ગરવાગઢ ગિરનારના પહાડોમાં અનેક ગુફાઓ અને ગુપ્તસ્થાનો છે, જેના કારણે ગિરનાર ઘણા સ્થાને ખૂબ પોલો હોવાનું જણાય છે. આ પર્વતોમાં અનેક સંતો, મહંતો, સિદ્ધો, યોગીઓ, અનેક અઘોરીઓ અને મહાત્માઓએ વસવાટ કરી અનેક સાધનાઓને સિદ્ધ કરેલ છે.
આજે પણ અનેક વિભૂતિઓ આ ગિરનારની ગુફાઓમાં આત્માધ્યાનમાં લીન રહી કરી રહ્યા હોવાનું જાણવા મળેલ છે, જેની ઉંમર ૧૦૦-૨૦૦-૩૦૦ એમ સેંકડો વર્ષની પણ હોય છે. જૈન ગ્રંથો તથા અન્ય ધર્મગ્રંથોમાં પણ યક્ષાદિ અનેક આત્માઓ ગિરનારમાં વસતા હોવાનો ઉલ્લેખ આવે છે. આ સંતો, મહંતો, સિદ્ધો, યોગીઓ તથા યક્ષાદિ આત્માઓની અનેક વાર્તાઓ અને ચમત્કારોની વાતો આજે પણ લોક્મુખથી જાણવા મળે છે, જેમાંથી કેટલીક વાતો અહીં જણાવેલ છે.
૧. જુનાગઢના ગોરજી કાંતીલાલજીના કહેવા પ્રમાણે જુનાગઢના કેટલાક ભાઈઓએ ગધ્ધેસિંહના ડુંગરમાં જઈ ગધૈયાના સિક્કાઓ એકઠા કરી ગાંસડી બાંધીને બોરદેવીના મુકામે આવ્યા, તે વખતે બોરદેવીમાં ઉપસ્થિત બાવાને તેઓએ હેરાન કર્યો તેથી બાવાનો ક્રોધ આસમાને ચડતાં કેટલાક તો ગાંડા થઇને ત્યાંને ત્યાં જ મૃત્યુ પામ્યા, કેટલાક ભાગી છુટતાં રસ્તામાં મૃત્યુ પામ્યા અને કેટલાક તો જુનાગઢમાં પહોચ્યાં પછી મૃત્યુ પામ્યા હતાં.
૨. ગોરજી કાંતીલાલજી કહેતા કે ગિરનાર ઉપર પથ્થર ચટ્ટીની જગ્યામાં રહેતા હરનાથગર નામના અઘોરીએ એકવાર કોઈ બ્રાણના પુત્રને ઉપાડી લાવીને તેનું ભક્ષણ કર્યું હતું. તે બ્રાણ પુત્રને શોધતાં શોધતાં ગિરનાર ઉપર આવ્યો પરંતુ પુત્ર ન મળવાથી અત્યંત દુઃખી હૃદયે તે ગિરનારના અધિષ્ઠાયક દેવોને પ્રાર્થના કરે છે. બ્રાણના આક્રંદથી તુષ્ટ થયેલ વરદત્ત શિખરના અધિષ્ઠાયક દેવ જાગૃત થયા, તેમની સહાયથી પેલો બ્રાણપુત્ર પુનઃ જીવિત થયો અને અધિષ્ઠાયક દેવે તે અઘોરીને લાકડી વડે ખૂબ માર મારતાં તે અઘોરી લંગડો થઇ ગયો, ત્યારબાદ ઘણા અઘોરીઓ ગિરનાર છોડીને ચાલ્યા ગયા.
૩. ગિરનારના શ્રી નેમિનાથ દાદાની પૂજા કરનાર આરાધક આત્માઓ ધન્ય બની જાય છે, અરે!! બાલ બ્રહ્મચારી નેમિપ્રભુના દર્શન-પૂજનથી કેટલાય આરાધકોએ વાસનાઓનું વમન થતું હોવાનો અનુભવ કર્યો છે, આજે અનેક મુમુક્ષુ આત્માઓ દિક્ષાપૂર્વે શ્રીનેમિપ્રભુ તથા દીક્ષા કલ્યાણકભૂમિના દર્શન-પૂજન-સ્પર્શન દ્વારા સંયમ અંગીકાર કરવામાં નડતાં અંતરાયોને તોડવા માટે સમર્થ બને છે. કેટલાય આત્માઓ આ ગિરનારની ભક્તિ કરી બ્રહ્મચર્યવ્રત અંગીકાર કરી આત્મારાધનામાં લીન બન્યા છે.
૪. એક સાધક આત્મા ગિરનારના અમિઝરા પાર્શ્વનાથ ભગવાનના ભોંયરામાં સાધના કરવા અનેકવાર આવતાં હતા, ત્યારે એક રાત્રીએ ભોંયરામાં જાપ-ધ્યાનની આરાધનામાં લીન હતા અને ભોંયરાનો દરવાજો પૂજારી બહારથી બંધ કરી ગયા હતા ત્યારે આકાશ્માર્ગેથી એક દિવ્યપ્રકાશનો પૂંજ ભોંયરામાં ઉતરતો જોયો અને થોડીવાર તે પ્રકાશના પૂંજમાંથી બે ચારણમુનીઓ અવતરતાં દૃશ્યમાન થયા, થોડીવાર અમિઝરા પાર્શ્વનાથ ભગવાનની ભક્તિ કરી ત્યારબાદ તે ચારણમુનીઓ અત્યંત તેજગતિએ આકાશ ભણી ગમન કરતાં નિહાળ્યા હતા.
૫. એક મહાત્માએ ગિરનારની ૯૯ યાત્રા કરતાં કરતાં એકવાર એક વિશિષ્ટ ગુફામાં પ્રવેશ કર્યો ત્યાં અત્યંત શાંત, તેજસ્વી, કદાવરદાર દેહધારી, તેજ વર્તુળવાળા એક દિવ્યસંતના દર્શન કર્યા અને તેમના સ્વમુખે ગિરનાર મહાતીર્થનું અલૌકિક માહાત્મ્ય સાંભળ્યું હતું.
૬. રાજનગર – અમદાવાદથી એક આરાધક પરિવાર સંઘ લઈને ગિરનારમંડણ શ્રી નેમિનાથ પ્રભુજીને આભૂષણ ચઢાવવા આવ્યો ત્યારે અઢાર અભિષેકના દિવસે શ્રી નેમિનાથ દાદાના આખા દેરાસરની છતમાંથી મોટા મોટા ટીપાં પડે તે રીતે અમિઝરણાં થયા હતા. વળી શ્રી નેમિપ્રભુની પ્રતિમાને ત્રણવાર અંગલુંછણા કરવા છતાં જયારે અમિઝરણાં ચાલુ જ રહ્યા ત્યારે સૌએ તેવા ભીના પ્રભુજીની જ પૂજા કરી હતી.
૭. ગિરનાર ઉપરની શ્રી પ્રેમચંદજીની ગુફામાં ઘણા મહાત્માઓએ ધ્યાન ધરેલ છે,શ્રી પ્રેમચંદજી મહારાજ યોગ વિદ્યામાં પ્રવીણ હતા. એકવાર પોતાના ગુરુભાઈ શ્રી કપુરચંદજીને શોધવા માટે તેઓ ગિરનારની આ ગુફામાં આવીને રહ્યા હતા. શ્રી કપુરચંદજી મહારાજ પાસે અનેકરૂપને ધારણ કરવાની તથા એક સ્થળેથી બીજા સ્થળે ઉડી જવાની આકાશગામિની વિદ્યા હતી.
૮. સં. ૧૯૪૩ માં ગિરનાર ઉપર એક યોગી એક પ્રબુદ્ધ લેખકને પોતાની ગુફાનું પાછળનો દ્વાર ખોલીને અંદર લઇ ગયેલા ત્યારબાદ તે લેખક અનેકવાર તે સ્થળે જઈને તે દ્વારની તપાસ કરતાં, પરંતુ ત્યાં ખડકની શિલા સિવાય બીજું કાઈ નહોતું મળતું.
૯. એકવાર કેટલાક આરાધકો શ્રી નેમિનાથ દાદાની દેરાસરની બહારની ધર્મશાળાની રૂમોમાં જાપની આરાધના કરી રહ્યા હતાં. ત્યારે શ્રી નેમિપ્રભુના જિનાલયમાંથી એકધારો ઘંટનાદ સંભળાતો હતો.
૧૦. કેટલાક સાધ્વીજી ભગવંતો શ્રી નેમિનાથ ભગવાનનું દેરાસર માંગલિક થયા બાદબહાર રહેલા શાસનઅધિષ્ઠાયિકા અંબિકાદેવીની દેરી પાસે આરાધના કરી રહ્યા હતા ત્યારે દાદાના દરબારમાંથી લગભગ પોણા કલાક સુધી સતત નૃત્યોના નાદ અને ઝાંઝરના-ઝમકારના દિવ્યધ્વનિનું ગુંજન સંભળાતું હતું.
૧૧. વિ.સં. ૨૦૩૧ ના કારતક માસમાં એક આરાધક આત્માએ ખુબ ભાવપૂર્વક શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમાને પ્રક્ષાલ કર્યો પછી અંગલુંછણા વગેરેથી બધું કોરું કરી દેવા છતાં જયારે પૂજા કરવા ગયા ત્યારે પ્રભુજીના ચરણકમલમાંથી લગભગ ચારેક વાટકી ભરાય તેટલું દિવ્યસુગંધી નવણજલ ઝર્યું હતું.
૧૨. આ ગિરનારની ઔષધીના અચિંત્યપ્રભાવથી છેલ્લા સેંકડો વર્ષોમાં અનેક મહાપુરુષો આકાશગમન દ્વારા તીર્થયાત્રા
૧૩. એકવાર એક યોગીપુરૂષને જીવતાં સળગાવી દેવામાં આવ્યા હોવા છતાં તે મહાત્માએ ભડભડ બળતાં અગ્નિમાંથી સહજતાપૂર્વક બહાર નીકળીને કલકત્તાના અંગ્રેજ ગવર્નરને આશ્ચર્ય પમાડી દીધા હતાં.
૧૪. ગિરનારની ગુફામાં વસતાં નાગા બાવા ઓ મહાશિવરાત્રિના મેળાના અવસરે અનેકવિધ અકલ્પનીય યોગના દાવો દ્વારા સૌને આશ્ચર્યમુગ્ધ કરતાં હોય છે. આજે પણ એવા ઘણા અઘોરીઓ ગિરનારની ગુફામાં વસે છે જે મહાશિવરાત્રિના મેળાના અવસરે ભવનાથ મંદિરના દર્શનાર્થે આવે છે પછી મૃગીકુંડમાં સ્નાન કરવા પડે છે અને પાછા બહાર નીકળતા જોવા મળતા નથી (પ્રાયઃ! સુક્ષ્મ શરીર કરીને ચાલ્યા જતાં હોવાનો સમભાવ છે.)
૧૫. ઈ.સં. ૧૮૮૯-૧૮૯૦ માં વંથલી તાલુકાના સેલરા ગામના એક આહિરના પુત્રને તેના ખેતરમાંથી આકાશમાર્ગે આવેલા કોઈ સાધુ પોતાની પાછળ તે બાળકને ઉપાડીને ગિરનાર ઉપર લઇ જતા હતા, એક ગુફામાં ત્રણ દિવસ રાખીને પાછો મુકી જતા હતાં ત્યારે પોલીસ તપાસ થતી પરંતુ તે વખતના નવાબ રસુલખાને હવે આ છોકરો સહિસલામત પાછો આવી ગયો હોવાથી તે સાધુઓની શોધ કરવા માટે વિશેષ ઊંડા ઉતરવાની જરૂર નથી તેવું કહીને તપાસ બંધ કરવા માટે આજ્ઞા કરી હતી.
૧૬. એકવાર એક બાવાએ જંગલમાં કોઈ રસકુપિકાની શોધ કરીને તેમાંથી રસ લઈને એક તુંબડીમાં ભરી દીધો હતો, રાત્રે કોઈ સોનીને ત્યાં રોકાણ કરી બીજા દિવસે સવારે ઉઠીને તે પોતાના રસ્તે ચાલી નીકળતો હતો. સોનીના ઘરમાં જ્યાં જ્યાં તુંબડીમાં રહેલા રસના છાંટા હતા તે તે વસ્તુઓ સોનાની બની ગઈ હતી. આ ઘટનાનો ખ્યાલ આવતાં સોનીએ તાત્કાલિક તે બાવાને શોધવાના પ્રયત્નો કર્યા પરંતુ તે બાવાનો કોઈ પત્તો ન લાગ્યો.
૧૭. મહાદુઃખમય એવા સંસારમાં રોગથી પીડાતા કોઈ માણસે આપઘાત કરવા અંબાજીની ટૂંકથી પડતું મુક્યું પરંતુ નસીબજોગે કોઈ હરડેના ઝાડ પાસે પડવાથી તે થોડો સમય ત્યાંજ પડ્યો રહેવાથી હરડેના ઝાડની અસરથી તેને વારંવાર સંડાસ જવાનું થતાં તેનો બધોજ રોગ દૂર થઇ ગયો. આ વાત તેણે જુનાગઢના તે વખતના ગોરજી લાધાજી જયવંતજીના ગુરૂને કરી ત્યારે તેમણે પણ તે હરડે લાવીને નવાબ સાહેબની દવામાં ઉપયોગ કર્યો. ટૂંક સમયમાં નવાબ સાહેબનો દીર્ઘકાલીન રોગ પણ ગાયબ થતાં તે તંદુરસ્ત સ્વાસ્થ્યને પામ્યા હતાં.
૧૮. એકવાર કેટલાક યાત્રિકો ગિરનારમાં ભૂલા પડ્યા ત્યારે કોઈ યોગીની ગુફા પાસે આવી પહોચ્યાં હતા. યોગી મહાત્માએ તેમને સાંત્વન આપીને કોઈ ઝાડના પાંદડાઓ ખાવા આપ્યા. તે પાંદડા તેમને પાપડ જેવા લાગ્યા અને તેનાથી તેમની ભૂખનું શમન થઇ ગયું. ત્યાર બાદ તેમની ઉપર પાટા બાંધીને કોઈક રસ્તે છૂટા મૂકી દીધા ત્યારે તે સ્વાભાવિક જ પોતાના સ્થાન ઉપર પાછા પહોચી ગયા હતાં. બીજા દિવસે જયારે તે યાત્રિકોએ તે ગુફાની શોધ કરી ત્યારે તેમને તે સ્થાન જોવા ન મળ્યું.
૧૯. એકવાર એક કઠીયારાએ રતનબાગમાં કોઈ વાંદરાને કુહાડી મારી, તે કુહાડી જોગાનુજોગ કોઈ કુંડમાં પડવાથી સોનાની થઇ ગઈ, તે સ્થાનની ચોક્કસ નિશાની રાખીને તે કઠીયારો બીજે દિવસે તે સ્થાન શોધવા લાગ્યો ત્યારે પોતાની કરેલી નિશાની ન મળતાં તે રસ્તામાં ભૂલો પડી ગયો હતો.
૨૦. કાળી ટેકરીની આગળની ટેકરીને વલ્મિકી ઋષિની ટેકરી કહે છે. તે સ્થાનની આગળ જટાશંકર જવાનો રસ્તો આવે છે, તે માર્ગમાં પ્રથમ ‘પુતળીઓ ગોળો’ નામની જગ્યા આવે છે. તે સ્થાન ઉપર ચોખાના આકારના પથરાઓ જોવા મળે છે.
૨૧. ગબ્બર અથવા ગધ્ધેસિંહનો ડુંગર પાંચમીટૂંકના નૈરૂત્યખૂણામાં છે, ત્યાં શાશ્વતી પ્રતિમાઓ છે પરંતુ તેમાં કુંજ દ્રુહ નામનો ઝરો છે તેને તાંતણીયો ધરો પણ કહેવાય છે. આ ધરામાં રતનબાગમાંથી શુદ્ધ નિર્મળ જળ આવે છે અને અગાધ હોવાથી તેનો કોઈ પાર આવતો નથી તેથી તે શાશ્વતી પ્રતિમાના સ્થાન સુધી કોઈ પહોંચી શકતું નથી. આ તાંતણીયો ધરો બીલખા તરફ થઈને હોજતને મળે છે.
૨૨. ગબ્બર અને દાતારના ડુંગરની વચ્ચે નવનાથ, ૮૪ સિદ્ધની ટેકરી છે, તેને હાલ ટગટગીઆનો ડુંગર કહે છે. આ ટગટગીઆના ડુંગરથી રત્નેસર અને ત્યાંથી કાળીના મુકામે જવાય છે. આ ડુંગરમાં પૂર્વે ઘણા અઘોરીઓ રહેતા હતાં.
૨૩. ગિરનારના માર્ગમાં આવેલા દામોદરકુંડના પાણીમાં નાંખવામાં આવેલા હાડકાંઆપમેળે ઓગળી જાય છે અને તેમાં ભસ્મ નાંખવામાં આવે તો પણ તે પાણી શુદ્ધનું શુદ્ધ જરહે છે.
૨૪. ગિરનારના સહસાવન તરફના પોલા આંબાના વૃક્ષ પાસે એક ઝરણું વહેતું હતું. એક માણસ તે ઝરણાનું પાણી લેવા નીચે વળીને પાછો ઉભો થાય છે ત્યારે એક મહાકાય માનવ જેવી આકૃતિ તેની સામે જોઇને અટ્ટહાસ્ય કરી રહી હતી. તે દૃશ્ય જોઇને પેલો માણસ ગભરાટ સાથે ત્યાંથી ભાગી છુટ્યો હતો.
૨૬. ગિરનારમાં એવી વનસ્પતિ છે જેના મુળિયાને રાંધીને ખીચડી બનાવીને ખાવાથી છ-છ માસ સુધી માણસની ભૂખ ખલાસ થઇ જાય છે.
૨૭. ગિરનારમાં એવી વનસ્પતિ છે જેમાંથી દુધ નીકળે છે. તે દુધના ૩-૪ ટીપાં આપણા સાદા દુધમાં નાંખવામાં આવે તો પાંચ જ મિનીટમાં તે દહીં બની જાય છે.
૨૮. એકવાર યાત્રાળુઓ ગિરનાર ચઢી રહ્યા હતા ત્યારે સવારના સમયે કોઈ ઝાડીની ડાળી તોડીને દાતણ કરવા લાગ્યા અને થોડી જ વારમાં બધા દાંત પડી ગયા.
૨૯. જુનાગઢ ગામના એક શ્રાવક તથા તેના મિત્ર રતનબાગ તરફ જવાના માર્ગે આગળ વધી રહ્યા હતા, ત્યાં સામે આવેલી ઝાડીને હાથથી થોડી દૂર કરવાનો પ્રયાસ કરે છે ત્યાંતો ડાળી જાણે કે કોઈનો હાથ ન હોય! તેમ તે વ્યક્તિના મુખ ઉપર જોરથી લાફોમાર્યો ત્યારે તેમના આગળના ચાર દાંત પડી ગયા હતાં.
૩૦. એક યાત્રિક માર્ગ ભૂલી જતાં મુંઝવણમાં મુકાય છે ત્યારે શણગાર કરેલી એક સ્ત્રી તેને માર્ગ ચીંધે છે. તે આગળ ચાલવા માંડે છે ત્યારે તેને આગળ માર્ગ દેખાય છે. તે સમયે પાછળ જોતાં પેલી શણગાર સજેલી સ્ત્રી અલોપ થયેલી હતી.
આવી અનેક વાતો આ મહાપ્રભાવક, ચમત્કારી ગિરનાર ગીરીવારના ઈતિહાસ સાથે જોડાયેલી છે.