Change Language

અંબિકા દેવી

સોરઠ દેશના આભરણ સમાન ગિરનારગિરિની દક્ષિણદિશામાં કૂબેર નામનું સમૃદ્ધ નગર હતું. દ્વારકાધીશ ત્રણખંડના અધિપતિ એવા કૃષ્ણમહારાજાનું સામ્રાજ્ય ત્યાં પ્રવર્તતું હતું. મનોહર વિદ્યાઓને ધારણ કરનાર દેવભટ્ટ નામનો બ્રાહ્મણ કૂબેરનગરમાં રહેતો હતો. તેની દેવલ નામની પત્ની હતી.જેનાથી તેમને સોમભટ્ટ નામના પુત્રની પ્રાપ્તિ થઇ હતી, કાળક્રમે કુમાર અને શૈશવ અવસ્થાઓને વટાવી સોમભટ્ટ યૌવન અવસ્થાને પામ્યો ત્યારે શીલાદી અનેક ગુણસમુહથી અલંકૃત અને સાક્ષાત લક્ષ્મી સમાન અંબિકા નામની કન્યા સાથે તેના લગ્ન થયા. સમય જતા દેવભટ્ટ બ્રાહ્મણ મરણ પામતા તેના આત્માની સાથે મિથ્યાત્વથી કલુષિત એવા તેમના ઘરમાંથી જૈન ધર્મપણ દૂર થયો. તેઓ નિરંતર શ્રાદ્ધના દિવસોમાં કાગડાને પીંડ આપવો, નિત્ય પીપળાની પૂજા કરાવી વગેરે પ્રવૃત્તિ કરવા લાગ્યા. ભદ્રક પરિણામવાળી અંબિકા તેમની સાથે રહેવા છતાં જૈન ધર્મમાં દ્રઢ રહી.

એક વાર દેવભટ્ટ બ્રાહ્મણના શ્રાદ્ધનો દિવસ હતો તેથી ઘરમાં ખીરાદિ વિવિધ ભોજન તૈયાર થતા હતા. તે અવસરે શમ અને સંવેગની સાક્ષાત મૂર્તિ સમાન એકમાસના ઉપવાસી એવા બે મુનિભગવંત તેમના ઘરે ભિક્ષાર્થે પધાર્યા. ક્ષમા અને તપના તેજથી તેજસ્વી એવા મુનિયુગલને નિહાળી ભક્તિ ભાવથી રોમાંચિત એવી અંબિકા અહોભાવથી વંદન કરી મનમાં વિચારે છે કે, “અહો! આજે આવા ઉત્તમ મુનિ ભગવંતના મારા ઘર આંગણે પગલા થતા મારું આંગણું પાવન થયું....મારા પુણ્યનો પ્રકર્ષ થયો...મુનિ ભગવંતના દર્શનથી મારા નેત્રો નિર્મળ થયા...હાલ મારા સાસુજી પણ ઘરમાં નથી અને મુનિ ભગવંતને પ્રાયોગ્ય નિર્દોષ ભોજનપણ તૈયાર છે. તો આ સુવર્ણ અવસરે મુનિ ભગવંતને વહોરાવું અને સુપાત્રદાનનો લાભ મેળવી મારા આ ભાવને સાર્થક બનવું.” આવા ઉત્ત્તમ ભાવોલ્લાસ સાથે અંબિકા મુનિ ભગવંતને ઘરમાં બોલાવી શુદ્ધ એવા અન્નપાનાદિનો લાભ આપવા આજીજીભરી વિનંતી કરે છે. નિસ્પૃહ એવા મુનિ ભગવંત ૪૨ દોષથી વર્જિત એવી ભિક્ષાને ગ્રહણ કરી ‘ધર્મલાભ’ પૂર્વક આશિષ આપી સ્વસ્થાને પાછા વળે છે. અંબિકાના ચિત્તમાં પણ સુપાત્રદાન રૂપી ઘંટનાદનો રણકાર ચાલુ જ રહ્યો. સતત પોતાને મળેલાં લાભની અનુમોદના કરતાં – કરતાં અંબિકાએ અઢળક પુણ્યરાશીનો સંચય કર્યો.

અંબિકાના હૈયાના ભવો આસમાને ચઢી રહ્યા હતા. તે અવસરે પાડોશમાં રહેલી સ્ત્રી મુનિદાનના દ્રવ્યને નિહાળી ઈર્ષ્યાથી સળગી ઉઠી. પોતાનું મોં વાંકુ કરી વિકૃત કરાયેલા ચહેરાવાળી સાક્ષાત્ રાક્ષસી હોય તેમ પોતાના ઘરમાંથી બહાર આવી. આજુબાજુના સઘળા પડોશીની વચ્ચે અંબિકાને ઠપકો આપવા લાગી, “હે સ્વચ્છંદચારિણી વહુ! તને ધિક્કાર થાઓ! આજે શ્રાધ્ધના દિવસે હજુતો પિતૃજનને પિંડદાન કર્યું નથી, દેવતાઓને પીંડ ધર્યા નથી, અને બ્રાહ્મણોને હજુ જમાડ્યા પણ નથી તેની પહેલા મુંડીયાઓને દાન આપીને તે તો સર્વ ભોજનને એંઠું કરી નાખ્યું.! આ તારી સાસુ ઘરમાં નથી તેથી તું આવું સ્વેચ્છાચારી વર્તન કરે છે? વૈશ્યકુળને યોગ્ય તારું આ આચરણ નથી? અંબિકાની સાસુને બોલાવી મોટે મોટેથી મીઠું – મરચું ભભરાવી અંબિકાએ મુનિને કરેલા દાનની વાત કહેવા લાગી. તેની સાસુ પણ ક્રોધાંધ બનીને અંબિકા ઉપર ફિટકાર વરસાવવા લાગી. અરે રે હીનકુલીન, દુષ્ટચારિણી! મારા જીવતેજીવ આ સ્વચ્છંદ વર્તન કેમ કર્યું? હું જીવતી છું છતાં તને આ દાન આપવાની સત્તા કોણે આપી? તે અવસરે અંબિકાનો પતિ સોમભટ્ટ પણ બ્રાહ્મણોને બોલાવીને સ્વગૃહે આવ્યો, ત્યારે તે પણ માતા અને પાડોશના વચનોથી ખૂબ જ રોષે ભરાયેલો અંબિકાની ઉપર તિરસ્કારની ઝડી વરસાવવા લાગ્યો. સૌના આવા કઠોર વચનોને સાંભળી મનથી અત્યંત દુઃખી થયેલી અંબિકા મૌનપૂર્વક પોતાના બે પુત્રને લઈને ઘરનો ત્યાગ કરી ચાલી નીકળી.

અંબિકા માર્ગમાં વિચારવા લાગી કે, “અહો! મેં મારા સાસુ – સસરાના વચનનું ઉલ્લંઘન કર્યું નથી, નિત્ય પતિની ભક્તિમાં તત્પર રહી છું, ઉભય કુળમાં ચર્ચાસ્પદ બને તેવું કોઈ અપ્રિય કાર્ય કર્યું નથી. અરે! આજના પર્વના દિવસે સાધુભગવંતોને નિર્દોષ ભિક્ષાનું દાન કરી ઉભયકુળને કલ્યાણકારી એવું કાર્ય કરવા છતાં મિથ્યાત્વથી અંધ બનેલા તેઓ મને નિરર્થક હેરાન કરે છે, શું મહામિથ્યાત્વનો ઉદય છે! આ મિથ્યાત્વી લોકો અનંત પુણ્યફળને આપનારા સુપાત્રદાનની નિંદા કરે છે પરંતુ હવે હું તેની જ અનુમોદના કરું. રૈવતગિરિ ઉપર જઈ ઇષ્ટદેવ એવા જિનેશ્વર પરમાત્માનું ધ્યાન ધરીને મારા અનંતાભવોના અશુભકર્મોનો નાશ કરવા નિરંતર તપશ્ચર્યા કરું.” આમ વિચારી સ્વસ્થ ચિત્તવાળી અંબિકા એક બાળકને કેડ ઉપર અને બીજાને હાથની આંગળી પકડાવી શ્રી નેમિપ્રભુનું ધ્યાન ધરતી રૈવતાચલ તરફ ચાલી. અનેક દુઃખોથી વ્યાકુળ એવી અંબિકા નગરની બહાર થોડેક દૂર પહોંચે છે ત્યાં કેડે બેઠેલો તેનો વિભુકર નામનો નાનો બાળક અતિતૃષા લાગવાથી રડવા લાગ્યો. ત્યાં તો આંગળી પકડીને ચાલતો શુભંકર નામનો બાળક ભૂખની પીડાથી રડવા લાગ્યો. સુકોમળ એવા બંને બાળકોની વેદનાની કીકીયારી સાંભળી અંબિકા અત્યંત બેબાકળી બની ગઈ. અને બાળકોના દુઃખથી અત્યંત દુઃખી એવી અંબિકા વિચારવા લાગી કે, “હે વિધાતા! મને ધિક્કાર થાઓ. હું મારા નિર્દોષ બાળકોની ભુખ અને તરસ પણ છીપાવવા માટે સમર્થ નથી. મારા પૂર્વભવોના કર્મોથી જ મારી આ દશા થઇ છે. પણ હે વિધાતા! ભલે મારા ઉપર બધા દુઃખ એક સાથે તૂટી પડે! હું આ બધા દુઃખોને સ્વીકારીને જ રહીશ! બસ! માત્ર જીનેશ્વર પરમાત્માનું શરણ જ મારા હૈયામાં સ્થાપિત થાઓ!” આ પ્રમાણે નિ:શ્વાસ નાખીને જ્યાં અંબિકા નીચે બેસે છે ત્યાં સામે એક સુંદર સરોવર જોયું અને પાકેલા પીળા આમ્રફળોની લુમો તેના હાથમાં આવીને પડી. આ પ્રમાણે પરમાત્માના શરણનું તત્કાળ ફળ નિહાળીને અંબિકા જિનધર્મમાં વધુ દ્રઢ પરિણામવાળી બની.

આ તરફ અંબિકાની સાસુ દેવલ ભોજનને એંઠું માનીને નવું ભોજન બનાવવા માટે જ્યાં તે વાસણો ખોલે છે ત્યાં તો સુપાત્રદાનના મહાપ્રભાવથી તે વાસણો સુવર્ણમાય બની જાય છે એને ભોજનથી સંપૂર્ણ ભરાઈ ગયેલા જુએ છે. આ ચમત્કાર જોતા જ દેવલ વિસ્મય પામીને વિચારે છે કે, “અરે! લક્ષ્મી જેવી વહુને મેં ખુબ જ કઠોર વચનો સંભળાવીને ઘરની બહાર કાઢી મુકાવી! મને ધિક્કાર છે!” આ જ સમયે આકાશવાણી થઇ કે, “અરે! અભાગિની! અંબિકાના સુપાત્રદાનના અંશ માત્ર જેટલું જ ફળ તને દેખાડ્યું છે. તેના પ્રચંડ પુણ્યનો વૈભવ તો અદભુત છે. આ સુપાત્રદાન દ્વારા તે દેવલોકમાં ઉત્તમ સ્થાનને પ્રાપ્ત કરશે.” આ સાંભળીને ગભરાયેલી દેવલ સોમભટ્ટને સકળ ઘટના જણાવે છે. માતાની વાત સાંભળીને અંબિકા પ્રત્યે આદર ભાવવાળો થયેલો સોમભટ્ટ ઉતાવળે પગલે અંબિકાને શોધવા નીકળી પડે છે. ત્યાં જંગલના રસ્તે આગળ ચાલતો સોમભટ્ટ દૂરથી બે બાળકો સાથે અંબિકાને જુએ છે. હૈયામાં સ્નેહના ભાવથી સોમભટ્ટ દૂરથી બૂમ પડે છે. સોમભટ્ટને પોતાની તરફ દોડતો આવતા જોઇને કર્મના યોગે અંબિકા ભય પામે છે. “નિશ્ચિત આ મને મારવા જ આવે છે. હું નિરાધાર છું. હવે તો મરણ એ જ મારું શરણ છે.” આવા વિચારોથી વિહ્વળ અંબિકા નજીકમાં કૂવાની પાળે આવીને અંદર કૂદી પડવા તત્પર બની બોલે છે, “શ્રી અરિહંત ભગવંત, શ્રી સિદ્ધ ભગવંત, શ્રી સાધુ ભગવંત અને શ્રી જિનપ્રણીત ધર્મનું જ મને શરણ હો!”. આ પ્રમાણે શ્રી ગિરનાર અને શ્રી નેમિનાથ પ્રભુનું સ્મરણ કરતા બે બાળકો સાથે કૂવામાં કૂદી પડે છે. તરત જ મારીને ઋદ્ધિમાન વ્યંતર સમૂહથી પૂજિત એવી દેવી તરીકે ઉત્પન્ન થઇ. બે બાળકો તેના બે રક્ષક દેવ તરીકે ઉત્પન્ન થયા. આ તરફ સોમભટ્ટ બે બાળકો અને અંબિકાને આ રીતે મરેલા જોઇને પોતાની ભૂલનો પશ્ચાતાપ કરતો ખુબ દુઃખી થાય છે. પોતાના જીવનને નિરર્થક માનતો સોમભટ્ટ પણ અંત સમયે અંબિકાનું સ્મરણ કરી કૂવામાં પડે છે. કઈક પુણ્ય સંયોગે મરીને તે અંબિકાદેવીના વાહનરૂપે સિંહ સ્વરૂપી દેવ થાય છે. અંબિકા દેવીએ અવધીજ્ઞાનના ઉપયોગ વડે પોતાના પૂર્વભવને નિહાળી જૈનધર્મના મહોપકારોનું સ્મરણ કર્યું અને દેવવિમાન દ્વારા પોતાના પરિવાર સાથે રૈવતગીરીના સહસાવનમાં પધાર્યા.

તે અવસરે આ તરફ સહસાવનમાં ‘વેતસ’ વૃક્ષની નીચે અઠ્ઠમ તપવાળા શ્રી નેમિનાથ પ્રભુને આસો વદ અમાસ (ગુજરાતી ભાદરવા વદ અમાસ) ની અંધારી રાત્રીએ ઘાતીકર્મને ભેદી નાખનાર કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઇ. ક્રોડો દેવતાઓએ મળીને સમવસરણની રચના કરી. પરમ પાવન નેમિનાથ પ્રભુએ સમવસરણમાં સિહાંસન ઉપર આરૂઢ થઇ દેશના આપી. અંબિકા દેવીએ પરિવાર સહિત પરમાત્માના વચનોરૂપી અમૃતનું પાન કર્યું. એક હાજર સેવકોથી સમેત વરદત્તાદિ રાજાઓએ સંયમ ગ્રહણ કર્યું. ૧૮ ગણધર સહીત વરદત્ત પ્રથમ ગણધર પદને પામ્યા. યક્ષિણી આદિ રાજ કન્યાઓએ પણ દીક્ષા ગ્રહણ કરી. દશાર્હ આદિ મુખ્ય શ્રાવક અને તેમની પત્ની આદિ મુખ્ય શ્રાવિકા થયા. ઇન્દ્રમહારાજાએ અંબિકા દેવીની શાસનની અધિષ્ઠાયિકા દેવી તરીકે સ્થાપના કરી અને ગોમેધ નામના યક્ષરાજની શાસનના અધિષ્ઠાયક દેવ તરીકે સ્થાપના કરી.આજે પણ શ્રી અંબિકા દેવી જિનશાસનના પ્રચંડ પુણ્યશાળી સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા ગણને ધર્મ પરિણામમાં આગળ વધારવા સહાય કરે છે. મહામહિમાવંત ગિરનારગિરિની યાત્રા-ભક્તિ કરનાર ભક્ત ગણોને પણ સહાય કરે છે.

GODDESS AMBIKA

Raivatachal (Girnar mountain) was like a jewel of Saurashtra region. To its southern side was a city that was was…

Read More  

GODDESS YAKSHA

There was a pleasant and peaceful villagecalled Sugram on the glorious land of Bharat Kshetra…

Read More  
Join the mailing list for regular updates about Girnar!
x
Thank you! Your submission has been received!
Oops! Something went wrong while submitting the form.