Change Language

ગુફાઓ

રાજુલ ગુફા

મલ્લવાળા દેરાસરથી દક્ષિણદિશા તરફ થોડા પગથિયાં આગળ જતાં પથ્થરની એક મોટી શીલા નીચે બખોલ જેવા ભાગમાં નીચા નમીને જવાય છે. જ્યાં લગભગ દોઢ થી બે ફૂટની ઉંચાઈની રાજુલ – રહનેમિની મૂર્તિ સ્થાપિત કરેલી હોવાથી આ સ્થાન રાજુલની ગુફાના નામે ઓળખાય છે.

પ્રેમચંદજી ગુફા

રાજુલની ગુફાથી બહાર નીકળી દક્ષિણદિશા તરફની કેડીની વાટે આગળ જતાં ડાબા હાથ તરફ સાતપુડાના કુંડ તરફ જવાની કેડી આવે છે અને જમણા હાથ તરફ વિકટમાર્ગે ઝાડીઓની વચ્ચેથી નીચે ઉતરતાં ઉતરતાં પહાડના છેડે એક મોટી શિલા નજરે ચડે છે. જેની નીચે આ પ્રેમચંદજીની ગુફા આવેલી છે. આ ગુફાની બાજુમાં જ ખીણ હોવાથી ખૂબજ સાવચેતી પૂર્વક આ ગુફાના દ્વારમાં પ્રવેશ કરવો પડે છે. આ ગુફામાં અનેક મહાત્માઓએ સાધના કરેલી છે, જેમાં શ્રી પ્રેમચંદજી મહારાજ નામના સાધુએ અહી ઘણા લાંબા સમય માટે સાધના કરેલી છે. આ મહાત્મા યોગવિદ્યામાં ખૂબજ કુશળ હતા. પોતાના ગુરૂભાઈ શ્રી કપુરચંદજીને શોધવા માટે આવ્યા હોવાથી આ સ્થાને રહ્યા હતા. આ કપુરચંદજી મહારાજ વિષે એવું જાણવા મળે છે કે તેઓ અનેકરૂપ ધારણ કરી શકતા હતા અને અનેક સ્થાને જવા માટે તેમની પાસે આકાશગામિની વિદ્યા પણ હતી. આ ગુફા શેઠ દેવચંદ લક્ષ્મીચંદની પેઢી ની માલિકીની છે. જેમાં વખતોવખત જરૂરી એવું સમારકામ પણ ભૂતકાળમાં આ પેઢી દ્વારા જ કરાવવામાં આવેલ છે. (શેઠ દેવચંદ લક્ષ્મીચંદની પેઢીની તળેટીની જગ્યામાં ભાતાખાતાની પાછળ આ પ્રેમચંદજી મહારાજના પગલાની દેરી બનાવવામાં આવેલ હતી. જેમાં વિ.સં. ૧૯૨૧ નો લેખ જોવા મળે છે તેની બાજુમાં દયાલચંદજી મહારાજના પગલામાં વિ.સં. ૧૯૨૨ ની સાલનો લેખ જોવા મળે છે. હાલ આ બંને પગલાં ત્યાંથી ઉત્થાપન કરી અન્ય સ્થાને પધરાવવામાં આવેલ છે.) આ ગુફાની બારોબાર કેડી માર્ગે પૂર્વદિશા તરફ આગળ વધતાં પાટવડને નાકે થઇ બીલખા જવાય છે.

શ્રી પ્રેમચંદજી મહારાજની ગુફાથી પાછા મુખ્યસીડી માર્ગે ભેગાં થઇ લગભગ ૯૦ પગથિયા ચઢતાં ચૌમુખજીનું દેરાસર આવે છે. રસ્તામાં જમણી બાજુ દિગંબર સંપ્રદાયનું મંદિર આવે છે.

Join the mailing list for regular updates about Girnar!
x
Thank you! Your submission has been received!
Oops! Something went wrong while submitting the form.