જિનશાસનના ઋણની અંશાત્મક મુક્તિ કાજે અનેક શાસનસેવાના કાર્યોમાં પ.પૂ. હિમાંશુસૂરીશ્વરજી મ.સા. વિશેષ પ્રયત્નશીલ હતા. એક વખત જુનાગઢ – ગિરનારજીમહાતીર્થની યાત્રા દરમ્યાન બાવીસમાં શ્રી નેમિનાથપ્રભુના દીક્ષા – કેવલજ્ઞાન કલ્યાણકોની ભૂમિ સાહસ્રામ્રવનની સ્પર્શના કરી અનેરો આનંદ અનુભવ્યો. પરંતુ વર્તમાન ચોવીસીના ૧૨૦ કલ્યાણકો માંથી ભારતના ગિરનારતીર્થમાં આવેલી આ કલ્યાણક ભૂમિઓનું માહાત્મ્ય ભૂસાઈ જતું જણાતા અત્યંત ખેદ અનુભવતા હતા. આ કલ્યાણકભૂમિના પુનઃ ઉધ્ધાર માટે સતત ચિંતિત બન્યા. અને આ સહસાવનમાં આરાધનાનું અન્ય કોઈ સ્થાન ઉભું થાયતો માહાત્મ્ય ટકી રહે અને તત્ર રહેલા પ્રાચીન પગલાંની નિયમિત સંભાળ પણ લઇ શકાય. પેઢીને કરેલી એક વિનંતી અને કેટલાક શ્રાવકોના અથાગ પુરુષાર્થના કારણે પૂજ્યશ્રીની પ્રેરણાથી સહસાવન તીર્થના ઉધ્ધારનું કાર્ય શરુ થયું. અત્યંત કઠીન સંજોગોમાં પ્રારંભ થયેલ આ સહસાવનના તીર્થોધ્ધારનું કાર્ય લગભગ પૂર્ણતાને પામ્યું. આજે ત્યાં દેવવિમાન સમાન બેનમૂન વિશાળકાય જિનાલયનું નિર્માણ થયેલ છે. જ્યાં સાક્ષાત પરમાત્માના સમવસરણની સ્મૃતિ કરાવતા સમવસરણમાં ચૌમુખજી નેમિપ્રભુને બિરાજમાન કરવામાં આવ્યા છે.
સમવસરણ મંદિરમાં અત્યંત આહલાદ અપાવનારા જીવીતસ્વામિ (નેમિનાથ ભગવાન) તથા રહનેમિની પ્રતિમાજી છે. તથા આવતી ચોવીસીના ચોવીસે તીર્થંકર પ્રભુની પ્રતિમાયુક્ત આવતી ચોવીસીના પ્રથમ તીર્થંકર પદ્મનાભ ભગવાનની પીળા પાષાણની પ્રતિમાજી બિરાજમાન છે.
તે જ સમવસરણમંદિરમાં પાછળની બાજુ રત્ન મંગલ નિર્વાણ ગુફાનું (શંખ ગુફા) પણ નિર્માણ કરવામાં આવ્યું છે, જે સ્થાન જાપ અને ધ્યાન માટે ખૂબ જ અનુકૂળ વાતાવરણ આપનારું છે.