Change Language

સૌભાગ્ય મંજરી

ભરતક્ષેત્રના દક્ષીણ પથમાં કર્ણાટક નામે દેશ હતો. જ્યાં અનેકવિધ રાજવૈભવવાળો ચક્રપાણીરાજા રાજ્ય કરતો હતો. તેને પ્રિયંગુમંજરી નામની રાણી હતી. રાજસુખોને ભોગવતાં પ્રિયંગુમંજરી રાણીની કુક્ષીએ પુત્રીનો જન્મ થયો. પરંતુ જન્મથી જ સર્વાંગેસુંદર હોવા છતાં અશુભકર્મણી બલીહારીના પ્રભાવે તેનું મુખ વાનરી જેવું હતું. રાજા પણ આ ઘટનાને જોઇને અત્યંત વિસ્મય પામી ગયા અને અમંગળની શંકાથી શાંતિકર્મના અનુષ્ઠાનો કરાવવા લાગ્યા. મુખથી કદરૂપી પરંતુ સૌભાગ્યમાં સુંદર એવી તે રાજકુમારીનું સૌભાગ્યમંજરી નામ રાખ્યું. અનુક્રમે તે ચોસઠકળાઓમાં નિપુણ બની.

એકવાર સૌભાગ્યસુંદરી રાજદરબારમાં મહારાજાના ખોળામાં બેથી હતી તેવા અવસરે કોઈ પરદેશી પુરુષે રાજસભામાં પ્રવેશ કર્યો અને મહારાજા સમક્ષ તીર્થાધિરાજ શ્રી પુંડરિકગિરિનું માહાત્મ્ય કહી સંસારતારક અને પુણ્યકારક એવા રૈવતગિરિ મહાતીર્થના માહાત્મ્યનો પ્રારંભ કરતાં કહ્યું કે, “મહારાજ! આ અવનીતલ ઉપર પુણ્યનો સંચય અને દુઃખ – દરિદ્રનો નાશ કરાવનાર રૈવાતાચલપર્વત જય પામે છે. સર્વ પ્રકારના કલ્યાણનું નિર્માણ કરવામાં કુશળ એવા આ રૈવતગિરિ પર આ ભવ કે પરભવમાં દારિદ્ર કે પાપનો ભય રહેતો નથી. આ ગિરિવરના પવિત્ર શિખરો, નદીઓ, ઝરણાઓ, ધાતુઓ, અને વૃક્ષો સર્વજીવોને સુખ આપનારા છે. શ્રી નેમિનાથ પરમાત્માની સેવા માટે આવીને આનંદ – પ્રમોદ પામેલા દેવતાઓ તો સ્વર્ગમાં ઉત્પન્ન થતાં મહાસુખને તૃણથી પણ વધુ હલકા માને છે.” આ પ્રમાણે રૈવતગિરિ મહાતીર્થની અનેકવાતો સાંભળી મહારાજાના ખોળામાં બેઠેલી રાજકુમારી સૌભાગ્યમંજરીને જાતિસ્મરણજ્ઞાન પ્રાપ્ત થતાં તે મૂર્છા પામી ગઈ.

સૌભાગ્યમંજરી શીતોપચારો વડે ચેતનવંતી બની.સચેતન થયા બાદ હર્ષઘેલી થયેલી તેને પિતાને જણાવ્યું કે, “ઓ પિતાજી! આજનો દિવસ મારા માટે મહામંગલકારી છે. તેનું કારણ આપ ધ્યાનથી સંભાળજો! પૂર્વભવમાં આ પરદેશીએ વર્ણન કરેલા રૈવતાચલ પર હું વાનરી હતી. જાતિસ્વભાવથી ચંચળ એવી હું સ્વછંદ અને અવિવેક પણે ગિરિના શિખરો, નદીઓ, ઝરણાઓ, વાનો અને વૃક્ષો વચ્ચે સતત આમથી તેમ કૂદાકૂદ કરતી. તે ગિરિશિખરની પશ્ચિમદિશામાં અમલકીર્તિ નામની એક નદી છે. વિશિષ્ટ પ્રભાવવાળા અનેક દ્રવ્યોથી ભરપૂર એવી એ નદી શ્રી નેમિનાથ પરમાત્માની અમીદ્રષ્ટિથી પવિત્ર બનેલી શોભી રહી છે. એક વખત સ્વભાવ પ્રમાણે આમથી તેમ કૂદાકૂદ કરતાં રખડતી હું વાનરના જૂથ સાથે તે નદીના તટની સમીપ આવી. પરંતુ ભવિતવ્યતાના યોગે આમથી તેમ કૂદાકૂદ કરવામાં ફલિત થયેલા આંબાના વૃક્ષની ગાઢ ડાળીના વિસ્તારમાં ફસાઈ જવાથી થોડી ક્ષણોમાં ત્યાં જ લટકતાં મૃત્યુ પામી.

આ રૈવતગિરિ મહાતીર્થમાં વસવાના પ્રભાવથી ત્યાંથી મરીને હું તિર્યંચ ભવનો ત્યાગ કરી સીધી તમારી પુત્રી તરીકે અહીં જન્મ પામી છુ. હવે અત્યંત રૂપવાન દેહ હોવા છતાં મને વાનરીનું મુખ મળવાનું કારણ આપ સાંભળો! તે આમ્રવૃક્ષની ગાઢ ડાળીઓના સમુહમાં ફસાયેલું મારું આ શરીર ડાળીના ઝૂકાવાથી ધીમે ધીમે અમલકીર્તિ નદીના જળમાં પડવાથી મનોહારી રૂપને ધારણ કરનારું બન્યું, પરંતુ મારું મુખ ગીચઝાડીમાં ફસાયેલું જ રહેવાના કારણે નદીના સુપવિત્ર જળથી વંચિત રહેલા મારા તે મસ્તકને આપ તરત જ તે નદીના પાવન જળમાં પડી ધ્યો જેથી હું મુખ સહિત સર્વાંગી સુંદરપણાણે પામી શકું. આ પરદેશી પુરુષે વર્ણવેલા રૈવતગિરિ મહાતીર્થના માહાત્મ્યના શ્રવણથી મને જાતિસ્મરણજ્ઞાન પ્તાપ્ત થયેલ છે, જેનાથી આ સઘળો વૃતાંત કહેવા સમર્થ બની છુ.

રાજકુમારીના આ વચનોને સાંભળીને અત્યંત વિસ્મિત થયેલા રાજાચક્રપાણીએ નદીના તટ સમીપે રહેલા આમ્રવૃક્ષની ગીચઝાડીમાં લટકતાં વાનરીના મુખને પવિત્રજળમાં પાડવા માટેનો સેવકને આદેશ આપ્યો. સેવકોએ ત્યાં જઈને જે સમયે વાનારીના મુખને નદીના જળમાં પાડવામાં આવ્યું તે જ સમયે રાજકુમારી સૌભાગ્યસુંદરી પણ રૂપરૂપના અંબારવળી સર્વાંગી સુંદરતાને ધારણ કરનારી બની ગઈ.ચક્રપાણીરાજા પણ તીર્થ માહાત્મ્યના સાક્ષાત્ પ્રભાવને જોઇને અત્યંત વિસ્મય પામી ગયા.

મહારાજા ચક્રપાણી યુવાવસ્થામાં ડગ માંડી ચૂકેલી રાજકુમારી સૌભાગ્યમંજરી માટે સુયોગ્ય વરની શોધમાં તત્પર બન્યા. ત્યારે કર્મની વિચિત્રતાના યોગે સંસારવાસથી વૈરાગ્ય પામેલી સૌભાગ્યસુંદરીએ વિવાહની વાટના કાંટાળા માર્ગ ઉપર ડગ માંડવાને બદલે શાશ્વત સુખની સાધના માટે રૈવતગિરિ મહાતીર્થ તરફના સુખાળા માર્ગે વિચારવાનું પસંદ કર્યું. તેને પોતાની ભાવના પિતાને જણાવી. ત્યારબાદ રૈવતાચલના શીતલ સાન્નિધ્યમાં રહી તીવ્ર તપાચરણદ્વારા અનેક જન્મોના અશુભકર્મોનો નાશ કરતાં શ્રી નેમિજિનના ધ્યાનમાં મગ્ન બની સ્વઆયુષ્ય પૂર્ણ કરી મૃત્યુ પામી. તીર્થરાગના ફળસ્વરૂપે રૈવાતાચલ તીર્થમાં જ વ્યંતરદેવી તરીકે ઉત્પન્ન થઇ. પૂર્વભવના ભીષ્મતપના પ્રભાવથી તે નદીના દ્રહમાં નિવાસ કરીને શ્રીસંઘના અનેક વિઘ્નોનો નાશ કરનારી, સર્વ દેવતાઓને અનુસરવા યોગ્ય મહાદેવી થઇ.

Join the mailing list for regular updates about Girnar!
x
Thank you! Your submission has been received!
Oops! Something went wrong while submitting the form.