ગિરનાર મહાતીર્થનો મહિમા દરેક ધર્મમાં જુદી– જુદી રીતે ગવાયેલો છે. હિંદુ – મુસ્લિમ – જૈન વગેરે દરેક ધર્મની આસ્થનું સ્થાન છે. ગીરનાર ગિરિની પરીક્રમાના રસ્તામાં જોવા મળેલા ઘણા અલૌકિક વૃક્ષો, ઝરણા, કોતરો, અનેવિશિષ્ટ એવા એકદમ શાંત પ્રદેશો પણ છે. નજીકનો સંપૂર્ણ જંગલ વિસ્તાર પવિત્રતાનો આભાસ કરાવે તેવો છે. હિંદુ ધર્મના ઘણા સંતોની અગમ્ય વાતો આ પ્રદેશો સાથે સંકળાયેલી છે. જિનશાસનમાં પણ આ તીર્થ ખુબ મોટી શ્રદ્ધાનું સ્થાન છે. ઘણા ચારણ મુનિભગવંતો વિશિષ્ટ સાધનાર્થે રહેલા છે. આ તીર્થમાં થયેલા અનંતા કલ્યાણકના અત્યંત પવિત્ર આંદોલનો આજે પણ અનુભવાય છે. આ તીર્થના પવિત્ર પરમાણું સામાન્ય જીવમાં પણ સહજતાથી ત્યાગના પરિણામોને પુષ્ટ કરનારા છે, સાધનાને ઘણી સઘન બનાવનારા છે.
આત્માનુભૂતિના માર્ગને ખૂબ સરળતાથી પ્રાપ્ત કરાવનારા છે. અનંતા યોગીઓ આ તીર્થના બળથી સિદ્ધિને પામ્યા હતા, પામે છે અને પામતા રહેશે. યોગી પુરુષોની સિદ્ધિ અને લબ્ધિની પ્રાપ્તિ શ્રદ્ધાગમ્ય છે, બુદ્ધિગમ્ય નથી. અતૂટ શ્રદ્ધાથી તીર્થની અને પરમાત્માની ભક્તિ – આરાધના – ઉપાસના કરનાર સાધકને નિશ્ચે અનુભૂતિ થાય છે. આપણને આ ઉત્તમ તીર્થનું સાનિધ્ય ખૂબ સહજતાથી પ્રાપ્ત થઇ ગયું છે. આત્મભાવની પ્રાપ્તિ માટે હંમેશા અતૂટ શ્રદ્ધાથી આ તીર્થની ઉપાસના કરતા રહીએ એ જ અંતરની અભિલાષા.