે તે કબુલ્યું. પ્રથમ શ્રીકૃષ્ણની ભુજાને પ્રભુએ નેતરની દાંડીની જેમ વાળીને વિજય મેળવ્યો પછી વૃક્ષની ડાળી સરખી દ્રઢ પ્રભુની ભુજાને શ્રીકૃષ્ણ વાળી શક્ય નહિ પણ પ્રભુએ ભુજા ઉંચી કરી ત્યારે વાંદરો જેમ ડાળીને વળગે તેમ બે હાથે પકડેલી ભુજાએ લટકતા તે સાચે જ વાંદરા જેવા દેખાતા. જુગારી દાવમાં હારે તેમ બળપરીક્ષામાં શ્રીકૃષ્ણ હાર્યા. “નેમકુમાર બળવાન હોવાથી આ મારું રાજ્ય લીલા માત્રથી લઇ લેશે” એવી ચિંતાથી શ્રીકૃષ્ણે બલભદ્રને પૂછ્યું, “હવે શું કરવું?” તે જ વખતે આકાશવાણી થઇ કે, પૂર્વે શ્રી નમિનાથ પ્રભુએ કહ્યું છે કે “મારા પછી બાવીશમા તીર્થંકર નેમિનાથ પરણ્યા વિના દીક્ષા લેશે” આ સાંભળીને શ્રીકૃષ્ણને ચિંતા ઓછી થઇ.

સવિશેષ નિશ્ચય કરવા ગોપીઓ તથા આઠ પટ્ટરાણીઓથી પરિવરેલા શ્રીકૃષ્ણ પ્રભુને સાથે લઇ જલક્રીડા કરવા સરોવરમાં ઉતર્યા. કૃષ્ણ એમ વિચારતા હતા કે “જો નેમિકુમાર લગ્ન કરે તો ભોગ ભોગવવાથી ક્ષીણબલી થાય અને મારું રાજ્ય લીલા માત્રમાં લેશે એવો મારો ભય ટળે.” માટે શ્રીકૃષ્ણે એ ઉદ્દેશથી રાણીઓને કહ્યું કે, “મારો ભાઈ ચૂડી નેમકુમાર પરણવાનું કબુલ કરે એ રીતે જલક્રીડા કરો.” પ્રભુને વ્યાકુળ કરવા ગોપીઓ વિવિધ પ્રયત્ન કરે છે.” તે વખતે દેવવાણી થઇ કે, “હે મુગ્ધાઓ! ચોસઠ ઇન્દ્રોએ જન્મના દિવસે એક યોજનના નાળચાવાલા લાખો કળશોથી અભિષેક કરવા છતાં જે પ્રભુ વ્યાકુળ ન થયા, તેમનો તમે આ રીતે શું પરાભવ કરી શકશો?” આ વાળી સંભાળી ઔચિત્યને જાણનારા પ્રભુ પણ સર્વ સાથે જલક્રીડા કરવા લાગ્યા. કૃષ્ણની આઠે પટરાણીઓ પણ વિવિધ ઓલમ્ભા દેતી, ભવિષ્યનો ભય સમજાવતી, આજીજી કરતી પરણવાની વિનંતી કરવા લાગી. તેઓના વચનોમાં મૂઢતાનું પ્રદર્શન હતું. આ પ્રમાણે મૂઢતા યુક્ત વચનો સંભાળીને વિવેકી પ્રભુએ મૌન રહી કંઇક સ્મિત કર્યું. તેથી अनिषीध्धं अनुमतं એ ન્યાયનો આશ્રય લઇ સર્વે એમ માન્યું કે નેમિકુમાર લગ્ન માટે સંમત છે. હર્ષ પામેલા કૃષ્ણ નેમિનાથ પ્રભુને હાથી પર બેસાડી પ્રિયઓ સહિત દ્વારિકામાં આવ્યા. નેમકુમારે પરણવાનું કબૂલ કર્યું છે એમ શ્રીકૃષ્ણે રાજા સમુદ્રવિજય અને શિવાદેવીને જણાવ્યું. હર્ષિત થયેલા કૃષ્ણ તુર્ત ઉગ્રસેન રાજાના મહેલ પર ગયા અને કહ્યું કે, “તમારી પુત્રી રાજીમતીની મારાથી અધિક ગુણવાન મારા બંધુ નેમિકુમારના માટે માંગણી કરું છું.” ઉગ્રસેન રાજા પણ આનંદ પામીને કહ્યું કે, “આ ગૃહ અને આ લક્ષ્મી સર્વ તમારા જ છે, તો તેમાં પ્રાર્થના ના હોય.” ત્યારબાદ કૃષ્ણ સમુદ્રવિજય પાસે વાત જણાવી અને લગ્ન દિવસ નિશ્ચિત કરવા જ્યોતિષને બોલાવ્યા. જોષી એ કહ્યું કે, “વર્ષાઋતુમાં સામાન્ય પણ શુભ કાર્યો કરી શકાય નહિ, પછી વિવાહની વાત કેવી?” ત્યારે સમુદ્રવિજય બોલ્યા, “ભાઈ! કૃષ્ણજી એ નેમકુમારને મહામુસીબતે વિવાહ માટે સમજાવ્યા છે તેથી વિલંબ કરવો યોગ્ય નથી. માટે જે નજીકનો સારો દિવસ હોય તે જણાવો.” ત્યારે જ્યોતિષે નજીકનો શ્રાવણ સુદી છઠ્ઠનો દિવસ આપ્યો.

સમુદ્રવિજય રાજા તથા કૃષ્ણ મહારાજા તત્કાળ લગ્નની તૈયારી કરાવવા લાગ્યા. લગ્નનો દિવસ નજીક આવતા આંગણે શરણાઈઓ વાગવા માંડી. નેમિકુમારને પીઠી ચોળી અલંકારોથી સુશોભિત કરવામાં આવ્યા. પ્રાત:કાળે શરીર પર ગોશીર્ષચંદન લગાવી શ્વેત ફુલમાળા, હાર, વસ્ત્રો ધરી ચમાર તથા છત્રથી મંડિત થઇ અને આગળ ચાલતા ક્રોડો રાજકુમારો અને દેવતાઓથી પરિવરેલા શ્રી નેમકુમાર શ્વેત અશ્વોવાળા ઉત્તમ રથ ઉપર આરૂઢ થયા. શ્રી નેમકુમારની પડખે હાથી ઉપર બેઠેલા રજાઓ અને પાછળ દશાર્હો તથા કૃષ્ણ અને બલદેવ હતા. તથા અનેક જાનૈયાઓ ઘોડા ઉપર, હાથી ઉપર એમ તેમની સાથે રહ્યા. તેમની પાછળ આભૂષણોની કાંતિથી અને આકાશને પ્રકાશિત કરતી અંત:પુરની સર્વ સ્ત્રીઓ શિબિકામાં બેસીને ધવલમંગલ ગીતો ગાવા લાગી. આગળ મંગલપાઠકો મંગલપાઠ તથા બંદીજનો સ્તુતિ કરવા લાગ્યા. વાજિંત્રોના નાદથી આકાશ ગુંજવા લાગ્યું. ભાવનાટકનું ચિંતવન કરતા નેમિકુમાર પોતાના મહેલથી રાજમાર્ગે થઈને સાજન – માજનથી સુશોભિત જાન સાથે ઉગ્રસેન રાજાના મહેલની નજીક આવવા લાગ્યા.

પ્રભુ જયારે રાજીમતીને પરણવા તોરણની નજીક પધાર્યા ત્યારે આડંબરથી રથમાં બેસીને આવતા નેમકુમારને જોઈને મહેલની અગાશીમાં ઉભેલી રાજીમતીની સખીઓ રાજીમાંતીના ભાગ્યની ભૂરી – ભૂરી પ્રસંશા કરવા લાગી. તે વખતે રાજીમતી પણ કસુંબી વસ્ત્રોને અલંકારોથી સજ્જ થઇ પતિના દર્શન કરવા સખીઓ સાથે ગોખમાં આવીને બેઠી ત્યારે દેવવિમાનમાં દેવી શોભે તેમ અત્યંત શોભવા લાગી. સખીઓ વડે વિનોદ પામતી અને પોતાના નેત્રો વડે નેમકુમારને જોઈ રાજીમતી મનોમન વિચારવા લાગી કે, “ઘણું પુણ્ય હોવાથી જ લોકોત્તર ગુણવાળા નેમિનાથ મને સ્વામી તરીકે મળ્યા.” પરંતુ વિધિની લીલા અકળ છે. તેજ સમયે મહેલના ગોખમાં ઉભેલી રાજીમતીનું જમણું નેત્ર ફરક્યું. તેણે ભય પામ્યો અને સખીઓને જણાવ્યું, સખીઓને પણ અનિષ્ટની શંકા થઇ, તેથી “અમંગલ નાશ પામો” એમ કહીને થુથુકાર કરવા લાગી. પણ તેમને ક્યાં ખબર હતી કે રાજીમતીનું નેત્ર કેમ ફરક્યું હતું? રાજીમતીની મુક્તિનું સુચન હતું ત્યાં થુથુકાર શું કરી શકે?

તેજ સમયે સાજન – માજન સહિત વરઘોડામાં મહાલતા જાનૈયાની વચ્ચે નેમકુમારનો રથ ઉગ્રસેન રાજાના મહેલ તરફ આગળ વધ્યો. તે સમયે વાડામાં પૂરેલાં પશુઓનો કરુણ સ્વર સાંભળ્યો. વિવિધ જાતિના પશુઓ ઊંચા મુખ કરીને પોતપોતાની ભાષામાં નેમિનાથ પ્રભુ પ્રત્યે જાણે કહેવા લાગ્યા કે, “ત્રણ જગતનું રક્ષણ કરનાર હે સ્વામી! અમારી રક્ષા કરો, રક્ષા કરો.” આ કરુણ પોકાર સંભાળીને, પ્રભુનું હૃદય કરુણાથી ઉભરાયું. અવધિજ્ઞાનથી સર્વ જાણતા છતાં પ્રભુએ સારથીને પૂછ્યું કે, ‘આ પોકાર શેનો છે?’ ત્યારે સારથીએ કહ્યું કે, “આ પશુઓને જાનૈયાઓના ભોજન માટે ભેગા કર્યા છે. તેઓના પ્રાણના ભોગે વિવાહનો આનંદ અનુભવવાનો છે.” ત્યારે વિચાર્યું કે, ધિક્કાર હો આ વિવાહના ઓચ્છવને કે જેમાં આ બિચારા અનાથ, મૂંગા, અશરણ પ્રાણીઓના પ્રાણનો ભોગ લેવાનો છે.” તે વખતે એક હરણ – હરણિ પ્રભુને હૃદયથી પ્રાર્થના કરતાં હતા કે, હે અશારણના શરણ પ્રભુ! અમે જંગલના તરુણ ખાઈએ છીએ, ઝરણાંનાં પાણી પીએ છીએ, અમે વનમાં રહીએ છીએ માટે નિરપરાધી, અશરણ, અનાથ એવા અમારું રક્ષણ કરો. તેઓની આંખમાં લાચારી અને વિવશતા નેમિપ્રભુએ વાંચી. તે જ સમયે કરુણામૂર્તિ સાક્ષાત્ અને દયાના સાગર એવા પ્રભુએ સારથીને રથ પાછો વાળવા કહ્યું અને પ્રાણીઓને છોડી મૂકવાનો આદેશ આપ્યો.

નેમિકુમારને પાછા વળતા જોઈ રથની આડે ઉભા રહીને સમુદ્રવિજય રાજા, શિવાદેવી આંસુ પાડી પ્રભુને વિનંતી કરવા લાગ્યા. શિવાદેવી બોલ્યા, ‘હે પુત્ર! મારી આ પહેલી જ પ્રાર્થના છે કે વિવાહ કરીને નિજ પુત્રવધુનું મુખ જોવાનો મારો લ્હાવો પૂર્ણ કર.’ સમુદ્રવિજય રાજાએ કહ્યુંકે, ‘હે નેમિ! આજ પૂર્વે રૂષભાદિ અનેક જિનેશ્વરો ઘરવાસ સેવી મુક્તિમાં ગયા તો તું બ્રહ્મચારી રહી તેમનાથી ઊંચું સ્થાન મેળવવા માંગે છે, અમારી આટલી ઈચ્છા પૂર્ણ કર.’ ૫૬ ક્રોડ જાનૈયાઓ પણ આ જોઈ અત્યંત દુઃખી થયા. કૃષ્ણમહારાજા વગેરે પરિવારજનોએ પણ ખૂબ સમજાવ્યા. ત્યારે વિનયપૂર્વક પ્રભુએ કહ્યું ‘મારે ભોગાવલી કર્મો ક્ષીણ થયા છે, માટે વિવાહનો આગ્રહ છોડી દો!’ એક સ્ત્રીના ભોગથી પણ અનંત જીવોનાં ઘાત થાય તેવા સંસારની પરંપરાને વધારનારા આ વિવાહનો આગ્રહ આપ જેવાને ન શોભે વિગેરે કહીને તેઓના ચિત્તનું સમાધાન કર્યું. બીજી બાજુ આ સમાચાર સાંભળી રાજીમતી જાણે વજ્રનો પ્રહાર થયો હોય તેમ અચેતન થઇ પૃથ્વી પર ઢળી પડી. સખીઓ દ્વારા કરાયેલા શિલોપચારથી ભાનમાં આવી ત્યારે અત્યંત વિલાપ કરી આંસુ સારતી હૃદયફાટ સ્વરે બોલી, ‘હે યાદવકુળના શણગાર! હે જ્ઞાની! હે જગતના શરણભૂત! હે કરુણાનિધિ સ્વામીન્! મને મુકીને પાછા કેમ જાઓ છો હે નાથ! જો તમે મને છોડીને જ જવાના હતા તો પહેલેથી જ મને લાયક કેમ ગણી?’ ત્યારે સખી બોલી કે, કોઈ બીજા પ્રેમપાત્ર ઉત્તમ રાજપુત્ર સાથે તારો વિવાહ કરશું. આ શબ્દો સાંભળતા જ કાન ઉપર હાથ મૂકી રાજીમતી બોલી ‘આ ન બોલવાનું શું બોલો છો? સૂર્ય પશ્ચિમમાં ઉગે તો પણ હું નેમિનાથને છોડીને બીજા પુરુષને વરવાની નથી.’ એમ કહી પ્રભુને ઉદ્દેશીને બોલી, ‘હે પ્રાણપ્રિય! વ્રતની ઈચ્છાવાળા તમે આંગણે આવેલા યાચકોને ઇચ્છાથી પણ અધિક આપીને સંતોષો છો તો હે જગન્નાથ! મેં શું અપરાધ કર્યો છે કે એક મારા હાથ ઉપર આપનો સાથ પણ હું ન પામી શકી?’ પછી વૈરાગ્યથી નિર્ણય કર્યો કે, ‘ભલે વિવાહ પ્રસંગે પ્રભુનો હાથ ન પામી, તો પણ દીક્ષા પ્રસંગે મારા મસ્તકે પ્રભુનો હાથ મુકાવીશ.’ ભોગથી વિરક્ત છતાં જાણે પરણવાના બહાને આવીને પૂર્વે આઠ ભવના પ્રેમથી આ નાવમાં ભવમાં રાજીમતીને મુક્તિમાં જવાનો સંકેત કરી ગયા હોય તેમ ત્યાંથી પાછા ફર્યા.

તે જ સમયે નવ લોકાંતિક દેવો આવી પ્રભુને નમીને કહેવા લાગ્યા કે હે દયાળુ સ્વામી! હે ભગવન્! તીર્થ પ્રવાર્તાવો! તે અવસરે પ્રભુ ઇન્દ્રની આજ્ઞાથી દેવતાઓએ લાવેલા દ્રવ્ય વડે સાંવત્સરી દાન આપવા લાગ્યા. પ્રભુએ એક વર્ષ સુધી યાચકોને યથાર્થ દાન આપ્યું અને સમયોચિત કર્યો પૂર્ણ કર્યા. એક વર્ષ પૂરું થતાં શકરા આદિ ઇન્દ્રો તેમજ દેવતાઓએ પ્રભુ માટે ઉત્તરકુરુ નામની શિબિકા રચી. નેમિપ્રભુ તેમાં આરૂઢ થયા. દ્વારિકા નગરીને શણગારવામાં આવી. દિક્ષાનો મહોત્સવ કરવા આવેલા ઇન્દ્રો, દેવો, દાનવો તથા દશ દશાર્હ, કૃષ્ણમહારાજા અનેક રજાઓ, રાજા સમુદ્રવિજય, માતા શિવાદેવી તથા અન્ય રાણીઓ, રાજકુમાર, રાજકુમારીઓ વિગેરેથી પરિવરેલા પ્રભુ શ્રાવણ સુદી છઠ્ઠના દિવસે પાલખીમાં બેસીને દ્વારિકાના રાજમાર્ગેથી પસાર થઇ ગિરનાર પર્વતના સહાસ્ત્રામ્ર વનમાં પધાર્યા. ત્યાં નેમિકુમાર શિબિકામાંથી નીચે ઉતારી આભુષણ ત્યજ્યાં. જન્મથી ત્રણસો વર્ષ વીતે, શ્રાવણ માસની શુક્લ ષષ્ઠીએ ચોવિહાર છઠ્ઠના તપવાળા પ્રભુએ, દિવસના પ્રથમ પ્રહારે ચિત્રા નક્ષત્રમાં ચંદ્રનો યોગ વર્તતે છતે સ્વયં પંચમુષ્ટિ લોચ કરીને એક હજાર પુરુષોની સાથે દીક્ષા લીધી. લોચ કરેલા પ્રભુનાં કેશ ઇન્દ્રે લીધા. પ્રભુ પર દેવદૂષ્ય વસ્ત્ર મૂક્યું. શક્રેન્દ્રે તે કેશને ક્ષીર સમુદ્રમાં પધરાવ્યા. પછી ઇન્દ્રે કોલાહલ શાંત કર્યો એટલે પ્રભુએ સર્વસામાયિક ઉચ્ચર્યું. ત્યારે પ્રભુને ચોથું મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત થયું. તે સમયે ક્ષણિક સુખનો અનુભવ કર્યો. ત્યારબાદ ઇન્દ્ર અને કૃષ્ણ પ્રમુખ રાજાઓ પ્રભુને નમન કરી પોતપોતાના સ્થાને ગયા.

દિક્ષાનાં બીજા દિવસે પ્રભુએ વરદત્ત નામના બ્રાહ્મણના ઘેર પરમાનન પારણું કર્યું. ત્યાં દેવતાઓએ પંચ દિવ્ય પ્રગટ કર્યા. દિક્ષા બાદ સમિતિ – ગુપ્તિના પાલનથી નિરતિચાર ચારિત્ર પાળતા અપ્રમત્ત પ્રભુ ચોપ્પન દિવસ છદ્મસ્થપણે વિચર્યા. પછી વિહાર કરતાં – કરતાં પ્રભુ ગિરનારના સહાસ્ત્રગ્રામ વનમાં પધાર્યા અને ત્યાં આસો વાળી અમાસનાં દિવસે પાછલા પ્રહરે, અઠ્ઠમના તપ પૂર્વક, કાઉસગ્ગ ધ્યાને, વૈતસ વૃક્ષ નીચે ક્ષપકશ્રેણી માંડીને ચંદ્ર ચિત્રા નક્ષત્રમાં હતો ત્યારે ઘાતીકર્મોનો ક્ષય કરીને અનંત અવ્યાબાધ એવા કેવલજ્ઞાન કેવળ દર્શનને પામ્યા. ત્યારથી પ્રભુ જીવજીવાદિ સર્વ દ્રવ્યોના ત્રણે કાલના સર્વ પર્યાયોને જોતાં - જાણતાં થયા. તત્કાળ ઇન્દ્રોના આસન ચલાયમાન થયા. ઉપયોગ વડે પ્રભુનું કેવલજ્ઞાન જાણ્યું. દેવોએ સમવસરણની રચના કરી. ઉદ્યાનપાલકે કૃષ્ણ મહારાજાને પ્રભુના કેવલજ્ઞાનની વધામણી આપી. તે ઘણા આડંબરથી નેમિપ્રભુને વાંદવા આવ્યા. પ્રભુને નમસ્કાર કરી, પ્રદક્ષિણા આપી, સ્તુતિ કરી યોગ્ય આસને બેઠા. બીજા બધા પણ યથાયોગ્ય સ્થાને બેઠા. પ્રભુએ અમૃતઝરતી વાણીમાં દેશના આપી. તે સાંભળી વરદત્ત રાજાએ બે હજાર રજાઓ સહિત દિક્ષા ગ્રહણ કરી પરમાત્માના અઢાર ગણધરોમાં પ્રથમ ગણધર થયા. યક્ષિણી રાજકુમારી પ્રથમ સાધ્વી થયા, નંદ પ્રથમ શ્રાવક તથા મહાસુવ્રતા પ્રથમ શ્રાવિકા થયા. પ્રભુના શાસનમાં અંબિકા નામના શાસનદેવી તથા ગોમેધ નામના શાસન દેવ થયા. ચતુર્વિધ સંઘની સ્થાપના કરી તીર્થ પ્રવર્તાવ્યું. પછી કૃષ્ણ વાસુદેવે રાજીમતિનાં પ્રભુ પ્રત્યેના સ્નેહનું કારણ પૂછ્યું ત્યારે પ્રભુએ પૂર્વના નવ ભવોનો તેની સાથેનો સંબંધ સંભળાવ્યો.

પછી પ્રભુ વિહાર કરી અન્યત્ર પધાર્યા. એકદા પુન: ગિરનાર ઉપર પધાર્યા ત્યારે અનેક રાજકન્યાઓ સહિત રાજીમતિએ તથા રથનેમિ સહિત નેમિપ્રભુના ભાઈઓએ પ્રભુના હાથે દિક્ષા લીધી. સાધ્વી રાજીમતિએ ચરિત્રની નિર્મળ આરાધનાથી શિવસુખને પામ્યા અને ત્યાં ચિરકાળથી ઇચ્છેલો પ્રભુનો સંયોગ શાશ્વત બનાવ્યો. આરીતે સતી રાજીમતિ ચારસો વર્ષ ઘરમાં, એક વર્ષ છદ્મસ્થ અને પાંચસો વર્ષ કેવલી તરીકે વિચરી નેમિપ્રભુથી પહેલા મુક્તિમાં ગયા.

અન્ય દેશોમાં વિહાર કરતાં શ્રી નેમિનાથ પ્રભુએ અઢાર ગણ અને અઢાર ગણધરોને થાપ્યા. તેઓને ગુણરત્નોના ભંડાર એવા વરદત્ત વિગેરે અઢારહજાર મુનિઓ અને આર્ય યક્ષિણી વગેરે ચાલીસ હજાર સાધ્વીઓ હતી . સમ્યક્ત્વમૂલ બાર વ્રતોના ધારક એવા નંદ વિગેરે શ્રાવકો એક લાખ ઓગણસિત્તેર હજાર હતા અને મહાસુવ્રતા વિગેરે તેવી શ્રાવિકાઓ ત્રણ લાખ છત્રીસ સજાર હતી. જિન નહિ છતાં જિનની તુલ્ય દેશના દેવાની શક્તિવાળા ચૌદ પૂર્વના જ્ઞાતા શ્રુતકેવલી ચારસો હતા અને અવધિજ્ઞાની મુનીઓ પંદરસો હતા. વૈક્રિય લબ્ધિધર મુનિઓ પંદરસો, કેવળજ્ઞાની પંદરસો, વિપુલજ્ઞાની મન:પર્યવજ્ઞાનવાળા એક હજાર અને વાળી મુનિઓ આઠસો હતા. પ્રભુના સોળસો સાધુઓ અનુત્તર વિમાનમાં દેવ થયા અને પંદરસો સાધુઓ તથા ત્રણહજાર સાધ્વીઓ સિદ્ધગતિને પામ્યા. આ પ્રમાણે શ્રી નેમિનાથ પ્રભુનો પરિવાર જાણવો.

શ્રી અરિષ્ટનેમિ ત્રણસો વર્ષ કુમારપણે ઘરમાં રહ્યા. દિક્ષા પછી ચોપ્પન દિવસ છદ્મસ્થ રહ્યા અને ચોપ્પન દિવસ ન્યૂન સાતસો વર્ષ કેવલી રહ્યા. એમ પૂર્ણ સાતસો વર્ષ ચારિત્ર પાળીને એકહજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ થવાની નજીકમાં હતું ત્યારે અવસર્પિણીનો ચોથો આરો ઘણો વ્યતીત થયો હતો. અનુક્રમે પ્રભુ વિહાર કરતાં – કરતાં પોતાનો નિર્વાણ સમય નજીક આવેલો જાણી રૈવતગિરિ (ગિરનાર ગિરિ) પર પધાર્યા. ત્યાં પ્રભુએ અંતિમ દેશના આપી. ત્યારબાદ પાંચસો છત્રીસ મુનિઓ સાથે પાદપોગમન અનશન સ્વીકાર્યું. એક માસનું અનશન કરીને અષાઢ સુદી આઠમની મધ્યરાત્રીએ ચિત્ર નક્ષત્રમાં ચંદ્રનો યોગ થયો થતાં શ્રી ગિરનાર પર્વત ઉપર પર્યંકાસને બેઠાં – બેઠાં યોગ નિરોધ પૂર્વક સર્વ કર્મોનો ક્ષય કરીને ૫૩૬ સાથે નિર્વાણને પામ્યા. એ સમયે પરંપરા મુજબ શક્રેન્દ્રની આજ્ઞાથી કુબેરે એક શિબીકા રચી. શક્રેન્દ્રે પ્રભુની અંગપૂજા કરી, દેવતાઓએ ચંદનનાં કાષ્ટ ગોઠવ્યા અને ઇન્દ્રની આજ્ઞાથી અગ્નિકુમારોએ ચિતામાં અગ્નિ ઉત્પન્ન કર્યો. વાયુકુમારોએ તેને પ્રજ્જવલિત કર્યો. સંસ્કાર પૂર્ણ થતાં ક્ષીરસાગરના જળથી દેવોએ અગ્નિ શાંત કર્યો. આ પછી ઇન્દ્રોએ પ્રભુની દાઢો લીધી. રાજાઓએ વસ્ત્રો લીધા, અન્ય જનોએ ભસ્મ લીધી. તે સ્થળ પર ઇન્દ્રોએ શ્રી નેમિનાથ પ્રભુની મૂર્તિ સહિત એક ચૈત્ય તૈયાર કરાવ્યું. ત્યાંથી દેવતાઓ નંદીશ્વર દ્વીપમાં અઠ્ઠાઈ મહોત્સવ કરી પોત પોતાના સ્થાનકે ગયા.

શ્રી નમિનાથ પ્રભુ પછી પાંચલાખ વર્ષ પછી શ્રી નેમિનાથ પ્રભુ થયા. આ રીતે પ્રખર તેજવાળા બાલબ્રહ્મચારી બાવીસમાં તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુના સમયમાં નવમા વાસુદેવ, બળદેવ, અને પ્રતિ વાસુદેવ થયા.

Join the mailing list for regular updates about Girnar!
x
Thank you! Your submission has been received!
Oops! Something went wrong while submitting the form.