Change Language

ગોમેધ યક્ષ

ભારત ક્ષેત્રની ભવ્યભૂમિ ઉપર સુગ્રામ નામનું રળિયામણું ગામ હતું. જેમાં ગોમેધ વગેરે અનેક પ્રકારના યજ્ઞકાંડ-ક્રિયા કરાવવાનો વ્યવસાય ધરાવતો બ્રાણ રહેતો હતો. મુખ્યતયા ગોમેધાદિ યજ્ઞ કરાવવામાં નિપુણ હોવાથી બ્રાણજનમાં તે ગોમેધ બ્રાણના નામે પ્રસિદ્ધ હતો. મિથ્યાત્વના ઘોર અંધકારના કારણે તે ધર્મના નામે યજ્ઞાદિ ક્રિયાઓ વડે અનેક પ્રાણીઓની હિંસામાં નિમિત્ત બનતો. જીવહિંસાના ભયંકર પાપકર્મના તાત્કાલિક ફળ રૂપે તેની પત્ની અને પુત્રો મૃત્યુ પામ્યા. પુત્ર-પત્ની વિનાનો તે નિરાધાર થયેલો અત્યંત ઉદ્વિગ્ન ચિત્તે રહેવા લાગ્યો. અવસરે તેના દેહમાં ગળતો કુષ્ટરોગ ઉત્પન્ન થવાથી તેના પ્રત્યે લેશમાત્ર પણ સહાનુભુતિ બતાવ્યા વગર સ્વાર્થના સગાઓએ તિરસ્કાર કરી તેને હડધૂત કરી દીધો. કુષ્ટરોગની મહાપીડાથી અત્યંત દુઃખી અવસ્થામાં જીવન પસાર કરતો હતો, ત્યારે અધુરામાં પુરૂ તેના શરીરના રોમેરોમમાં અસંખ્યાતા કીડાઓ ઉત્પન્ન થવાથી તે સાક્ષાત નરકની કારમી પીડા ભોગવવા લાગ્યો. આવા અંગે અંગમાં ખદબદતા કીડાઓ અને સતત ઝરતા પરૂ વગેરે અશુચિ પદાર્થોથી તેના દેહમાંથી તીવ્ર દુર્ગંધ પ્રસરવા લાગી. દુર્ગંધ અને અશુચિથી ખદબદતા તેના દેહ ઉપર અનેક માખીઓના બણબણાટથી તે અત્યંત ત્રાસ અનુભવી રહ્યો હતો. રોમેરોમે અંગારાની અગનની વેદનાથી હવે તો વહેલામાં વહેલું મરણ આવે તેવી તીવ્ર ઈચ્છા સાથે આ કારમી વેદનાઓને સહન કરતો માર્ગમાં આમથી તેમ આળોટતો દુ:ખની કિકિયારિ સાથે આક્રંદ કરી રહ્યો હતો.

સુકૃતના બીજો ક્યારેને ક્યારે તો ફળદાયી બને જ. તેમ તેના પૂર્વભવના કોઈ સદ્કૃત્યનો પ્રચંડોદય થવાનો હોય તેમ તે સમયે એક મુનિવર તે માર્ગથી પસાર થાય છે. ક્ષમાશ્રમણ, દયાના ભંડાર એવા મહાત્માએ તેની આ અવદશા જોઇને સહાનુભૂતિ દર્શાવીને કહ્યું કે,"હે ભાગ્યવાન! તે કુગુરૂના ઉપદેશના પ્રભાવથી ધર્મની બુદ્ધિથી અનેક જીવોની હિંસા કરવા રૂપ જે કુકર્મનું આચરણ કરેલ છે તે પાપ વૃક્ષના તો આ અંકુર માત્ર પ્રગટ થયા છે. હજુ આ પાપ કર્મના ફળ તો તને ભવાંતરમાં પ્રાપ્ત થશે. નરકાદિ દુર્ગતિની પરંપરાનું આ તો પ્રથમ સોપાન છે. હજુ પણ આ ઘોર ભયંકર પીડાથી તું ત્રાસી ગયો હોય અને ભવાંતરમાં આ પીડાથી દૂર રહેવા ઈચ્છતો હોય તો કઈ મોડું થયું નથી. તું જીવદયા જ જેના મૂળમાં છે તેવા જીવદયાપાલક, કરૂણાસાગર, દયાના ભંડાર શ્રી જિનેશ્વર પરમાત્માએ પ્રરૂપણ કરેલા જિનધર્મનો સ્વીકાર કર! વળી તારા કરેલા કુકર્મોના શમન માટે સમર્થ, અનેક દેવોથી પણ પૂજિત, અનંતા તીર્થંકરોના અનંતા કલ્યાણકોની કલ્યાણકારી ભૂમિ એવા શ્રી રૈવતગિરિ મહાતીર્થની સેવા-ભક્તિ કર! જેના મહાપ્રભાવથી તારા સર્વ પાપ વિલીન થઇ જશે."

નિષ્કારણબંધુ એવા સાધુ ભગવંતના સદવચનોને સાંભળી રૈવતગિરિ મહાતીર્થને હૈયામાં ધારણ કરતો ગોમેધ અમૃતરસના આસ્વાદને અનુભવતાં સમતા સાગરમાં નિમગ્ન બની કોઈ પણ પીડા રહિત મૃત્યુ પામે છે. ઉપશમરસમાં ડૂબેલો, મહાતીર્થ અને પરમાત્માના ધ્યાનમાં લીન એવો ગોમેધ મહાઋદ્ધિમાન દેવપણાને પામીને યક્ષોના નાયકપણાને પામે છે.મુનિ ભગવંતના મુખકમળથી નીકળેલા અમૃતવચનના શ્રવણમાત્રથી તે અનેકવિધ દિવ્ય સૃષ્ટિનો સ્વામી બન્યો. સાથે સાથે પરમાત્માના અસંખ્ય ગુણોનું સ્તવન કરવા માટે ત્રણ મુખને ધારણ કરનાર, શાસનના અનેકવિધ કાર્યો કરવા માટે સમર્થ બનવા માટે છ ભુજાઓને ધારણ કરનાર, જેમાં ડાબા ત્રણ હાથમાં શક્તિ, શૂલ અને નકુલ તથા જમણા ત્રણ હાથમાં ચક્ર, પરશુ અને બીજોરૂ ધારણ કરનાર, દેહ ઉપર જનોઈ અને વાહન તરીકે પુરૂષને ધારણ કરનાર ગોમેધ નામે યક્ષ થઈને શાસન અધિષ્ઠાયિકા શ્રી અંબિકાદેવીની માફક અને સેવકોથી પરીવરેલો દેવવિમાનમાં આરૂઢ થઇ તે જ સમયે રૈવતગિરિ તીર્થ ઉપર આવી પરમાત્માને વંદન કરે છે. પૂર્વભવમાં પ્રભુના નામસ્મરણ માત્ર થી થયેલા ઉપકારનું સ્મરણ કરતો તે ગદગદ સ્વરે પ્રભુની સ્તવના કરે છે. તે સમયે ઇન્દ્ર મહારાજા પણ તેને પરમાત્માનો પરમભક્ત જાણી શ્રી નેમિપ્રભુના શાસનના અધિષ્ઠાયક દેવ તરીકે સ્થાપિત કરે છે.

Join the mailing list for regular updates about Girnar!
x
Thank you! Your submission has been received!
Oops! Something went wrong while submitting the form.