ઈ.સ. ૧૮૮૯ માં તળેટીથી માળી પરબ સુધીના પગથિયા સાવ નાબૂદ થઇ ગયા હતા અને માળી પરબથી પહેલીટૂંક (નેમિનાથ દરબાર) સુધીના પગથિયા ધોળાભૂખરા પથ્થરના હતા તે ઘણા જીર્ણ થઇ ઘસાઈ ગયા હતાં. તથા અંબાજીથી આગળના પગથિયા હતા જ નહીં. તે સમયે જુનાગઢ રાજ્યના દીવાન હરિદાસ વિહારીદાસ દેસાઈએ રાજ્ય તરફથી તેનું સમારકામ કરવા વિચાર્યું. પરંતુ તેનો પ્રસ્તાવ સ્વીકાર્ય ન થતાં તેણે તત્કાલીન ચીફ મેડીકલ ડૉ.ત્રિભોવનદાસ મોતીચંદ શાહના સહકારથી ગિરનાર લોટરી કાઢી. તે લોટરીમાં ઘણા લોકોની કમીટી કરી. પ્રથમ ઇનામ ૪૦,૦૦૦ રૂ. ના, બે ઇનામ ૧૦,૦૦૦ રૂ.ના, ચાર ઇનામ ૫,૦૦૦ રૂ.ના, દસ ઇનામ ૧,૦૦૦રૂ.ના, વીસ ઇનામ ૫૦૦ રૂ..ના, અઢીસો ઇનામ ૨૦ રૂ.ના, પાંચસો ઇનામ ૧૦ રૂ. ના અને એક હજાર ૫ રૂ. ના એમ કુલ ૧,૧૫,૦૦૦ રૂ. ના ઇનામો કાઢવામાં આવ્યા હતા.
આ લોટરીનો ડ્રો ૮-૮-૧૮૮૯નાં રોજ હતો. તેમાંથી ઇનામો બાદ કરતાં સાડા ત્રણ લાખ રૂપિયા બચ્યા હતા. તેમાંથી તળેટીથી અંબાજી સુધીના કાળા પથ્થરના પાકા પગથિયા બંધાવ્યા. એક સ્થાયી કમીટી આજે પણ આ પગથિયાના સમારકામની કાળજી લે છે.
ગિરનાર પર્વત ઉપર સહસાવન તરફ જવાની સીડીને “જુની સીડી” એવું હુલામણુ નામ આપવાના આવ્યું છે. કાળક્રમે તે જુનીસીડી અત્યંત જર્જરીત થતાં નષ્ટ પ્રાયઃ થઇ ગઈ હતી.
૩૦૦૦ ઉપવાસના તપસ્વી તથા ૧૧,૫૦૦ આયંબિલનાં ઘોર તપસ્વી પ.પૂ.હિમાંશુસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી સહસાવનમાં એક સમવસરણ દેરાસરનાં નવનિર્માણ કાર્ય થયું. તે અવસરે ઈ.સ. ૧૯૮૧ના વર્ષમાં તેઓશ્રીની પ્રેરણાથી આ જુનીસીડીનું નવનિર્માણ કાર્ય ચાલુ થયેલ હતું. અને લગભગ ઈ.સ. ૧૯૮૫ના વર્ષમાં સંપૂર્ણ જુનીસીડી તૈયાર થઇ હતી. આ જુનીસીડી “શ્રી સહ્સાવન કલ્યાણક ભૂમિ તીર્થોધ્ધાર સમિતિ” જુનાગઢ દ્વારા આશરે રૂ. ૬,૦૦,૦૦૦ ના ખર્ચે નિર્માણ કરવામાં આવી હતી.
આ પૂ.હિમાંશુસૂરીશ્વરજી મ.સા.ના પાર્થિવદેહની અંતિમ સંસ્કાર વિધિ સહસાવનમાં કરવામાં આવી હતી. હાલમાં પૂ.હિમાંશુસૂરીશ્વરજી મ.સા.ના સ્થાને પ.પૂ.પં.ચન્દ્રશેખરવિજયજી મ.સા.નાં શિષ્ય પૂ.ધર્મરક્ષિત વિજયજી મ.સા. તથા તેમના શિષ્ય પૂ.હેમવલ્લભવિજયજી મ.સા. ગિરનારની પહેલી ટૂંકના જૈન દેરાસરો તેમજ સહસાવનમાં આવેલા દેરાસરોના પ્રેરણાપથ અને માર્ગદર્શક બની રહ્યા છે.