આ અવસર્પિણીકાળમાં જંબુદ્વિપના ભરતક્ષેત્રના પહેલા તીર્થંકર શ્રી ઋષભદેવના પુત્ર ભરતચક્રવર્તી સંઘ કાઢી શત્રુંજયનો ઉધ્ધાર કરી રૈવતાચલ તરફ ચાલ્યા ત્યારે રૈવતગિરિ સુવર્ણ, રત્ન, માણેક, નીલમણી, સ્ફટિક જેવા પાષાણની કાંતિથી ભરેલો હતો. તેથી દિવસે પણ આકાશમાં તારા ચમકતા હોય તેવી શોભા લગતી હતી. વાળી સ્ત્રીને વિશે ચંદ્રમણીનાં સંગથી વહેતા અમૃતના ઝરણાઓ વડે વનસ્પતિઓ હમેશા લીલી જ રહેતી. ત્યાં પંચવર્ણ મણિની કાંતિથી ચિતરાયેલા વનવૃક્ષો નૃત્ય કરતાં મોર જેવા શોભતા હતા. તે પાવન ભૂમિ ઉપર ફળદ્રુપ કેળ તથા આંબાના વૃક્ષોના જાણે તોરણ ના બાંધ્યા હોય તેવી શોભાને ધારણ કરતાં હતાં. જ્યાં રાત્રે ઔષધિઓ દિવ્યપ્રકાશથી દિવડા જેવા પ્રકાશને ધારણ કરતી હતી.. ત્યાં કુંદ (ડોલર), વડ, બકુલ, અશોક, પીપળી, બીજોરા, દેવદાર, બેડા, બોરડી, ગરમાળો, અરીઠા, બીલી, રાતાંજલી, ખાખરો, આંબલી, સરગવો, પીપર વગેરે વૃક્ષો પોતાની છાયા ફળ, પત્ર અને પુષ્પોથી મનુષ્યોને પ્રમોદ પમાડતા હતા.
આજે પણ ગઢગિરનાર ગાઢા જંગલોથી ભરેલો છે. તેથી તેનું કુદરતી સૌંદર્ય ખુબજ મનોરમ્ય અને આકર્ષક લાગે છે. વળી ગિરનારગિરિના જંગલો વિવિધ પ્રકારની વનસ્પતિ અને ઔષધિઓથી સરભર છે. એક જમાનામાં ગિરનાર પર્વત રોજ સવામણ સોનું આપતો હતો અને હાલ રોજ સવા શેર સોનું આપે છે એમ કહેવાય છે. જામફળ, કેરી, સીતાફળ, પપનસ વિગેરે ઘણી જાતના ફળો ગિરનારની નીચાણની જમીનમાં થાય છે. સહસાવન, ભરતવન અને બાળાવનમાં આંબાના પુષ્કળ ઝાડ છે. ગિરનાર ચઢવા ઉતારવાના રસ્તામાં ખાખરા, સાગ, કરમદા, કરંજાદી, પીપળો અને ગુલરના ઝાડજ્યાં નગર નાખો ત્યાં જોવા મળે છે. માળી પરબથી ઉંચે જતાં કરમદી, ગુલર, મચકુંદ, જાઈની વેલો ઘણી નજરે પડે છે. હનુમાનધારા જતાં પાંદડીના ઝાડ પુષ્કળ છે. ગિરનારના જંગલમાં અંદાજે ૭૦૦ જેટલી ફુલવાળી વનસ્પતિ, વૃક્ષ, છોડ, વેળા અને કંદનાં રૂપમાંજોવા મળે છે.
ભદ્રશાલ વગેરે વનમાં સર્વ ઋતુઓમાં બધી જાતના ફુલો ખીલેલા હોય છે. જળ અને ફળ સહીત ભદ્રશાલાદિ વનથી વીંટળાયેલો આ રમણીય ગિરનાર પર્વત ઇન્દ્રોનો એક ક્રીડાપર્વત છે. અહીં શિખર ઉપર રહેલા કલ્પવૃક્ષો યાચકોના સર્વ ઇચ્છિતને પૂરે છે. આ ગિરનાર મહાતીર્થમાં પુણ્યહીન પ્રાણીઓને નહી દેખાતી એવી સુવર્ણસિદ્ધિ કરનારી અને સર્વઇચ્છિતફળને આપનારી રસકૂપીકાઓ રહેલી છે. તથા આ તીર્થની માટીને ગુરુગમના યોગથી તેલ અને ઘીની સાથે ભેળવીને અગ્નિમાં તપાવવાથી તે સુવર્ણમય બની જાય છે.
જગતમાં કોઈ પણ શાશ્વતી દિવ્ય ઔષધિઓ, સ્વર્ણાદિ સિધ્ધિઓ અને રસકૂપીકાઓ નથી કે જે આ ગિરનાર ગિરિવર ઉપર ના હોય.
માટે ગિરનાર ગિરિવરનાં પવિત્ર શિખરો, સરિતાઓ, ઝરણાંઓ, ધાતુઓ અને વૃક્ષો સર્વ પ્રાણીઓને સુખ આપનારા થાય છે.
ગિરનાર વન વિસ્તારની વનસ્પતિ અને વન્યજીવોના સંવર્ધન અને સંરક્ષણના યોગ્ય ઉપાયોથી વનસંપદા અને વન્યજીવોથી ધબકતો રહે છે. ગિરનાર ઉપર સિંહ, દિપડા, હરણ, સાબર, રોઝ, વાંદરા, નીલગાય, ચિત્તલ, જંગલીભૂંડ જેવા ઘણા પ્રાણીઓ નિર્ભયપણે વસે છે.
ગિરનારના જંગલમાં છેલ્લી ઈ.સ.૧૯૯૫ની વન્ય પ્રાણીઓની વસ્તી ગણતરી પ્રમાણે ૧૩ જેટલા સિંહ તથા સિંહ પછીનું હિંસકપ્રાણી દીપડો જે ઘણા લુચ્ચા અને સ્વાર્થી કહેવાય તે દિપડા પ્રાયઃ ૧૬ જેટલા હતા. જે ઉંચા ઝાડ ઉપર કે બખોલમાં જોવા મળી શકે છે. હરણ – ૭, ચિત્તલ – ૫, સાબર – ૯૪, નીલગાય – ૯૪, અને જંગલીભૂંડ – ૧૭૪જેટલા હતા. આ સિવાય જંગલીબિલાડી, વાંદરા, શિયાળ, સસલા, નોળિયો, કાચબો જેવા ઘણા પ્રાણીઓ અહીં નિશ્ચિત મને વસે છે. મોર, તેતર, બગલા, ગીધ, ચકવો, ઘુવડ, બાજ, મેના,લક્કડખોદ જેવા ઘણા પક્ષીઓ અહીં વસે છે. પાટલાઘો, ચંદનઘો, મગર, નાગ, ચિતળ, અજગર, કાળોતરો જેવા પેટે છલ્નારા પ્રાણીઓ પણ અહીં સારા પ્રમાણમાં વસે છે.
સમુદ્રમાં થતા શંખના જીવો અહીં ચોમાસાની ભેજવાળી આબોહવામાં ગિરનાર મહાતીર્થ ઉપર શ્રી નેમિનાથ પ્રભુના ચૈત્યની દિવાલો ઉપર અગણિત સંખ્યામાં ઉત્પન્ન થયેલા જોવા મળે છે જે બહુ મોટી અજાયબી છે.