Change Language

વસ્તુપાલ અને તેજપાલ

ગૌરવવંતા ગુર્જરદેશના ધોળકા નગરમાં વિરધવળરાજાની હકૂમત ચાલતી હતી. રાજા વીરધવળના મંત્રીશ્વર આશરાજ જૈન ધર્મી હતા. સુંહાલક નામના ગામમાં પોતાના પરિવારજનો સાથે રહેતા હતા. ધર્મપત્ની કુમારદેવીની કુક્ષીએ ત્રણ પુત્રરત્ન અને સાત પુત્રીઓ અવતર્યા હતા. તેમ અપન પૂર્વભવના કોઈ પ્રચંડ પુણ્યોદયે વસ્તુપાળ અને તેજપાળ તો બાલ્યવયથી જ અત્યંત તેજસ્વી અને પુણ્યવાન હતા. તે બંને ભાઈઓની અરસપરસની પ્રીતિ અનએ જિનેશ્વર પરમાત્માના શાસન અને ધર્મ પ્રત્યેની અડગ શ્રદ્ધા જોઇને તો ભલભલાને ઈર્ષ્યા થયા વિના ન રહે! યૌવનવયને પ્રાપ્ત કરતા વસ્તુપાળને લલિતાદેવી તથા તેજપાળને અનુપમાદેવી સાથે પરણાવ્યા. સમય જતા પિતા આશરાજ મૃત્યુ પામ્યા તેથી સપરિવાર તેઓ માંડલગામમાં આવીને વસ્યા. ત્યાં થોડા કાળમાં માતા કુમારદેવી પણ પ્રભુને શરણ થયા. સાક્ષાત્ ભગવાન તુલ્ય માતા – પિતાનો વિરહ આકરો લાગતા બંને બંધુઓ હૈયાને હળવું કરવા શ્રી સિદ્ધાચલ મહાતીર્થની યાત્રાએ જવા નીકળ્યા.

તીર્થાધીરાજ શ્રી શત્રુંજયગિરિરાજની જાત્ર કરી વ્યવસાયની શોધમાં ગામે ગામની ભોમકા ઉપર ભાગ્યના મંડાણ કરવા ડગ ભર્યા. તે દરમ્યાન મહારાજા વીરધવળ રાજ્ય વ્યવસ્થા માટે કોઈ પ્રજ્ઞાવાન પ્રધાન અને શૂરવીર સેનાપતિની શોધમાં હતા. તે જ વખતે જેમ ઝવેરી હીરાના મૂલ્યને પારખે તેમ ભરયુવાનીમાં પ્રવેશવા સાથે રાજસભામાં પગરવ માંડતા પુણ્યશાળીના લાલાટના લેખ વાંચી મહારાજાએ હર્ષોલ્લાસપૂર્વક વસ્તુપાળને ધોળકા અને ખંભાતનું મહામંત્રીપદ અને તેજસ્વી તેજપાળને રાજસૈન્યનું સેનાપતિપદ આપ્યું. ઉભયબંધુએ પોતાના શૌર્ય અને સમજણના સમન્વયથી રાજા અને પ્રજાના હૈયા સાથે રાજ ભંડારો છલકાવ્યા. પરમાત્માની આજ્ઞાને વફાદાર રહેલા બંને ભાઈઓની કીર્તિ સર્વત્ર ફેલાવા લાગી. અનેક જિનાલયના નિર્માણનો લાભ લઇ સદ્દગતિને સાધવાના પ્રયાસમાં રત રહેતા હોવાથી અવસરે ગિરનાર ગિરિવરની સંઘ સાથે યાત્રાનો અવસર આવ્યો.

આ તરફ ગામોગામથી ઉગ્રવિહાર કરી શ્રી નેમિપ્રભુના મિલનના મનોરથ સેવતા મહાત્માઓ ગિરનાર ગિરિવરની તળેટીએ પહોંચી ચૂક્યા હતા. અનંતા તીર્થંકરોના કલ્યાણકોની આ કલ્યાણકભૂમિના સ્પર્શની સંવેદનાઓ દ્વારા શિવપદની સાધના કાજે ગિરનારના સોપાન સર કરવા ડગ માંડી રહ્યા હતા. હૈયામાં હર્ષનો પાર નહોતો. પરંતુ એકાએક આસમાને ચડેલા તેમના અરમાનો પૃથ્વીતળે પટકાઈ ગયા. કદાવર કાયાના એક માણસે તેમને આગળ વધતાં અટકાવ્યા અને કહ્યું, “આ ગિરિરાજ ઉપર આરોહણ કરવું હોય તો પ્રથમ મૂંડકવેરો ભરવો પડશે. અન્યથા આગળ નહિ વધી શકો!” આશ્ચર્ય પામેલા મહાત્માઓ કહે, અરે ભાઈ! પ્રભુના દ્વારે પહોંચવા પૈસા ભરવાના હોય? અમે તો નિષ્પરિગ્રહી છીએ. અમારી પાસે પૈસા ક્યાંથી હોય? પણ આ દુરાગ્રહી માન્યો જ નહિ. મહાત્માઓ અત્યંત દુઃખ સાથે પાછા ફર્યા. બીજા દિવસે પણ એ જ પરિસ્થિતી રહી. મુનિવરો આ મૂંડકવેરાને સંપૂર્ણ રીતે નાબૂદ કરવાના મક્કમ વિચાર સાથે આવાસ તરફ પાછા ફર્યા.

બીજા દિવસની ઢળતી સંધ્યાએ વાયરામાં વહેતી વાતોમાં મુનિવરોના કને શબ્દો સાંભળવામાં આવ્યા કે ધોળકાનરેશના મહામંત્રીશ્વર વસ્તુપાળ સંઘ લઈને આવતીકાલે ગિરનાર મહાતીર્થની તળેટીમાં પધારી રહ્યા છે. મુનિવરોને તેમની ભાવના પૂર્ણ થવાના એંધાણ વર્તાવા લાગ્યા. આ મૂંડકવેરાની કનડગતની વાત વસ્તુપાળની જાણમાં જ હતી. પરંતુ ત્રીજા દિવસે પરિસ્થિતિનું નિરીક્ષણ કરતાં તેમને એટલો ખ્યાલ આવ્યો કે આ મામલો બળથી નહિ પણ કળથી પાર પડશે. મહાત્માઓને મંત્રીશ્વરે સંઘ સાથે જ યાત્રા કરવા વિનંતી કરી. મૂંડકવેરાને કોઈપણ રીતે દૂર કરવાના દાવ લગાવવાના વિચારમાં રહેલા મંત્રીશ્વરને જોઇને મહાત્માઓએ તક ઝડપી લીધી. મહાત્માઓએ કહ્યું કે, “પરમાત્માને ભેટવા માટે કર ચૂકવવો પડે આ વાત અત્યંત શરમજનક છે. આજે તો આપ અમને આ સંઘ સાથે યાત્રા કરવી દેશો પરંતુ ભવિષ્યમાં આ મહાતીર્થને દૂર દૂરથી ભેટવા આવતા મહાત્માઓનું શું?” આ વાતથી મંત્રીશ્વરના અંતરમાં પડેલી મૂંડકવેરો નાબૂદ કરવાની ચિનગારી હવે જ્વાળા બની ભભૂકી ઉઠી. મંત્રીશ્વરે સંમતિ દર્શાવતા કહ્યું, “હે મહાત્મા! આપ આજ્ઞા ફરમાવો આ સેવક તૈયાર છે. પ્રભુ શાસન માટે કેસરિયા કરવા પડે અને મારું મસ્તક પણ વાઢી નાંખવામાં આવે તો તે મારા જીવનની સુવર્ણપળ હશે.”

મહાત્માઓ અને મંત્રીશ્વરે આ અંગેના ઉપાયની ચર્ચા– વિચારણા કર્યા બાદ મુનિવરોએ ગિરિઆરોહણ કરવા માટે સોપાન ઉપર પગરવ માંડ્યા. ત્યાં જ પાછળથી અટકી જવાનો આદેશ છતાં દ્રઢમનોબળ સાથે મંદગતિથી આગળ વધ્યા. ફરી પાછળથી આક્રોશ સાથે રાડ પાડી ત્યારે અધિકારીના આક્રોશ સામે મુનિવરે પણ “ઈંટ કા જવાબ પથ્થરસે”ના ન્યાયથી જવાબ આપ્યો. સમા પક્ષની મૂંડકવેરાની માંગણીને ફગાવી દઈ મુનિવરો બે દિવસની ઘોર તપશ્ચર્યાના અંતે ગિરિવરના તથા પ્રભુના દર્શન પામ્યા. આ બાજુ પોતાનું ધાર્યું ન થવાથી વેરો ઉઘરાવવાના અધિકારીઓનો ક્રોધ આસમાને ચડ્યો. વર્ષોની મૂંડકવેરાની આ પદ્ધતિનો ઘાત થવાથી કોઈપણ હિસાબે ન્યાય મેળવવા તે સૌ મહામાત્ય પાસે પહોંચ્યા. મહામાત્યે તેઓની બધી વાત સાંભળીને આશ્વાસન આપતાં કહ્યું કે, “આપણે આ અંગે જરૂર વિચારીશું.”

થોડીવારમાં મંત્રીશ્વરે મુનિવરોને સંદેશો મોકલાવ્યો અને પુજ્યોની પધરામણી થતાં મંત્રીશ્વરે પૂજ્યો પ્રત્યે ઔચિત્યપાલન કરી ખૂબ જ બહુમાનપૂર્વક તેમનો સત્કાર કર્યો. મૂંડકવેરાના અધિકારીઓએ કહ્યું કે, હે “મહામાત્ય! આ મહાત્માઓએ અમારી વર્ષોની મૂંડકવેરાની પરંપરાને તોડી બળજબરીથી ગઈકાલે ગિરનારની યાત્રા કરી આ અંગે યોગ્ય ન્યાય તોળો.” ત્યારે સામાપક્ષે મુનિવરોએ પણ કહ્યું કે, “મહામાત્ય! અમારા જેવા મુનિને વળી મૂંડકવેરો કેવો હોય? ત્રણ દિવસથી પરમાત્માના દર્શન માટે તડપતા હતા. અમારી સહનશક્તિની પણ હદ હોય ને! પ્રભુના દર્શન માટે પૈસા ભરવાના! આ તે ક્યાંનો ન્યાય? તરત જ અધિકારીઓ બોલ્યા મંત્રીશ્વર! દરેક માથાદીઠ અમને પાંચ દ્રમ મળવા જ જોઈએ. અમારી ઈજારદારીને આંચ પહોંચે તે સહન ના થાય. મંત્રીશ્વરે અધિકારીઓને વચલો માર્ગ કાઢવા કહ્યું. જયારે તેઓને કોઈ વિકલ્પ નાં સૂઝ્યો ત્યારે મંત્રીશ્વર બોલ્યા, “તમને મારો નિર્ણય સ્વીકાર્ય બનશે ને? પછી તે નિર્ણયમાં કોઈ બાંધછોડને અવકાશ નહિ રહે તે ચાલશે ને?” ત્યારે અધિકારીઓએ કહ્યું કે, “અરે મંત્રીશ્વર! આપ જે ન્યાય કરશો તેમાં પક્ષપાતને અવકાશ જ ન હોય.”

વિચક્ષણ બુદ્ધિવાન મંત્રીશ્વરે ખૂબ કુનેહ પૂર્વક સૌના વિશ્વાસને જીતીને, સૌની સંપૂર્ણતયા સંમતિ મેળવીને, સૌને સંતોષ થાય તથા મહાત્માનું બહુમાન અને અહોભાવ જળવાઈ રહે તે રીતે જાહેરાત કરી કે, દેવાધિદેવ બાવીસમાં શ્રી નેમિનાથપ્રભુના ત્રણ કલ્યાણકો વડે પાવન થયેલ આ ગિરનાર ગિરિવરની ભોમકા ઉપર આજથી મૂંડકવેરો નાબૂદ કરવામાં આવે છે. અને ભૂલથી કોઈ પણ વેરો ઉઘરાવવાનો પ્રયત્ન કરશે તો તેની સામે રાજ્પગલાં લેવામાં આવશે. તમારા સૌની આંતરડી ઠારવા માટે ગિરનારની ગોદમાં રહેલું કુહાડી ગામ આપ સૌને આપવામાં આવે છે. આજથી તમે સૌ આ ગામના માલિક બનો છો તથા તેની આવક પર તમારો અધિકાર રહેશે. મંત્રીશ્વરના સુવર્ણવચનોના શ્રવણ સાથે જ સૌના મનમયૂર નાચી ઉઠ્યા. કુહાડી ગામની સંપૂર્ણ આવકના અધિકારના દસ્તાવેજો પામી સૌ નિશ્ચિંત બની ગયા. વાતાવરણમાં ચારેકોર ત્રણલોકના નાથ શ્રી નેમિપ્રભુનો તથા મંત્રીશ્વર વસ્તુપાળનો જયજયકાર મચી ગયો. ગિરનાર ગિરિવરની ગુફાઓમાંથી પડતા જયજયકારના પડઘાઓએ સકલ સૃષ્ટિને પ્રશમરસની સુવાસથી મહેકાવી દીધી.

Join the mailing list for regular updates about Girnar!
x
Thank you! Your submission has been received!
Oops! Something went wrong while submitting the form.