Change Language

રત્નાશા શ્રાવક

શ્રી નેમિનાથ પરમાત્માની પ્રતિમાનો ઇતિહાસ

એકવાર નેમિનાથપ્રભુના સમવસરણમાં નેમિનાથપ્રભુને ઇન્દ્ર મહારાજાએ અંજલી જોડી નમસ્કાર કરી પૂછ્યું કે, “હે સ્વામી! વરદત્તગણધર ભગવંત ક્યા પુણ્યથી ગણધર ભગવંત થયા છે?” ત્યારે ભવ્યજીવોના ઉપકાર માટે ફરમાવ્યું કે, “ગતઉત્સર્પિણીમાં ત્રીજા સાગર નામના તીર્થંકર પરમાત્મા કૈવલ્યલક્ષ્મીને ધારણ કરીને ભવ્યજીવોને પ્રતિબોધ કરતાં હતા. અન્યદા તે પરમાત્માએ દેશનામાં ચૌદ રાજલોક અને મોક્ષ સંબંધી સ્વરુપ જણાવ્યું. તે સમયે પ્રભુની વાણી સાંભળી પાંચમા દેવલોકના સ્વામી બ્રહ્મેન્દ્રે પોતાના સ્વર્ગીય સુખમાં મંદ થઇ મોક્ષ સુખના અભિલાષી બન્યા અને તેણે પ્રણામ કરી વિજ્ઞપ્તિ કરી કે, ‘હે પ્રભુ! મને મુક્તિ સુખની પ્રાપ્તિ ક્યારે થશે? પ્રભુ બોલ્યા કે બ્રહ્મેન્દ્ર! આવતી અવસર્પિણીમાં બાવીસમાં તીર્થંકર અરિષ્ટનેમિ થશે. તેનું ગણધરપદ મેળવી ભવ્ય પ્રાણીઓને બોધ આપી રૈવતાચલ ઉપર મુક્તિપદને પામશો’ આ પ્રમાણે પ્રભુના વચન સાંભળી હર્ષ પામી પોતાના દેવલોકમાં ગયો અને ત્યારથી તે નેમિનાથ પરમાત્મા પર ખૂબ અનુરાગ ધરવા લાગ્યો.”

ઇન્દ્રે શ્રીનેમિનાથ પ્રભુને પોતાના ભાવિ ઉપકારી જાણી પ્રભુનું ધ્યાન ધરવાને માટે રત્નમાણેકના સાર વડે નેત્રને અમૃતના અંજન જેવી સુંદર પ્રતિમા બનાવી. ઇન્દ્ર મહારાજા નિત્ય શાશ્વત પ્રતિમાની જેમ ભક્તિભાવથી તે પ્રતિમાની પૂજા - ભક્તિ કરવા લાગ્યા. આ રીતે પરમાત્માની ભક્તિના પ્રભાવે ઉત્તરોત્તર ઉત્તમ ભાવોને પામી અત્યારે ગણધરપદ પામ્યા છે.

તે અવસરે પરમાત્માની વાણી સાંભળી બ્રહ્મેન્દ્રે પ્રભુને પૂછ્યું કે, “હે પ્રભુ આપના કહેવાથી આ પ્રતિમા અશાશ્વતી છે તે અમારા જાણવામાં આવી છે. અમે તો આ પ્રતિમા શાશ્વતી જ માનતા હતા.” ત્યારે પ્રભુએ કહ્યું કે, “હે ઇન્દ્ર! દેવલોકમાં અશાશ્વતી પ્રતિમા હોતી નથી. તેથી તે પ્રતિમા અહીં લાવો. પ્રભુની આજ્ઞાથી ઇન્દ્ર મહારાજા શીઘ્ર તે પ્રતિમા લઇ આવ્યા અને કૃષ્ણ મહારાજાને આપી. કૃષ્ણ મહારાજાએ પ્રભુની આજ્ઞાથી તે પ્રતિમાને જ્ઞાનશિલા નીચે નવો પ્રાસાદ બનાવી તેમાં શ્રીનેમિનાથ પત્માત્માની પ્રતિમા પધરાવી ત્રણ જગતમાં પૂજાયેલી અને પરમપદને આપનારી તેવી અત્યંત પ્રભાવશાળી પ્રતિમાની કૃષ્ણ મહારાજાએ પ્રભુના વાસક્ષેપ વડે ગણધર ભગવંત પાસે પ્રતિષ્ઠા કરાવી. જે પવિત્ર કુંડ સર્વ પાપનો ઘાત કરનાર છે, જેના જળના પાનથી કાસ, શ્વાસ, અરુચી, ગ્લાનિ, પ્રસૂતિ અને પેટના સર્વ બાહ્ય રોગો અને અંદરના કર્મમલનો નાશ થાય છે તેવા પવિત્ર ગજપદ કુંડનાં જળથી દેવો અને મનુષ્યોએ ભેગા થઇ પરમાત્માનો અભિષેક કર્યો. કૃષ્ણ મહારાજાએ મહામહોત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. પરમાત્માની આરતી ઉતારી પછી રત્ન, માણેક, સુવર્ણ વિગેરેનું દાન આપ્યું. આ રીતે ખૂબ જ ભક્તિ ભાવથી કૃષ્ણ મહારાજા રોજ પરમાત્માની પૂજા કરવા લાગ્યા.

તે અવસરે કૃષ્ણ વાસુદેવે કહ્યું કે, “હે પરમાત્મા! આ પ્રતિમા મારા પ્રાસાદમાં કેટલો કાળ રહેશે?” પ્રભુએ કહ્યુંકે, “જ્યાં સુધી દ્વારિકા નગરી રહેશે ત્યાં સુધી આ પ્રતિમા તમારા પ્રાસાદમાં રહેશે. દ્વારિકા દહન વખતે અંબિકા આ પ્રતિમાને કંચનગિરિ ઉપર લઇ જશે ત્યાં દેવતાઓ દ્વારા પૂજશે. મારા નિર્વાણના ૨ હજાર વર્ષ પછી અંબિકાદેવીની સહાયથી રત્નાશા શ્રાવક ગુફામાંથી પ્રતિમા લાવી રૈવતગિરિ ઉપર પધરાવશે. નવો પ્રાસાદ બનાવી પ્રભુની પૂજા કરશે. પાંચમાં આરાના અંત સુધી આ પ્રતિમા રૈવતગિરિ ઉપર પૂજાશે. એટલે કે ૧ લાખ ૩ હજાર ૨૫૦ વર્ષ સુધી આ પ્રતિમા ગિરનારગિરિ ઉપર પૂજાશે. છઠ્ઠા આરાનો પ્રારંભ થતાં અંબિકાદેવી તે બિંબને પાતાલલોકમાં પૂજશે.” આ રીતે નેમિનાથ પરમાત્માએ પ્રતિમાનો અદભૂત ઇતિહાસ બતાવ્યો.

ગિરનાર મહાતીર્થ ઉપર જૈનધર્મી વિમલરાજાના ભરાવેલા વેળુના શ્રી નેમિનાથ પરમાત્મા બિરાજમાન હતા તે સમયની આ વાત છે. તે સમયે સૌરાષ્ટ્રનો રહેવાસી રત્નશેઠ દુકાળના કારણે સૌરાષ્ટ્ર છોડી કાશ્મીરમાં રહેતો હતો. પુણ્યના પ્રભાવે તે સમયે રત્નાશા અઢળક સંપતિ પામ્યા હતા. સંપત્તિના સદ્વ્યય દ્વારા પુણ્ય ઉપાર્જન કરવાની ઇચ્છાથી અર્હદ્ – પૂજા ભક્તિ કરવા શ્રી આનંદસૂરિમહારાજ સાહેબની નિશ્રામાં શ્રી ગિરનાર અને સિધ્દ્ધાચલનો છ’રિ પાલિત સંઘ કાઢ્યો. સંઘના માર્ગમાં અંતરાયભૂત બનતા ઉપસર્ગો અને વિઘ્નોને રત્નાશા અંબિકાદેવીની સહાયથી નાશ કરતાં. આનંદોલ્લાસ પૂર્વક શાશ્વતગિરિ શ્રી શત્રુંજયની ભક્તિ કરી ત્યાંથી નેમિનાથ પ્રભુને જુહારવા શ્રી સંઘ શાશ્વતા શ્રી રૈવતગિરિ ઉપર આવ્યો. અનંતા તીર્થંકર પરમાત્માના કલ્યાણકોના આંદોલનોને માણવા શ્રી સંઘ ગિરનારગિરિ ઉપર ચઢ્યો. કલ્યાણક ભૂમિની સ્પર્શના-પૂજના કરી સંઘ સહિત રત્નાશા મુખ્ય શિખર તરફ ગયા. મુખ્ય શિખર તરફ જતાં રસ્તામાં છત્રશિલાનો કંપ થતો જોઈ રત્નશા શ્રાવકે ગુરુ ભગવંતને તેનું કારણ પૂછ્યું. ગુરુભગવંતે પોતાના અવધિજ્ઞાનના બળથી જણાવ્યું કે, “હે રત્નસાર! તારાથી આ તીર્થનો ભંગ અને ઉધ્ધાર થશે.” આ સાંભળી રત્નાશા ખેદ સાથે દૂરથી જ પ્રભુને નમન કરી પાછા ફરી રહ્યા હતા ત્યારે ગુરુ ભગવંતે કહ્યું કે, “આ તીર્થનો ભંગ તારાથી થશે એનો અર્થ તારા અનુગામી શ્રાવકોથી થશે અને તારાથી ઉધ્ધાર થશે.” આ સાંભળી હર્ષ પામેલા રત્નાશા નેમિપ્રભુ પાસે પહોંચ્યા. પરમાત્માનો ભવ્ય સ્નાત્ર મહોત્સવ કર્યો. દેવતાઓ વડે વારવા છતાં તેમની ભાષાને નહીં જાણતા શ્રાવકો હર્ષના આવેગથી વેળુની શ્રી નેમિનાથ પરમાત્માની પ્રતિમાને અભિષેક કરવા લાગ્યા. લાખો કળશોના નવણજળથી પ્રતિમાજી ક્ષણવારમાં આદ્રમાટીના પીંડ જેવી થઇ ગઈ. લોકોમાં હાહાકાર મચી ગયો. રત્નાશા તીર્થના ઉધ્ધાર અર્થે નેમિનાથ પ્રભુનુ શરણું સ્વીકારી ત્યાં જ કાયોત્સર્ગ ધ્યાને રહ્યા.

દિવસો જતા રત્નાશાના સત્વની પરીક્ષા થવા લાગી. પોતાના સંકલ્પમાં દ્રઢ એવા રત્નાશાને નિહાળી સંતુષ્ટ થયેલા શાસનદેવી અંબિકા મા એક માસને અંતે પ્રગટ થયા અને કહ્યું કે, “વત્સ! તું ખેદ કેમ કરે છે? ફરી પ્રભુને લેપ કરાવી તું પુનઃ પ્રતિષ્ઠા કરાવ.” આ વચન સાંભળી વિશાદગ્રસ્ત રત્નાશા કહે છે, “હે મા! જો આ પ્રતિમાને લેપ કરાવી પુનઃ પ્રતિષ્ઠા કરાવીશ તો ફરીથી ભવિષ્યમાં મારા જેવો કોઈ અજ્ઞાની આવી આ બિંબનો નાશ કરનારો થશે. માટે હે મૈયા! ભાવિમાં કોઈનાથી નાશ ન થાય તેવી અભંગ પ્રતિમાજી આપો.” રત્નાશાના વચનો સાંભળી અંબિકાદેવી અદ્રશ્ય થઇ ગયા અને રત્નાશાની પરીક્ષા કરવા માટે ઉપસર્ગ કર્યા. રત્નાશાનો દ્રઢ સંકલ્પ જાણી અંબિકા મા ફરીથી પ્રગટ થયા અને કહ્યું કે, “હે વત્સ! તારા દ્રઢ સત્વથી હું સંતુષ્ટ છું. તારા મનની જે ઈચ્છા હોય તે માંગી લે.” ત્યારે રત્નાશાએ તીર્થોધ્ધારનો મનોરથ જણાવ્યો. અંબિકા મા રત્નાશાને પોતાની સાથે લઇ ગયા. હિમાદ્રિપર્વતની કંચનગુફામાં રહેલી અનેક રત્નની પ્રતિમા બતાવી. પડતો કાળ જાણી તે પ્રતિમાજીમાંથી બ્રહ્મેન્દ્ર દ્વારા બનાવાયેલી વીજળી, વાવાઝોડા, અગ્નિ, જળ, લોખંડ, પાષણ કે વજ્રથી પણ અભેદ્ય એવી મહાપ્રભાવક પ્રતિમા રત્નાશા ને આપી અને કહ્યું કે, “હે રત્નશ્રાવક! હવે આ મૂર્તિ કાચા સૂતરના તાંતણા વડે બાંધીને આજુબાજુ કે પાછળ જોયા વગર સડસડાટ લઇ જા. જો માર્ગમાં ક્યાંય પણ આ પ્રતિમાજીને મૂકીશ તો આ બિંબ તે સ્થાને જ સ્થિર થઇ જશે.” રત્નશ્રાવકને આ પ્રમાણે સૂચના કરી અંબિકાદેવી સ્વસ્થાને પાછા ફર્યા.

ત્યારબાદ રત્નાશા પ્રતિમાને લઈને આવ્યા અને જિનાલયના મુખ્ય દ્વારે પધરાવી. પૂર્વની આદ્રમાટીના પીંડ જેવી થઇ ગયેલી વેળુની પ્રતિમા ખસેડી ભૂમિ પ્રમાર્જી નવી પ્રતિમા પધરાવવા ઉપાડવા જાય છે ત્યારે તે નવી પ્રતિમા ત્યાં જ સ્થિર થઇ ગઈ. ચિંતાતુર એવા રત્નાશા ચારેય આહારનો ત્યાગ કરી અંબિકાદેવીની આરાધનામાં લીન બન્યા. અંબિકા મા પધાર્યા અને કહ્યું કે, “હે રત્નાશા! હવે આ પ્રતિમા ત્યાંથી ઉત્થાપિત નહી થાય. તું પશ્ચિમદ્વારવાળા ભવ્ય જિનાલયનું નિર્માણ કરાવ.” ત્યારબાદ અંબિકાદેવીના સૂચન પ્રમાણે રત્નાશાએ નવા જિનાલયનું નિર્માણ કરાવ્યું. મહોત્સવપૂર્વક આચાર્યો વડે પ્રભુની પ્રતિષ્ઠા કરાવી. ત્યારબાદ રત્નાશાએ પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા કરી ભાવવિભોર બની સ્તુતિ કરી.

ભાવપૂર્વક સ્તુતિ કર્યા બાદ રત્નશ્રાવકે પંચાંગ પ્રણિપાત સહીત ભૂમિતલનો સ્પર્શ કરી અત્યંત રોમાંચ અનુભવતા પ્રણામ કર્યા. તે અવસરે તેની ભક્તિથી સંતુષ્ટ થયેલા અંબિકા મા એ રત્નાશાના કંઠમાં પારિજાતના પુષ્પોની ગૂંથેલી માળા પહેરાવી. પછી રત્નશ્રાવકે પણ સ્વજન્મને સફળ થયેલો જાણીને સાત ક્ષેત્રમાં સંપત્તિરુપ બીજનું વાવેતર કર્યું. પરંપરાએ તે પ્રભુ ભક્તિ દ્વારા મોક્ષ સુખના સ્વામી થશે.

Join the mailing list for regular updates about Girnar!
x
Thank you! Your submission has been received!
Oops! Something went wrong while submitting the form.