Change Language

અશોકચન્દ્ર

જંબુદ્વીપના ભરતક્ષેત્રની ભોમકા ઉપર ચંપાપુરી નામની નાની પણ રળિયામણી નગરીમાં પૂર્વકૃત અશુભકર્મોના તીવ્રોદયના કારણે દીર્ઘકાલીન દરિદ્રતાના દર્દથી શોકાતુર એવો અશોકચંદ્ર નામનો ક્ષત્રીય વસતો હતો. નિધનપણાની વસમી વ્યથાથી અત્યંત કંટાળી ગયેલો તે સતત ઉદ્વેગ અનુભવતો એક સ્થાનથી બીજે સ્થાને ભટકી રહ્યો હતો.          

અનાદિકાળના અશુભકર્મના ઘનઘોર વાદળોના અંધકારને ભેદનારા તેજસ્વી પ્રકાશનું આગમન થતું હોય તેમ માર્ગમાં તપના તાપથી તપાવેલ કંચનવર્ણી કાયા ધારણ કરેલ એક મુનિવરનો મેળાપ થયો. મહાત્માના દર્શન થતાં જ નમસ્કાર કરી અશોકચંદ્રે પોતાની દરિદ્રતા નાશ કરવાનો ઉપાય પૂછ્યો ત્યારે મહાત્માએ કહ્યું કે, “હે વત્સ! આત્મા પૂર્વજન્મોમાં ઉપાર્જિત કરેલાકર્મને આધીન બની સુખ દુઃખનો અનુભવ કરતો હોય છે.” તે રીતે તારા પૂર્વભવોના કરેલા દુષ્કૃત્યોના ફળરૂપે જ તારું આ દરિદ્ર જણાય છે. તેથી અન્ય ઉપાયોને બંધ કરી એક માત્ર રૈવતગિરિ મહાતીર્થની સેવાભક્તિ કરવામાં આવે તો અત્યંત અલ્પકાળમાં ભવોભવના અશુભ કર્મોના ભુક્કા બોલી જાય છે.

મહામુનિભગવંતના વચનો સાંભળી અશોકચંદ્રે રૈવતગિરિ તરફ પ્રયાણ આદર્યુ. મહાતીર્થને ભેટવાના મનોરથ સાથે એક – એક ડગલે અનેક જન્મોના અશુભકર્મો ખપાવતો અશોકચન્દ્ર મહાતીર્થના પરમ સાન્નિધ્યને પામ્યો. મહાતીર્થના આવા પ્રભાવને મુનિવરના મુખકમલથી સાંભળીને અશોકચન્દ્રએ તો રૈવતગિરિના ઉચ્ચ શિખરે ધૂણીધખાવી સ્થિરચિત્તે તપયજ્ઞની ઘોર સાધનાને આદરી. તપના પ્રભાવથી ગિરનાર મહાતીર્થના અધિષ્ઠાયિકા અંબિકાદેવી પ્રસન્ન થયા અને જેના સ્પર્શમાત્રથી લોખંડ પણ સુવર્ણ બની જાય તેવો દરિદ્રતા દૂર કરનારો પારસમણી અશોકચંદ્રને આપ્યો. પારસમણીના પ્રગટ પ્રભાવથી અશોકચંદ્રે રાજ્યની પ્રાપ્તિ કરી. સંપત્તિના પ્રભાવે પામેલ ભોગ વિલાસની સામગ્રીમાં ચકચૂર બનેલો અશોકચંદ્ર એક દિવસ અચાનક વિચારે છે કે, “રૈવતગિરિ મહાતીર્થ તથા શાસન અધિષ્ઠાયિકા અંબિકાદેવીના પુણ્યપ્રસાદથી આજે આ રાજવૈભવાદિ પ્રાપ્ત થયા છે તેમાં આસક્ત બનેલો હું તે ઉપકારીનું સ્મરણ પણ કરતો નથી! ધિક્કાર છે મારી જાતને! હું કેવો કૃતઘ્ન બન્યો!”

પસ્તાવાના નિર્મળ ઝરણામાં સ્નાન કરતો અશોકચંદ્ર પોતાની સકલ રિદ્ધિ – સિદ્ધિ સાથે ઠાઠમાઠથી સંઘ તથા સ્વજનોથી પરિવરેલો અનેકવિધ સુકૃત કરતાં – કરતાં પ્રથમ શત્રુંજયગિરિની યાત્રા કરી અનંતા તીર્થંકરોની સિદ્ધભૂમિ એવા રૈવતગિરિ મહાતીર્થની યાત્રાર્થે ગયા. ગિરિઆરોહણ કરી મહાપ્રભાવક એવા ગજ્પદ કુંડના પવિત્ર જળ વડે શ્રી નેમિપ્રભુની સ્નાત્રવિધિ સહિત પૂજા ભક્તિ કરી. ત્યારબાદ અંબિકાદેવીને પુષ્પાદિસહિત પૂજીને વૈરાગ્યવાસિત અશોકચંદ્રે વિચાર્યું કે, “અરે! આ રૈવતગિરિ મહાતીર્થના મહાપ્રભાવથી હું છેલ્લા ત્રણસો વર્ષથી અનેક રિદ્ધિ – સિદ્ધિ અને રાજવૈભવ ભોગવી રહ્યો છું. હવે મારે અવિનાશી એવા મોક્ષ સુખની પ્રાપ્તિ કરવી છે. વૈરાગ્યના વિચારથી વાસિત અશોકચંદ્રે રાજ્ય વહીવટ પોતાના પુત્રને સોંપીને શ્રી નેમિનાથ પરમાત્માના ચરણનું શરણ સ્વીકારી આત્મસાધનામાં લાગી ગયા. ભવોભવના કર્મોનો ક્ષય કરવા રૈવતગિરિના પરમ સાન્નિધ્યમાં રહેવા લાગ્યા. તપાગ્નિ દ્વારા સર્વ કર્મમળને તપાવી શુભધ્યાનની ઉજ્જવળ જ્વાળા પ્રગટાવી સર્વઘાતી કર્મોને ભસ્મીભૂત કરી કૈવલ્યલક્ષ્મીને પામ્યા અને ત્યાં જ શેષ રહેલા સર્વ અઘાતી કર્મોનો પણ નાશ કરી રૈવતગિરિની રળિયામણી ભૂમિ ઉપર મોક્ષપદને પામ્યા.

શ્રી રૈવતગિરિ મહાતીર્થની સેવા ભક્તિ દ્વારા મનુષ્યો આ જન્મમાં તો સઘળી સંપદાને પામે છે, વળી પરભવમાં સદ્ ગતિ અને અંતે પરમગતિને પામે છે. અરે! પાપીમાં પાપી જીવો પણ આ તીર્થના પ્રભાવથી પાપ મુક્ત થાય છે. આ તીર્થનો મહિમા અપરંપાર છે.

Join the mailing list for regular updates about Girnar!
x
Thank you! Your submission has been received!
Oops! Something went wrong while submitting the form.