Change Language

કુંડ અને વાવ

ભીમકુંડ

આ ભીમકુંડ ઘણો જ વિશાળ છે. તે લગભગ ૭૦ ફૂટ લાંબો અને ૫૦ ફૂટ પહોળો છે. આ કુંડ ૧૫માં શતકમાં બનેલો હોવાનું જણાય છે. ઉનાળાની સખત ગરમીમાં પણ આ કુંડનું પાણી શીતળ રહે છે. આ કુંડની એક દિવાલમાં એક પાષાણમાં શ્રી જિનપ્રતિમા તથા હાથ જોડી ઉભા રહેલા શ્રાવક – શ્રાવિકાની પ્રતિમા કોતરેલી જોવા મળે છે.

પશ્ચિમ દિશા તરફ કુંડની પાળે પાળે આગળ વધતાં ઉત્તરાભિમુખ નીચે ઉતરવાના પગથિયા આવે છે. આ પગથિયા પૂરા થતાં નાગીમાતાની દેરીના નામે એક દેરી આવે છે. જેમાં સામે જ નીચેના ભાગમાં એક પાષણનો પિંડ જોવામાં આવે છે. તથા ડાબા હાથની દિવાલ ના ગોખલામાં શ્રી નેમિનાથ પરમાત્મા તથા જમણાહાથની દિવાલના ગોખલામાં શ્રી નેમિપ્રભુના શાશન અધિષ્ઠાયિકા અંબિકાદેવીની મૂર્તિ બિરાજમાન છે. આ ડેરીની ચોકીની છત ઉપરના અધૂરા ઘુમ્મટ ઉપરથી ડેરીના નિર્માણનું કાર્ય કોઈપણ કારણોસર અધૂરું મુકવામાં આવ્યું હોવાનું જણાય છે. ત્યાંથી આગળ વધતાં શ્રી ચંદ્રપ્રભ સ્વામીના જિનાલય સુધી જવાનો કેડીમાર્ગ આવે છે.

ગજપદ કુંડ

જય શ્રી શત્રુંજય તીર્થને સ્પર્શીને શ્રી રૈવત ગિરિને નમસ્કાર કરીને ગજપદકુંડમાં સ્નાન કરનારને ફરી જન્મ લેવો પડતો નથી.

આ ગજપદકુંડ ગજેન્દ્રપદ કુંડ તથા હાથી પગલાંનો કુંડ નામે પણ ઓળખાય છે. આ કુંડનો ઉલ્લેખ ૧૩ થી ૧૫માં શતક સુધીમાં રચાયેલ ગિરનાર સંબંધી લગભગ તમામ જૈન સાહિત્યમાં મળે છે. તે ઉપરાંત સ્કન્દપુરાણ અંતર્ગત પ્રભાસખંડમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે. આ કુંડના એક થાંભલામાં જિનપ્રતિમા કોતરવામાં આવેલી છે.

શ્રી શત્રુંજય મહાત્મ્ય અનુસાર શ્રી ભરતચક્રવર્તી, ગણધરભગવંતો પ્રતીષ્ઠાર્થે ગિરનાર આવેલા ત્યારે શ્રી નેમિજિન પ્રાસાદની પ્રતિષ્ઠા કાજે ઇન્દ્ર મહારાજા પણ ઐરાવણહાથી ઉપર આરૂઢ થઇ આવ્યા હતા. તે અવસરે પ્રભુના સ્નાત્રાભિષેક માટે ઐરાવણહાથી દ્વારા ભૂમિ ઉપર એક પગ દબાવીને કુંડ બનાવ્યો હતો જેમાં ત્રણેય જગતની વિશિષ્ટ નદીઓના જળ આ કુંડમાં ઉતારી આવ્યા હતા. તે વિશિષ્ટ જળ વડે ઇન્દ્ર મહારાજાએ ભક્તિ કાજે પ્રભુના અભિષેક કરાવ્યા હતા.

આ અત્યંત પ્રભાવક જળના પાન તથા સ્નાન કરતાં અનેક રોગો નાશ પામે છે. જેમ કે ખાંસી, શ્વાસ, ક્ષય, કોઢ, જલોદર જેવા ભયંકર રોગો પણ શમી જાય છે. આ કુંડના જળથી સ્નાન કરી ભગવાનને જે અભિષેક કરે છે, તેના કર્મમલ દૂર થતાં તે પરંપરાએ મુક્તિપદને પામે છે.

આ કુંડમાં ચૌદ હજાર નદીઓના પ્રવાહ દેવના પ્રભાવથી આવે છે, તેથી આ ઘણો પવિત્ર કુંડ છે. આ કુંડનું પાણી મીઠું અને નીતરતા ઘી જેવું નિર્મળ છે. વિ.સં. ૧૨૧૫ના શિલાલેખ અનુસાર આ કુંડની ફરતી દિવાલ બાંધી તેમાં અંબિકાની અને અન્ય મૂર્તિઓ મુકયાનો ઉલ્લેખ જોવા મળે છે.

આ ગજપદકુંડના દર્શન કરી પાછા ફરતાં કુમાંર્પાલની ટૂંકની બારીમાંથી અંદર પ્રવેશ કરી શ્રી નેમિનાથજીની ટૂંકમાંથી બહાર નીકળીને પુનઃ ઉપરકોટ – દેવકોટ ના મુખ્યદ્વાર પાસેના રસ્તા ઉપર આવી શકાય છે. આ મુખ્યદ્વારની સામે મનોહરભુવન વાળી ધર્મશાળાની રૂમો પાસેથી સુરજકુંડ થઈને શ્રી માનસંગ ભોજરાજના દેરાસરે જવાય છે.

કમંડલ કુંડ

આ કમંડલ કુંડનું સંચાલન હિંદુ મહંત દ્વારા થાય છે. અહીં કાયમી અગ્નિધૂણો પ્રગટેલો રહે છે. અહીં આવનાર દરેક યાત્રિકો માટે વિનામૂલ્યે અન્નક્ષેત્ર ચાલે છે જ્યાં નિત્ય સેંકડો યાત્રિકો ભોજનની સગવડ પામે છે.

કમંડલકુંડથી નૈઋત્યખૂણામાં જંગલ માર્ગે રતનબાગ તરફ જવાય છે. આ રસ્તો ખૂબ વિકટ અને દેવાધિષ્ઠિત સ્થાન છે, જ્યાં આશ્ચર્યકારક વનસ્પતિ થાય છે. આ રતનબાગમાં રતનશીલા ઉપર શ્રી નેમિપ્રભુના દેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હોવાનો પાઠ પણ કોઈ ગ્રંથમાં જોવા મળે છે. શ્રી નેમિનાથ ભગવાન સાથે ૫૩૬ મહાત્માઓ નિર્વાણ પામ્યા હોવાથી તેઓનો અગ્નિસંસ્કાર પણ આ વિસ્તારમાં થયો હોવાનું સ્પષ્ટ સમજી શકાય છે.

આ કમંડલકુંડથી અનસુયાની છઠ્ઠી અને મહાકાલીની સાતમી કાલિકાટૂંક ઉપર જવાય છે.

દેડકી વાવ

શ્રી કુમારપાળના દેરાસરના પ્રાંગણમાં દેરાસરની પાછળની બાજુ એક વાવ આવેલી છે, તેનું નામ દેડકી વાવ છે, તેનું પાણી ક્યારેય ખૂટતું ન હતું એવી લોક વાયકા છે.અત્યારે તે વાવ નો કોઈ વિશેષ ઈતિહાસ જાણવા મળ્યો નથી.

જ્ઞાન વાવ

સંપ્રતિરાજાના જિનાલયની બાજુમાંથી નીચે ઉતરતા જ્ઞાનવાવનું દેરાસર આવે છે. તેની બાજુમાં જ્ઞાનવાવ આવેલી છે. આ વાવનો પણ વિશેષ ઈતિહાસ જાણવા મળ્યો નથી. પરંતુ પહેલાના કાળમાં જિનાલયના કાર્ય માટે આ રીતે વાવ દ્વારા પાણીનો સંગ્રહ કરવામાં આવતો હશે. પાણીના સંગ્રહમાટે વાવ બનાવી હશે એવું લાગે છે.

Join the mailing list for regular updates about Girnar!
x
Thank you! Your submission has been received!
Oops! Something went wrong while submitting the form.