આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રને વિશે શ્રાવસ્તી નગરીમાં સર્વગુણોથી અલંકૃત વજ્રસેન રાજા રાજ્ય કરતો હતો. તેને શીલવતી એવી સુભદ્રા રાણી હતી. તેની કુખે પુત્ર અવતર્યો તેનું નામ ભીમસેન રાખ્યું. આ ભીમસેન અત્યંત દુષ્ટ પ્રકૃતિવાળો અને સાતે વ્યાસનમાં ચકચૂર હતો.
અન્યદા રાજા વજ્રસેને ભીમસેનને યુવરાજપદ આપ્યું. ત્યારથી ભીમસેન બેફામ રીતે પરસ્ત્રી અને પરદ્રવ્ય લૂંટવા લાગ્યો જેથી ત્રાસ પામેલા નગરજનોએ રાજા વજ્રસેનને ભીમસેનના દુરાચારની ફરિયાદ કરી. રાજાએ પ્રજાની ફરિયાદ સાંભળી ભીમસેનને આ દુરાચારોથી વારવા સારી રીતે હિતશિક્ષા આપી. પરંતુ ભીમસેનને તો પથ્થર ઉપર પાણીની જેમ તેના દુરાચારો ચાલુ જ રાખ્યા. વળી દુરાચારોનું પ્રમાણ વધી જતાં રાજાએ ભીમસેનને કારાગૃહમાં પૂરી દીધો.ત્યાં રહેવાછતાં એક વખત કુમિત્રોની ખોટી શિખામણોથી પ્રેરાઈને ક્રોધાવેશમાં તેણે પોતાના માતાપિતાની હત્યા કરી. સ્વયં રાજગાદી ઉપર બેસીને મદ્યપાનાદિ વ્યસનોમાં ચકચૂર બની સમગ્ર પ્રજાને રંજાડવા લાગ્યો. ભીમસેનના અત્યાચારથી કંટાળી ગયેલા સર્વ સામંતો, મંત્રીઓ તથા પરિવારજનોએ તેને કપટપૂર્વક પકડીને ગાઢ અટવીમાં મૂકી આવ્યા. સર્વશાસ્ત્ર અને ન્યાયમાં ચતુર તથા સર્વજનસંમત એવા તેના જયસેન નામના લઘુબંધુને શુભમુહૂર્તે રાજગાદી ઉપર સ્થાપિત કર્યો.
આ તરફ દેશનિકાલ કરાયેલો ભીમસેન ઘણો સમય દેશાંતરમાં રખડ્યો. સ્થાને – સ્થાને પોતાના દુષ્ટાચરણને કારણે બંધન તથા પ્રહારો પામ્યો.એકવાર પૃથ્વીપુરનગરમાં ઈશ્વરદત્ત નામના વેપારીને ત્યાં નોકરીમાં રહ્યો. ઈશ્વરદત્ત વેપારી વેપાર માટે સમુદ્રવાટે ગયા ત્યારે ભીમસેન પણ તેમની સાથે ગયો. એક રાતે પરવાળાના અંકુરોના અગ્રભાગમાં ખૂંચી ગયેલ વહાણ કેમે કરી બહાર ન નીકળતાં અન્ન –પાણી ખૂટી ગયા. તેથી ઈશ્વરદત્ત પંચ પરમેષ્ઠિનું સ્મરણ કરી સમુદ્રમાં ઝંપાપાત કરવા તૈયાર થયા તે અવસરે ત્યાં સામે રહેલા પર્વતના અધિષ્ઠાયક દેવે પોપટના રૂપે ત્યાં આવીને કહ્યું કે, “કોઈ એક વ્યક્તિ મરણની તૈયારી સાથે સમુદ્રમાં પડી તરીને સામેનાં પર્વત ઉપર રહેલા ભારંડપક્ષીને ઉડાડશે તો તેની પાંખના પવનથી તમારું જહાજ પરવાળાની પક્કડમાંથી છૂટી ચાલવા લાગશે.” આ વાત સાંભળી ઈશ્વરદત્તે સર્વને કહ્યું કે, “જે આ કાર્ય કરશે તેને હું સો દીનાર આપીશ. ધનના લોભથી ભીમસેન તૈયાર થયો. પોપટના કહેવા પ્રમાણે સમુદ્રમાં કૂદી પડી તરીને પર્વત પર જઈ ભારંડ પક્ષીઓને ઉડાડ્યા જેથી વહાણ ચાલવા લાગ્યું.
હવે તે ભીમસેને યક્ષને જીવન બચાવવાનો ઉપઆય પૂછ્યો ત્યારે યક્ષે કહ્યુંકે, “તું ધીરજ ધરીને સમુદ્રમાં ઝંઝાપાત કર! ત્યાં મત્સ્ય તને ગળીને સમુદ્રતીર તરફ જશે, ત્યાં જઈને ફૂંફાડા કરશે ત્યારે આ દવા તેના ગળામાં નાંખવાથી ગળામાં મોટું કાણું પડશે તેમાંથી બહાર નીકળી સમુદ્ર તટ પર તારે જ્યાં જવું હશે ત્યાં જવાશે.” આ પ્રમાણેનો ઉપાય અજમાવીને ભીમસેન સિંહલતટે પહોંચ્યો. ત્યાં ક્ષુધા – તૃષાથી પીડાતો જળ અને ફળાદિ ગ્રહણ કરી ફરવા લાગ્યો ત્યાં તેને એક ત્રીદંડી સાધુ મળ્યો. સાધુને પ્રણામ કરી ભીમસેને પોતાની દુઃખ ભરી કથની કહી. તે સાંભળી કપટમાં પંડિત એવો તે ત્રિદંડીસાધુ ભીમસેનને આશ્વાસન આપી સિંહલદ્વીપની રત્નખાણમાં રત્ન ગ્રહણ કરવા માટે લઇ ગયો. વદ ચૌદશની અંધારી રાતે તે ત્રિદંડીમુનિ ભીમસેનને રત્નની ખાણમાં ઉતારી રત્નો કઢાવવા લાગ્યો. ત્યારબાદ તે રત્નોને ગ્રહણ કરીને દુષ્ટ ત્રિદંડીમુનિ દોરડું કાપીને ત્યાંથી પલાયન થઇ ગયો. એકદા ભીમસેનને તે ખાણમાં એક કૃષ માણસ મળ્યો. તેણે બતાવેલા ઉપાય દ્વારા ભીમસેન રત્નચંદ્રદેવના સેવકની સહાયથી ખાણમાંથી બહાર નીકળ્યો.
કેટલાક દિવસો બાદ ભીમસેન સિંહલદ્વીપના મુખ્ય નગર ક્ષિતિમંડનપુરમાં આવ્યો. ત્યાં કોઈ એક શ્રેષ્ઠીની વખારમાં સેવક તરીકે કામ કરવા લાગ્યો. ત્યાં પણ પૂર્વની ચોરીની કુટેવને કારણે ચોરી કરતાં પકડાયો. તેથી નગરમાં ‘આ ચોર છે’ તેથી જાહેરાત ગલીએ ગલીએ ફેરવી શૂળીએ ચડાવવા લઇ ગયા. તે વખતે પૂર્વના કોઈ પ્રચંડ પુણ્યોદયે પૂર્વે મળેલા ઈશ્વરદત્ત શ્રેષ્ઠીએ તેને જોયો. પોતાના ઉપકારોની ઋણનીમુક્તિ અર્થે ઈશ્વર દત્તે રાજાને વિનંતી કરી ભીમસેનને છોડાવ્યો. ભીમસેન પણ ઈશ્વરદત્તની સાથે વહાણમાં પૃથ્વીપુર નગર આવ્યો. એક વખત કોઈ એક પરદેશીને ભીમસેને પોતાના દુ:ખની કથા કહી, ત્યારે પરદેશીએ કહ્યું કે, “તું મારી સાથે ચાલ આપણે રોહણાચલમાં રત્નની શોધ માટે જઈએ.” રોહણાચલ તરફ જતાં રસ્તામાં એક તાપસના આશ્રમમાં જટિલનામના વૃદ્ધ તાપસને જોઈ. તેમને નમસ્કાર કરી તેમના ચરણોમાં બેસી ગયો. તે વખતે જટિલતાપસનો મંગલ નામનો શિષ્ય આકાશમાર્ગે આવી ગુરુને પંચાંગ પ્રણિપાત કરી કહ્યું કે, “હે સ્વામિ! હાલ હું સોરઠદેશના શ્રી શત્રુંજય – ગિરનાર તીર્થની યાત્રા કરીને અહીં આવ્યો છું. તેના મહિમાનું વર્ણન કરવા કોણ શક્તિમાન છે! કેવળજ્ઞાનીઓ કેવળજ્ઞાન વડે તેના મહિમાને જાણી શકે પરંતુ વર્ણન કરવા સમર્થ નથી. તેમાં પણ રૈવતગિરિની સેવા થકી જીવોને સુખ – સંપત્તિ, ચક્રી અને શક્રાદિની રિદ્ધિ – સિદ્ધિ પણ હાથવેંતમાં પ્રાપ્ત થાય છે અને અલ્પકાળમાં તે આત્મા મુક્તિપદને પામે છે. આ રીતે મહિમા સાંભળી ભીમસેન અને પરદેશી રૈવતગિરિની યાત્રાનો નિશ્ચય કરી રોહણાચલ પર્વત તરફ આગળ વધ્યા. રોહણાચલ ઉપર જઈ વિધિપૂર્વક બે રત્નો ગ્રહણ કર્યા. એક રત્ન રાજકુળમાં સમર્પિત કરી બીજું રત્ન લઇ વહાણમાં અન્ય સ્થાને જવા પ્રયાણ કર્યું. સમુદ્રયાત્રા દરમ્યાન પૂનમના દિવસે સોળે કળાએ ખીલેલા ચંદ્રને જોઈને રત્નનું કે ચંદ્રનું કોનું તેજ વધારે હશે તેમ તુલના કરવા તારણ કાઢ્યું. પરંતુ અશુભકર્મોદયે તે રત્ન ભીમસેનના હાથમાંથી સમુદ્રમાં પડી ગયું. ત્યારે દુર્ભાગી ભીમસેન કરુણ આક્રંદ કરી મૂર્છા પામ્યો. સાથે રહેલા પરદેશીએ તેને આશ્વાસનભર્યા વચનો વડે શાંત પાડ્યો.
ભીમસેન પણ કંઇક ધીરતા ધારણ કરી સમુદ્ર માર્ગ પસાર કરી રૈવતગિરિ તરફ આગળ વધ્યા. કર્મ રાજા હાથ ધોઈને પાછળ પડ્યા હોય તેમ રસ્તામાં ભીમસેન અને પરદેશીના વસ્ત્રો, ભાથું, વિગેરે બધું લૂંટાઈ ગયું. તે છતાં પણ કષ્ટોને, દુઃખોને સહન કરતાં રૈવતગિરિ તરફ આગળ વધ્યા. ત્યાં માર્ગમાં એક મુનિ ભગવંતના દર્શન થયા. ભીમસેને પોતાની દુઃખભરી કથા કહી. ત્યારે મુનિભગવંતે કહ્યું કે, “હે ભીમસેન અનર્થની પરંપરાજનક આર્તધ્યાન ના કર. તારા વડે પૂર્વભવોમાં અઢાર ઘડી સુધી મુનિને પીડા પહોંચાડવામાં આવેલી તેના પ્રતાપે આજે આટલા વર્ષોથી તું દુઃખી થયો. હવે રૈવતગિરિની સેવા – ભક્તિ દ્વારા શેષકર્મોનો નાશ થતાં તું સર્વસંપત્તિનો સ્વામી બની સમગ્ર પૃથ્વીને જિનાલયોથી શોભાવી અંતે મુક્તિપદનો ભોક્તા બનીશ. તેથી લેશ પણ વિશાદ કર્યા વગર રૈવતાચલ તરફ પ્રયાણ કર.” ભીમસેન પણ અત્યંત હર્ષોલ્લાસ પૂર્વક રૈવતાચલ પહોંચ્યો. તે સમયે સંઘસમેત સંઘપતિ બનીને પોતાના લઘુબંધુ જયસેન રાજાને જિનાલયમાં પ્રદક્ષિણા ફરતા જોયા. બન્ને ભાઈઓ ભેટ્યા. હૈયામાં ઉછળતી આનંદની છોળો સાથે ભીમસેન, જયસેન, મંત્રીગણ અને સર્વલોક પરમાત્માની પૂજાસ્નાત્રાદી વિધિ પતાવી રાજ્ય તરફ ફર્યા.
જયસેને ભીમસેનનો ઠાઠમાઠથી પ્રવેશ કરાવ્યો. રાજગાદી પર મહારાજા ભીમસેનને સ્થાપન કર્યા. પરોપકાર વ્યસની એવા ભીમસેન રાજા ધર્મ-અર્થ-કામણે અબાધક રીતે રાજ્યનું પાલન કરવા લાગ્યા. પરંતુ પૂર્વ અવસ્થામાં આવેશમાં આવીને માતા-પિતાની હત્યાનું પાપ તેને ડંખતું હતું. સમયને સથવારે દિવસો પસાર થવા લાગ્યા. એકદા પોતાના ઉદ્યાનમાં એક વિદ્યાધર પુરુષ આવ્યા. તેમની પાસેથી શ્રી શત્રુંજયમહાગિરિ તથા શ્રી ઉજજ્યંતમહાગિરિની યાત્રાની વાત સાંભળી મહારાજા ભીમસેનને સ્મરણ થયું કે, “અહો! ધિક્કાર છે મને! જે રૈવતગિરિ મહાતીર્થનાં અચિન્તય પ્રભાવથી જ હું આજે આટલા સુખનો સ્વામી બન્યો છુ. તેનું જ સ્મરણ હું કરતો નથી. ઉપકારીના ઉપકારનું સ્મરણ કરવામાં ચૂકી ગયેલા તથા શોકાતુર બની વૈરાગ્ય પામેલા રાજા ભીમસેને રાજ્યનો સઘળો ભાર લઘુબંધુ જયસેનને સોંપી અલ્પ સેવક સમૃદ્ધિ સાથે લઈને રૈવતાચલ તરફ પ્રયાણ કર્યું. પ્રથમ સિદ્ધગિરિ મહાતીર્થ ઉપર યુગાદિ જિનની પૂજા – ભક્તિ સાથે અઠ્ઠાઈ મહોત્સવ કરી તે રૈવતગિરિ તરફ ચાલ્યા. ત્યાં કપૂર, કેશર, ઉત્તમચંદન, નંદનવનમાં થયેલ વિવિધ પુષ્પોથી શ્રી નેમિનાથ પરમાત્માની ઉત્સવપૂર્વક ભક્તિ કરી. અનુક્રમે દાન, શીલ, તાપ, ભાવ ભેદ રૂપી ચતુર્વિધ ધર્મની ઉત્કૃષ્ટ આરાધના કરી.
તે અવસરે જ્ઞાનચન્દ્રમુનિનો સમાગમ થતાં તેઓશ્રીની સુમધુર ધર્મવાણીનાં શ્રવણનાં પ્રભાવથી સંસાર પ્રત્યે વિરક્ત ચિત્ત બનેલા રાજા ભીમસેને દીક્ષા ગ્રહણ કરી. સંયમધર્મની સાધનામાં મગ્ન બનેલા રાજર્ષિભીમસેને જ્ઞાનશિલામાં દુષ્કર તપની આરાધના શરુ કરી. પૂર્વ અવસ્થામાં કરેલા મહાપાપકર્મના જથ્થાને તપાગ્ની દ્વારા ભસ્મીભૂત કરતાં એવા તે રાજર્ષિભીમસેન આ રૈવતગિરિ મહાતીર્થના પ્રચંડ પ્રભાવથી આઠમા દિવસે કેવલજ્ઞાન પામી અનુક્રમે સ્વઆયુષ્ય પૂર્ણ કરી શિવપદનાં સ્વામિ બન્યા.
આ મહાતીર્થના પ્રભાવથી મહાપાપી, મહાદુષ્ટ, એવા કુષ્ટરોગી પણ મોક્ષ સુખના સ્વામી બને છે. આ તીર્થ ઉપર કરેલ અલ્પદાન પણ અતિવૃદ્ધિ પામી મુક્તિરૂપી સ્ત્રી સાથે સંગમ કરાવે છે. આ રીતે આ તીર્થ ઉપર અનેક મુનિવરો પોતાના અશુભ કર્મોને ખપાવી શાશ્વતપદને પામ્યા છે.