સૃષ્ટિના શણગાર સ્વરૂપ શ્રીપુર નગર હતું, તેમાં પૃથુ નામનો ક્ષત્રિય રહેતો હતો. તેને ચંદ્રમુખી નામની ભાર્યા હતી. જેમ ચંદ્રમાં પણ કલંક હોય તેમ કમનસીબે અત્યંત દુર્ગંધથી ભરેલી દુર્ગંધ નામની તેની પુત્રી હતી. કર્મની વિચિત્રતાના કારણે યૌવનવયમાં તેનો કોઈ હાથ ઝાલવા તૈયાર ન હતું. કેટલાક સમયબાદ સોમદેવ નામના પુરુષ સાથે તેનું પાણી ગ્રહણ થયું. પરંતુ દેહમાંથી સતત વહેતી દુર્ગંધથી ત્રાસી ગયેલો સોમદેવ રાત્રીના સમયે અત્યંત ગુપ્ત રીતે દુર્ગંધાનો ત્યાગ કરીને ભાગી છૂટ્યો. પતિથી તિરસ્કાર પામતાં માતા –પિતા અને પરિવારજનો દ્વારા પણ તિરસ્કાર પાત્ર બની.
કર્મથી તિરસ્કાર પામેલાને કોણ વાત્સલ્ય આપે? ચારે તરફથી હડધૂત થતી દુર્ગંધા અશુભ કર્મોનો ક્ષય કરવા સ્વગૃહનો ત્યાગ કરી તીર્થધામોની યાત્રાએ ચાલી નીકળી. અનેક હિંદુ તીર્થધામોની સ્પર્શના કરવાં છતાં તેનો કર્મબોજ હળવો થયો નહી. જીવવાની હિંમત હારી ચૂકેલી મરણને શરણ થવાના પ્રયાસો આદરી સમુદ્રમાં ઝ ઝંપાપાત કરી મૃત્યુને ભેટવા નીકળી. ત્યારે અટવી પસાર કરતાં માર્ગમાં એક તાપસમુનિને જોઇને તેણે નમસ્કાર કર્યો. ત્યારે તાપસમુનિ પણ તીવ્રદુર્ગંધથી તેના પ્રત્યે દુર્ભાવ કેળવી વિમુખ થયા. તે અવસરે દુર્ગંધા પણ પોતાની જાત પર તિરસ્કાર કરતી. તાપસમુનિને કહેવા લાગી કે, “હે મહાત્મા! આપના જેવા રાગહીન પણ જો મારાથી વિમુખ થશે તો આ જગતમાં મારે હવે કોનું શરણ સ્વીકારવું? મારા આ પાપની શુદ્ધિ કેવી રીતે થશે?” તાપસે કહ્યું કે, “હે બાળા! આ વનમાં મારા ગુરુ કુલપતિ છે. તેમની પાસે જઈ તમારા દુખની વાત કરો તેઓશ્રી તમારી વિટંબણાનો ઉપાય બતાવશે. તાપસમુનિના આવા વચનો સાંભળી કંઇક ચેતનવાળી થયેલી તે દુર્ગંધા તાપાસની પાછળ – પાછળ ચાલીને કુલપતિના આશ્રમમાં ગઈ.
ઋષભદેવ પરમાત્માના ધ્યાનમાં લીન બનેલા કુલપતિની સમીપ આવીને તેણે નમસ્કાર કર્યા. તે વખતે કુલપતિએ પણ ક્ષણભર તેના દેહની દુર્ગંધ પ્રત્યે દુર્ભાવ દર્શાવી પૂછ્યું, “હે વત્સ! તારા દેહમાંથી આવી ભયંકર દુર્ગંધ કેમ પ્રસરે છે? આ ઘોર વનમાં તું દુઃખી થઈને શા માટે રખડે છે? કુલપતિના સાંત્વનભર્યા વચનો સાંભળી આંખોના અશ્રુને લૂંછતી દુર્ગંધાએ પોતાની દુઃખભરી કથની કહી. અને પોતાના દુઃખના નિવારણ માટે કુલપતિને ઉપાય પૂછવા લાગી. કુલપતિએ કહ્યુંકે, “હે વત્સ! હું કંઈ કેવળજ્ઞાની નથી કે તારા પૂર્વભવોના ક્યાં કર્મનો ઉદય તું ભોગવી રહી છે તે તને કહી શકું. પરંતુ તું શત્રુંજય મહાતીર્થની સ્પર્શના કરી રૈવતગિરિ તીર્થની યાત્રા કરવા જ! ત્યાં કેવલીભગવંતોએ પણ જેનો મહિમા ગાયો છે એવા ગજેન્દ્રપદ કુંડના નિર્મળ જળ વડે સ્નાન કરવાથી તારા અશુભ કર્મોનો ક્ષય થશે.”
કુલપતિના અમૃત વચનો સાંભળી હર્ષિત થયેલી દુર્ગંધાએ તેમના ચરણોમાં નમસ્કાર કર્યા. ત્યારબાદ શત્રુંજય અને ગિરનારનું સ્મરણ કરતાં – કરતાં તે શત્રુંજય પહોંચી. ગિરિરાજની ભક્તિ કરી તથા ઋષભદેવ પરમાત્માની ભાવથી પૂજા કરી તેણે રૈવતગિરિ તરફ પ્રયાણ આદર્યું. રૈવતગિરિની શીતળ છાયામાં આવી તેણે ઉત્તરદિશા તરફના માર્ગથી આરોહણ કર્યું. પરંતુ ભારે કર્મી તે દુર્ગંધાને ગજ્પદકુંડમાં સ્નાન કરવા માટે કે જિનભવનમાં પ્રવેશ કરતાં અટકાવાઈ. દુર્ગંધને કારણે તે પ્રવેશ પામવા અસમર્થ બની ત્યારે ગજદકુંડમાંથી બહાર લવાયેલા પવિત્ર જળ વડે નિત્ય સ્નાન કરવાથી સાતમાં દિવસે તે દુર્ગંધાનું દુર્ગંધપણું સંપૂર્ણ પણે નાશ પામ્યું અને સુગંધીપણાને પામી. ત્યારબાદ ગજ્પદકુંડમાં સ્નાન કરી ખૂબ ભક્તિભાવપૂર્વક જિનેશ્વર પરમાત્માની પૂજા કરવા ગઈ.
રૈવતાચલમંડાણ શ્રી નેમિપ્રભુની પૂજાના સદભાગ્યથી આનંદવિભોર બનેલી દુર્ગંધા જિન ચૈત્યની બહાર નીકળી ત્યાંજ તેણે કેવલીભગવંતનો સમાગમ થયો. પૂર્વભવના વૃતાંતને જાણવા ઉત્સુક બનેલી તેણે કેવલીભગવંતને પોતાના પૂર્વ ભવની કથા પૂછી. ત્યારે કેવલીભગવંતે કહ્યું કે, “હે ભદ્રા! તું પૂર્વભવમાં બ્રાહ્મણકુળમાં જન્મી હોવાથી અતિ શૌચવાદના કારણે તે શ્વેતાંબર જૈન સાધુ ભગવંતોની મશ્કરી કરી હતી. “હા! હા! આ શ્વેતાંબર સાધુઓ તો વનમાં રખડે છે અને સ્નાનશૌચ નહી કરતાં એવા દુર્ગંધથી ભરેલા હોય છે તથા ખૂબજ ઉજ્જવળ એવા વસ્ત્રોને પણપોતાના મલીન દેહ વડે મેલા કરે છે.” આવા વચનો ઉચ્ચારી જૈન શ્વેતાંબર સાધુ ભગવંતોની નિંદા – જુગુપ્સા કરવાના પાપના ઉદયે તું મરીને નરકમાં ઉત્પન્ન થઇ હતી. ત્યાંથી અનુક્રમે કૂકડી, ચાંડાલી, ગામની ભૂંડણ વિગેરે અનેક દુર્ગતિના દુષ્ટ ભવોમાં લાંબો કાળ ભમીને અંતે ઘણા કર્મોનો ક્ષય થતાં તું મહામૂલ્યવાન એવા આ માનવભવને પામી. પરંતુ તે જ કૃત્યના શેષ બાકી રહેલા થોડા કર્મોના પ્રબળ ઉદયે આ ભવમાં પણ તને આ દુર્ગંધીપણું અને દુર્ભાગીપણું પ્રાપ્ત થયું. હે દુર્ગંધા! આ તીર્થના મહાપ્રભાવથી આજે તારા અનેક જન્મોના અશુભ કર્મોનો ક્ષય થતાં તને સમ્યક્ત્વની પ્રાપ્તિ થયેલ છે. બોધિબીજનું વપન થયું છે. બસ! હવે આ તીર્થભક્તિરૂપી જળ વડે સતત તારા આત્માનું સિંચન કરવાથી અનંત સંસારભ્રમણનો અંત આવશે અને અંતે તું મોક્ષસુખના ફળને પ્રાપ્ત કરીશ.
કેવલી મુનિભગવંતના સુધારસનું પાન કરી આનંદવિભોર બનેલી દુર્ગંધાનું હૈયું નાચી ઉઠ્યું. તે કેવલી મુનિભગવંતના ચરણકમલમાં નતમસ્તકે ઝૂકી ગઈ.