Change Language

સજજન મંત્રી

પાટણનરેશ સિદ્ધરાજ જયસિંહે ઈ.સ. ૧૧૭૦માં સોરઠદેશ ઉપર ચઢાઇ કરી. રા’ખેંગારને હરાવીને જીવતો પકડી પાંજરામાં પૂર્યો. રા’ખેંગાર મૃત્યુ પામ્યો તે સમયે મહારાજા સિદ્ધરાજે બાહડ મંત્રીનાં કહેવાથી સજ્જન મંત્રીને સૌરાષ્ટ્રનો દંડનાયક બનાવ્યો. પ્રભાવશાળી, પ્રજ્ઞાવાન અને દિર્ઘદ્રષ્ટા સજ્જનમાં કાર્ય કરવાની વિશિષ્ટ શક્તિ હોવાથી તેણે ખૂબજ ટૂંકા ગાળામાં સોરઠની પ્રજાનો સ્નેહ સંપાદન કરી લીધો.

સોરઠદેશના વહીવટ માટે તેણે જુનાગઢને મુખ્ય સ્થાન બનાવ્યું હતું. એક વખત ગિરનારગિરિ ઉપર આરોહણ કરવાનું થયું ત્યારે તદ્દન જીર્ણ થયેલા જિનચૈત્યોની પરિસ્થિતી નિહાળી તેમનું હૈયું કકળી ઉઠ્યું. તે સમયે રાજગચ્છના સદા એકાંતર ઉપવાસના તપસ્વી આચાર્ય ભદ્રેશ્વરસૂરીશ્વરજી સજ્જન મંત્રીના ગુરુ હતા. તેમણે પણ સજ્જનને કહ્યું કે, “જેઓ ખખડી ગયેલા અને પડી ગયેલા જિનમંદિરોનો ઉધ્ધાર કરે છે તેઓ ભવસમુદ્રમાંથી પોતાના આત્માનો ઉધ્ધાર કરે છે. જિનચૈત્યમાં વપરાયેલા પાષણાદિમાં જેટલા પરમાણુ હોય છે તેટલા લાખ વર્ષ તે ચૈત્ય બંધાવનાર સ્વર્ગ સુખ ભોગવે છે. નવીન જિનચૈત્ય બનાવવાથી જેટલું ફળ મળે છે તેનાથી આઠ ગણું ફળ જીર્ણ મંદિરોનો ઉધ્દ્ધાર કરવાથી થાય છે.” સજ્જનમંત્રીએ ગુરુભગવંતના વચનો સાંભળી જિર્ણોધ્ધાર કરવાનો સંકલ્પ કર્યો. આચાર્ય ભગવંત ભદ્રેશ્વરસૂરીશ્વરજીએ પણ સજ્જનમંત્રીની સાથે અઠ્ઠમતપ કરી જિર્ણોધ્ધારનાં સંકલ્પને પાર પાડવા અંબિકાદેવીનું સ્મરણ કર્યું. અંબિકાદેવીએ સૂરીશ્વરજીને પ્રત્યક્ષ થઈને કારણ પૂછ્યું ત્યારે આચાર્યભગવંતે કહ્યું કે, “હે મા! આ સજ્જન શ્રી નેમિશ્વરપ્રભુના ચૈત્યનો જિર્ણોધ્ધાર કરવા ઈચ્છે છે. તેના માટે તમારો આદેશ આપી પાષણની ખાણ બતાવો.” અંબિકાદેવીએ કહ્યું, “ઠીક છે પણ સજ્જનની આવરદા ટૂંકી છે.” સજ્જને પણ પરલોકગમનનું ભાથું જાણી અંબિકામા ની સહાયથી ખૂબજ ઉલ્લાસપૂર્વક જિર્ણોધ્ધારનું કાર્ય શરુ કર્યું. અંબિકામાંની સહાયથી શ્રી નેમિનાથપ્રભુનું ચૈત્ય કળશ સુધી તૈયાર થઇ ગયું. તે સમયે સજ્જનમંત્રીએ સૌરાષ્ટ્રની ત્રણ વર્ષની આવકને જિર્ણોધ્ધારનાં કામમાં વાપરી દીધી અને તે રકમ રાજભંડારમાં શ્રવાકો દ્વારા ભરવી દેવાશે. આવો નિર્ણય કરી ૭૨ લાખ દ્રમ્મની રકમથી શ્રી નેમિપ્રભુના ચૈત્યનો જિર્ણોધ્ધાર કરાવ્યો.

ગિરનારના આ સર્વોત્તમ કાર્યને કરતાં સજ્જનમંત્રીના ઉત્કર્ષને ખમી ન શકનારા કેટલાક જીવોએ મહારાજા સિધ્ધરાજની કાનભંભેરણી કરી કે “હે રાજન! સજ્જનમંત્રીએ સોરઠ દેશની એક કોડી પણ રાજ દરબારમાં જમા કરી નથી, નક્કી દાળ માં કઈ કાળું છે.” રાજા સિદ્ધરાજ પણ ઈર્ષ્યાથી બળતા તે રાજપુરુષોની વાત સાંભળી ઉકળી ઉઠ્યા અને સ્વયં જુનાગઢ જઈ રાજ વહીવટનો હિસાબ લેવા તત્પર બન્યા. આ બાજુ મહામંત્રી બાહડે પરિસ્થિતીને પામી મહારાજા સિદ્ધરાજના વાવડ સજ્જન મંત્રીને જણાવ્યા. કુશાગ્રબુદ્ધિ સજ્જનમંત્રી પરિસ્થિતીને પામી ગયા.

જિર્ણોધ્ધાર તથા સોરઠદેશની રાજ્ય વ્યવસ્થાના કાર્યમાં વ્યસ્ત એવા સજ્જનમંત્રીએ સિદ્ધરાજના આગમન પૂર્વે જિર્ણોધ્ધારનાં કાર્યમાં લાગેલી સોરઠદેશની આવકની રકમ એકઠી કરવા વણથલી તરફ પ્રયાણ કર્યું.ત્યાં મહાજનને એકઠું કરી ગિરનાર જિનાલયના જિર્ણોધ્ધાર અંગેની રકમની વાત વહેતી મૂકી. ગામના શ્રેષ્ઠીઓની રકમ લખાવવામાં પડાપડી થવા લાગી. તે વખતે સભાની ભરચક મેદનીમાં મેલા – ઘેલા કપડાં પહેરેલો માણસ મથામણ કરી સજ્જન મંત્રી સુધી આવી પહોંચ્યો. અને સજ્જન મંત્રીને કહ્યું કે, “હે મંત્રીશ્વર! આ મહાપ્રભાવક ગિરનાર માટે તો મારું સર્વસ્વ આપવા હું તૈયાર છું. આપ આટલી મામૂલી રકમ માટે શા માટે ટીપ કરવો છો? આ રાંકડા ઉપર કૃપા કરી આ લાભ મને જ લેવા દો. ગામના શ્રેષ્ઠીઓતો મહાભાગ્યવાન છે તેઓને તો આવા દાન – પુણ્યના અવસર ઘણીવાર આવે છે. આજે આ ગરીબડાને બે પૈસાના પુણ્ય કમાવવાની તક આપશો તો મારું જીવન ધન્ય બની જશે.” એમ કહી સમસ્ત સભાજન સમક્ષ પોતાની ભાવના વ્યક્ત કરી સજ્જનમંત્રીના ચરણ સ્પર્શ કરી ભીમા સાથારીયાએ સંઘ સામે પોતાની ઝોળી ફેલાવી. ભીમા સાથરીયાનાં ભાવો જોઈને સજ્જનમંત્રીએ તેની ભાવનાનો સ્વીકાર કર્યો. ભીમા સાથરીયાના જિર્ણોધ્ધારની રકમના વચનને લઈને મંત્રીશ્વર પાછા જુનાગઢ પધાર્યા.

સિદ્ધરાજ મહારાજા જુનાગઢ પધાર્યા છે તે સમાચાર જાણી મંત્રીશ્વરે મહારાજાનો ભવ્ય પ્રવેશ કરાવ્યો. મહારાજા મહેલમાં પધારતા સજ્જને નતમસ્તકે ઝુકી મહારાજાની ખબર– અંતર પૂછી.ત્યારે સજ્જનના દુષ્ટવ્યવહારોની ખોટી વાર્તાથી ભરમાયેલા મહારાજાએ સજ્જન પાસે સોરઠદેશની ત્રણ વર્ષની રકમનો હિસાબ માંગ્યો.

સજ્જનમંત્રીએ દ્રઢતા પૂર્વક શાંત ચિત્તે પ્રત્યુત્તર આપ્યો કે, “મહારાજા! રાજ્યની આવકની આનાપાઈનો હિસાબ તૈયાર જ છે. આપ કૃપાળુ મુસાફરીનો થાક ઉતારવા આરામ ફરમાવો.” સજ્જનમંત્રીનું નિર્ભયવદન અને શાંત સ્વરે કહેલી વાત સાંભળી મહારાજા ઠંડાગાર થઇ ગયા. દિવસ દરમ્યાન નગરજનોના મુખે સજ્જનમંત્રીની ખૂબ પ્રશંસા સાંભળી સાથે – સાથે શ્રી નેમિજિનના જિનાલયના જિર્ણોધ્ધારની વાતો સાંભળી બીજા દિવસે ગિરનારગિરિની યાત્રાની ભાવના વ્યક્ત કરી.

બીજા દિવસે નવલી પ્રભાતે મહારાજા અને મંત્રીશ્વર ગિરિ આરોહણ કરી રહ્યા હતા. તે અવસરે શિખર ઉપર શોભતા નૂતન ચૈત્ય અને ફરકતી ધજાઓની શોભા જોઈને મહારાજાએ પૂછ્યું કે, “ક્યા ભાગ્યવાન માતાપિતા છે કે જેના સંતાનોએ આવા સુંદર જિનાલયોનું નિર્માણ કર્યું છે?” ત્યારે સજ્જનમંત્રીએ કહ્યું કે, “સ્વામી! આપ પૂજ્યના માતાપિતાનું જ સૌભાગ્ય છે કે આપ જેવા મહાપુણ્યશાળીના પ્રતાપે આવું સુંદર સર્જન થયું છે.” આશ્ચર્ય ચકિત થયેલા મહારાજાએ વાતનું રહસ્ય મંત્રીને પૂછ્યું ત્યારે મંત્રીએ કહ્યું, “સોરઠદેશની ધન્યધરાની ત્રણ વર્ષની આવક આ જિનાલયના નવસર્જનમાં વાપરેલ છે. આપ કૃપાળુ જ સોરઠદેશના ધણી છો. તેથી આપના પિતા કર્ણદેવ અને માતા મીનળદેવી જ ધન્ય બન્યા છે. આ જિનાલયનું “કર્ણ પ્રાસાદ” નામ આપી આપણા પિતાની સ્મૃતિને ચિરકાલ રાખી શકાય. છતાં આપ સ્વામીને સોરઠદેશની ત્રણ વર્ષની આવક રાજભંડારમાં જમા કરાવવી હોય તો તે માટે વંથલી ગામનો શ્રાવક ભીમોસાથરીયો એકલો તે રકમ ભરવા તૈયાર છે અને જો જિર્ણોધ્ધારનો ઉત્કૃષ્ટ લાભ લઇ આત્મભંડારમાં પુણ્ય જમા કરાવવાની તૈયારી હોય તો તે વિકલ્પ આપને માટે ખુલ્લો છે.” સજ્જનમંત્રીના વચનો સાંભળી મહારાજા તેમની ઉપર ઓવારી ગયા. અને બોલ્યા કે, “આવા મનોરમ્ય જિનાલયનો મહામૂલો લાભ મળતો હોયતો મારે ત્રણ વર્ષની આવક સાથે કોઈ નિસ્બત નથી. મંત્રીશ્વર! તમારે માટે જે શંકા – કુશંકા થઇ તે બદલ ક્ષમા માંગું છું. આજે આ મહાન લાભ પામી હું પણ ધન્ય બની ગયો છું.”

આ તરફ ભીમા સાથરીયા ઉપર સજ્જનમંત્રીના કોઈ સમાચાર ના આવતાં ચિંતાતુર થઇ તેણે જુનાગઢ તરફ પ્રયાણ કર્યું. મંત્રીશ્વરને જિર્ણોદ્ધારની રકમ માટે પૂછ્યું ત્યારે સજ્જનમંત્રીએ હકીકત જણાવી. તે જાણી ભીમને ખૂબ આઘાત લાગ્યો. બે ક્ષણ માટે અવાચક બની ગયો. પુનઃ સ્વસ્થતા પ્રાપ્ત કરી તેણે કહ્યું, “હે મંત્રીશ્વર! જિર્ણોધ્ધાર માટે કલ્પેલી રકમનો હવે મારે કોઈ ખપ નથી. આપ તે રકમનો સ્વીકાર કરી તેનો યોગ્ય ઉપયોગ કરજો.” આટલું કહી ભીમો વંથલી પાછો ફર્યો અને ત્યાંથી ધનના ગાડા ભરીને સજ્જનમંત્રીના આંગણે મોકલાવ્યા. વિચક્ષણ સજ્જને આ રકમમાંથી દાદાના ચૈત્યની બાજુમાં ‘મેરકવસહી’ નામનું જિનાલય અને ભીમા સાથરીયાની સ્મૃતિ અર્થે મુખ્યશિખરનાં જિનાલયની સમીપ ‘ભીમકુંડ’ નામના એક વિશાળ કુંડનું નિર્માણ કરાવ્યું હતું.

આવા હતા સજ્જનમંત્રી, આવા હતા સિદ્ધરાજ જયસિંહ અને આવા હતા ભીમા સાથરીયા.

Join the mailing list for regular updates about Girnar!
x
Thank you! Your submission has been received!
Oops! Something went wrong while submitting the form.