Change Language

ભરત મહારાજા

ભરત મહારાજાએ કરેલી ગિરનારની યાત્રા તથા જિનપ્રાસાદની સ્થાપના

આ અવસર્પિણીમાં આદેશ્વરદાદાના પુત્ર ભરત મહારાજાએ સૌ પ્રથમ વાર સંઘ સહિત શાશ્વતા શ્રી શત્રુંજય તથા શ્રી ગિરનાર તીર્થની યાત્રા કરી હતી. ભરત મહારાજાએ શત્રુંજય મહાતીર્થની યાત્રા કર્યા બાદ વિશેષ લાભને પ્રાપ્ત કરવાની ઇચ્છાથી શ્રી સંઘ સાથે શાશ્વતા શ્રી ગિરનાર મહાતીર્થ તરફ ચાલ્યા. ગિરનારગિરિનાં રસ્તે આગળ વધતા સુવર્ણ, મણી, માણિક્યની કાંતિ વડે આકાશને શોભાવતો રૈવતાચલ (ગિરનાર ગિરિ) તેઓના જોવામાં આવ્યો. તે સમયે ગિરનારગિરિ પંચવર્ણી મણીઓની કાંતિવાળા વિચિત્ર વૃક્ષોથી શોભતો હતો. સર્વ સ્થાને નીલશિલાવાળો અને મધ્યમાં ઉજ્જવળ પાષણવાળો તે ગિરનારગિરિવર તારાવાળો જાણે ગગનમાર્ગ ન હોય તેવો ભાસતો હતો. ચંદ્રકાન્તમણિ અને અનેક દિવ્ય ઔષધીઓના પ્રકાશથી રાત્રે પણ ગિરિ અદભૂત સૌંદર્યને ધારણ કરતો હતો.

જે ગિરનારની ગુફાઓમાં મુનિજનો સ્થિર આસન ઉપર બેસી ધ્યાન કરતાં હતા. પોતપોતાના અર્થની સિદ્ધિને માટે દેવતાઓ, યક્ષો, અપ્સરાઓ, વિદ્યાધરો વિગેરે જેની સેવા કરતાં હતા. સૂર્ય અને ચંદ્ર પણ જે ગિરનારગિરિની ભક્તિથી સ્તુતિ કરતાં હતા. તેવા રૈવતાચલને દૂરથી જોઈને ભરત મહારાજાએ ઉપવાસ કરીને સંઘ સહીત ત્યાં જ આવાસ કર્યો. ગુરુભગવંતની આજ્ઞાથી શત્રુંજયની જેમ ત્યાં પણ સંઘ સાથે હર્ષોલ્લાસ સાથે તીર્થની પૂજા કરી. ભરતેશ્વર ગિરનારગિરિ ઉપર સુખેથી ચઢવાને માટે તેની તળેટીથી ઉપર સુધીનો ચાર પાજનો (ચાર પગથિયાનો) માર્ગ બનાવ્યો. માર્ગની નજીકમાં વાવ, વન, નદી, અને ચૈત્યથી રમણીય એવું શ્રેષ્ઠ નગર બનાવ્યું. પાજના માર્ગે ભરત મહારાજા રૈવતાચલ પર ચઢ્યા. શ્રી નેમિનાથ પ્રભુના ત્રણ કલ્યાણકો થશે એમ જાણીને ભરતેશ્વરે તે સ્થાને એક રમણીય અને વિશાલ સુરસુંદર નામે જિનપ્રાસાદ કરાવ્યો. તે પ્રાસાદ ચાર દ્વારવાળો હતો. પ્રત્યેક દિશામાં અગ્યાર મંડપોથી શોભી રહ્યો હતો. તે પ્રાસાદમાં સર્વઋતુના ઉદ્યાન તથા બલાનક - ગોખની સુંદર રચના કરી હતી. રત્નજડીત તે પ્રાસાદ માં નીલમ મય નેમિનાથ પરમાત્માની મૂર્તિ શોભતી હતી. પરમાત્મા પ્રત્યેની અપૂર્વ ભક્તિથી ભરતેશ્વરે ગણધરભગવંત પાસે તે પ્રાસાદમાં પ્રતિષ્ઠા કરાવી.

ભરત મહારાજાએ ગજેન્દ્રપદ કુંડમાં સ્નાન કરી સ્વચ્છવસ્ત્રો પહેરી નેમિનાથ પરમાત્માની વિધિ સહિત પૂજા કરી છેલ્લે આરતી ઉતારી ખૂબ ભાવપૂર્વક નેમિનાથ પરમાત્માની સ્તવના કરી યાચકોને દાન આપી પોતાના આવાસમાં આવી પરિવાર સાથે ઉત્તમ આહાર લીધો.

રૈવતગિરિની શોભા જોઈ અને પરમાત્માની ભક્તિ કરી ભારતેશ્વરના આનંદનો પાર ન રહ્યો. ભક્તિના ઊછળતા ભાવોથી ભરત મહારાજાએ સૌરાષ્ટ્રના રાજા શક્તિસિંહ સમક્ષ ગિરનારનું વર્ણન કરતા કહ્યું કે, “ગિરનારગિરિ લક્ષ્મીનો ક્રીડા પર્વત છે. આ ગિરિમાં રત્નો, રસકુંપીકાઓ અને દિવ્યઔષધિઓ રહેલી છે. નિત્ય શત્રુભાવે રહેલા પ્રાણીઓ પણ અહીં મિત્રની જેમ રહેલા છે.” આટલું બોલી ભરતેશ્વર અટકે છે ત્યારે શક્તિસિંહે પણ ગિરનારનો મહિમા ગાતા કહ્યું કે, “હે સ્વામી જિનેશ્વરભગવંતે રૈવતગિરિને શત્રુંજયનું પંચમજ્ઞાનને આપનારું પાંચમું શિખર કહ્યું છે. આ ગિરિના છએ આરાનાં માપ તથા નામ કહેતા કહ્યું છે કે, “આ શાશ્વતગિરિ સર્વ પાપને હરનારો છે. આ તીર્થ ઉપર અનંતા તીર્થંકરો પધાર્યા અને પધારશે. આ તીર્થ ઉપર અનંતા મુનિભગવંત સિદ્ધગતિ પામ્યા છે અને પામશે.” આવી ગિરનારની મહાત્મ્યની ઘણી વાતો કરી ભરત મહારાજાએ તીર્થનોઉધ્ધાર, જિનેશ્વરપરમાત્માની પૂજા અને ઇન્દ્રોત્સવ આદિ સત્કૃત્યોને કર્યા. ઘણા યાચકોને દાન આપી એક માસને અંતે પોતાના હૃદયને નેમિનાથ પરમાત્મા પાસે મૂકી રૈવતાચલના શિખર ઉપરથી નીચે ઉતર્યા.પોતાના ભત્રીજા શક્તિસિંહનાં આગ્રહથી નજીકમાં રહેલા ગિરિદુર્ગનગરમાં અઠ્ઠાઈ મહોત્સવ કરી યાત્રાર્થે આગળ નીકળ્યા. શક્તિસિંહ જિનેશ્વરપરમાત્માની અને તીર્થની ભક્તિ કરતાં – કરતાં સૌરાષ્ટ્રનું પાલન કરવા લાગ્યો.

Join the mailing list for regular updates about Girnar!
x
Thank you! Your submission has been received!
Oops! Something went wrong while submitting the form.