એકવાર કુમારપાળ મહારાજા પૂજ્ય હેમચંદ્રાચાર્યજી ભગવંતની નિશ્રામાં છ’રી પાલીત સંઘ સહીત ગિરનાર અને શત્રુંજયની યાત્રાર્થે નીકળ્યા. ખૂબજ જાહોજલાલીપૂર્વક સંઘ ગિરનારની તળેટીમાં આવ્યો. બીજા દિવસે આચાર્ય ભગવંત સાથે કુમારપાળ મહારાજાએ ગિરનારગિરિ ઉપર આરોહણ કર્યું. તે અવસરે એકાએક કોઈ કારણ વગર પર્વતનો કંપ થયો. તેથી મહારાજાએ પર્વતના કંપનું કારણ પૂછ્યું ત્યારે આચાર્ય ભગવંતે કહ્યુંકે, “આ છત્રીની જેમ લટકતી શિલા નીચે જો એક સાથે બે પુણ્યશાળી માણસો આવે તો તે શિલા તેમની ઉપર પડે એવી વૃદ્ધ પરંપરા છે.” હવે આપણે બન્ને પુણ્યશાળી છીએ એટલે જો આ આગળથી ચાલી આવતી વાત સાચી હોય તો અનર્થ થાય. તેથી હે રાજન! તમે જ પ્રભુને ભેટી યાત્રા સફળ કરો, હું હવે નહિ આવું. પરંતુ કુમારપાળરાજાએ પૂજ્ય હેમચંદ્રાચાર્યજી ભગવંતને સંઘ સાથે યાત્રાર્થે મોકલ્યા અને પોતે છત્રશિલાનો માર્ગ છોડી જુના કિલ્લાની બાજુના માર્ગે નવા પગથિયા બંધાવવા માટે આજ્ઞા કરી. નવો માર્ગ બનાવડાવ્યો. બન્ને બાજુના પગથિયામાં કુલ રૂ.૬૩ લાખનો ખર્ચ કર્યો. અને પછી ગિરનારના નેમિપ્રભુની ખુબજ ભાવોલ્લાસપૂર્વક સુંદર યાત્રા કરી. ગિરનારગિરિ ઉપર એક નૂતન ચૈત્યનું પણ નિર્માણ કરાવ્યું. જે આજે પણ કુમારપાળ મહારાજાના દેરાસર તરીકે ઓળખાય છે.