ભરત મહારાજાએ ગિરનાર ગિરિવર પર નેમિનાથ પરમાત્માની ગણધર ભગવંતો પાસે પ્રતિષ્ઠા કરાવી તે સમયે હર્ષથી પ્રેરાયેલા ઇન્દ્ર મહારાજા ઐરાવણ પર બેસી આકાશમાર્ગે શ્રી નેમિનાથપ્રભુને વંદન કરવા આવ્યા. ત્યાં ઐરાવણના એક બળવાન ચરણ વડે પૃથ્વીને દબાવીને ઇન્દ્રે પ્રભુના પૂજનને માટે ગજેન્દ્રપદ નામનો એક કુંડ બનાવ્યો. તે કુંડનાં ત્રણ નામ પ્રખ્યાત છે, ગજેન્દ્રપદ કુંડ, હાથીપગલાં કુંડ અને ગજપદ કુંડ. જેની દિવ્ય સુગંધથી ભ્રમરાઓ લોભાતા હતા એવા ગજપદ કુંડમાં ત્રણ જગતની નદીઓના અદ્ભૂત પ્રવાહો પડવા લાગ્યા. તે કુંડના જળની સુગંધ અને મીઠાશ સામે જગતના સર્વ પદાર્થોની સુગંધ અને મીઠાશ ફીકી થઇ ગઈ.
બીજા તીર્થોમાં દર્શન, સ્પર્શન, અને આસેવન કરવાથી જે ફળ થાય તે ફળ આ કુંડના જળવડે જિનાર્ચન કરવાથી થાય છે. દિવ્ય તીર્થજળ વડે યુક્ત અને સર્વદોષથી મુક્તએવા આ કુંડજળના સ્પર્શથી સર્વ આધિ તથા વ્યાધિ નાશ પામે છે. તે અવસરે ત્યાં આવેલા અન્ય દેવોએ પણ વિવિધશક્તિઓ અને મહિમાઓથી યુક્ત દિવ્ય પ્રભાવવાળા કુંડો બનાવ્યા. તે અવસરે ત્યાં ‘હું પહેલો’ ‘હું પહેલો’ એવી સ્પર્ધા કરતાં દેવતાઓ વડે ભક્તિથી લવાયેલા દિવ્ય પુષ્પોથી સૌધર્મેન્દ્રે નેમિનાથપ્રભુની પૂજા કરી. ભરત મહારાજાએ પણ ગજપદકુંડના દિવ્ય જળથી સ્નાન કરી જિનાર્ચન કર્યું. આવા દિવ્ય પ્રભાવથી યુક્ત એવો ગજપદકુંડ આજે પણ ગિરનારગિરિ ઉપર વિદ્યમાન છે.