Change Language

બપ્પભટ્ટસૂરી

આચાર્ય બપ્પભટ્ટસૂરી

ઐતિહાસિક પ્રસંગોની પરંપરાથી ગરવો બનેલો ગઢ ગિરનાર અનેક વાદ વિવાદના વંટોળ સામે ઉભો રહ્યો તે માટે પણ આજ સુધી ગૌરવશાળી રહ્યો છે. સમયના વહેણ સાથે ગઢ ગિરનારની માલિકી અને કબ્જા માટે અનેક પ્રસંગો ઇતિહાસના પાને કંડારાઈ ચુક્યાં છે.

જિનશાસનના ઇતિહાસના પાના પર જેના બલિદાનની નોંધ સુવર્ણઅક્ષરે અંકિત થઇ તેવા ધારશ્રાવકના પાંચે પુત્રો તીર્થ ભક્તિ કાજે શહીદ થયા. રણભૂમિ બનેલી તીર્થભૂમિ ઉપર લોહીથી રગદોળાયેલી પોતાના પાંચ જવાંમર્દ પુત્રોની લાશ જોઇને પુત્રોની મર્દાનગીનું ગૌરવ લઇ રહેલા ધારશ્રાવકના અંતરની આરઝુ અધુરી હતી. આજે તેમના પાછા પગલામાં ભાવિના લાંબા કૂદકાની તમન્નાનો સંકલ્પ હતો. જિનશાસનના ચરણોમાં પાંચ પાંચ પુત્રોના જીવતદાન કરવા છતાં સુશ્રાવક ધારના હૈયામાં હામ નથી. ગિરનાર તીર્થને કબ્જે કરવાની તલપ દિન પ્રતિદિન તીવ્ર બની રહી હતી.

પાંચ પાંચ પુત્રરત્નોના શહીદ થયા બાદ ધાર શ્રાવક ભમતાં – ભમતાં કાન્યકુબ્જ નગરીમાં આવી પહોંચ્યા. અજાણ્યા એવા સ્થાનમાં ગલીએ ગલીએ ફરતાં જૈન ઉપાશ્રયે આવી ચઢ્યા. ત્યાં આચાર્ય ભગવંત વ્યાખ્યાન ફરમાવતા હતા. ધાર શ્રાવક સભાજનોને ભેદતાં – ભેદતાં આચાર્ય બપ્પભટ્ટસૂરી મહારાજ સાહેબ પાસે આવીને બેઠા. થોડીવાર અમૃતવાણીનું શ્રવણ કર્યા બાદ ધાર શ્રાવક સભા વચ્ચે ઉભા થઇ સકલ સંઘ સમક્ષ આચાર્ય ભગવંતને સંબોધી બોલ્યા, “ગિરનાર મહાતીર્થનો કબ્જો આજે ખતરામાં બની ગયો છે. દિગમ્બર પક્ષના લોકો હક્ક જમાવીને બેઠા છે અને શ્વેતાંબરને પાખંડી ગણીને ગિરિવર ઉપર આરોહણ કરતાં અટકાવે છે. પ્રથમ આ ગિરનાર મહાતીર્થને કબ્જે કરી ઉદ્ધાર કરો પછી આ વ્યાખ્યાનની પાટ ઉપર બેસી ધર્મદેશના આપો તે શોભાસ્પદ બનશે. આજે આ શાસ્ત્રોની વાતોને બાજુ ઉપર મૂકી શસ્ત્રથી સજ્જ થવાની જરૂર છે. સભામાં શાંતચિત્તે પ્રવચન શ્રવણ કરતાં આમ રાજા તો ધાર શ્રાવકના આક્રોશવચનોને સાંભળીને આભો જ બની ગયો. સૂરિવરના અપમાનને સહન કરવામાં અસમર્થ એવા રાજા ઉભા થતાં જ સૂરિવરે સંકેત આપી રાજાને મૌન રહેવા જણાવ્યું. પોતાના હૈયામાં લાગેલી તીર્થ માટેની લાગણીની અગનજવાળાની એક ચિનગારી સૌના હૈયામાં પ્રગટાવી. પાંચ –પાંચ પુત્રોના મરણ છતાં લેશમાત્ર પણ દીનતા ધારણ કર્યા વગર માત્રને માત્ર તીર્થરક્ષા માટે તલસતા ધાર શ્રાવકની હૃદયદ્રાવક વાણીએ સૌના હૈયામાં અનેરી અસર કરી.

શ્વાસે શ્વાસે શાસન વસેલું છે તેવા મહાશક્તિશાળી આચાર્ય ભગવંત અને આમરાજાએ મહાસંઘયાત્રા સમેત ગિરનાર તરફ પ્રયાણ આદર્યું. પ્રચંડ સત્વના સ્વામી આમ રાજાએ ભીષ્મપ્રતિજ્ઞા ધારણ કરી કે, “જ્યાં સુધી ગિરનાર મંડન નેમિજિનનાં દર્શન – પૂજન ન થાય ત્યાં સુધી આહાર પાણીનો ત્યાગ.” ક્યાં કાન્યકુબ્જ નગરી અને ક્યાં ગઢ ગિરનાર? શાસન પ્રભાવનાના અનેક સુકૃતો કરતો સંઘ આગળ વધી રહ્યો હતો. મનના મજબૂત એવા આમરાજાના શરીરની શક્તિ ક્ષીણ થવા લાગી હતી. આમરાજા જીવન – મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા. સૂરિવર સાથે સૌ સંઘ ચિંતિત હતો પરંતુ આમરાજા પ્રતિજ્ઞામાં અડગ હતા. સંઘ સ્તંભનતીર્થ પહોંચ્યો હતો. અંતે મહાશક્તિશાળી એવા સૂરિવરે શ્રી ગિરનાર મહાતીર્થના અધિષ્ઠાયિકા તથા શ્રી નેમિપ્રભુના શાસનની અધિષ્ઠાયિકા શ્રી અંબિકાદેવીની આરાધના કરી પ્રગટ કર્યા. ગિરનાર તીર્થરક્ષા અને આમરાજાના ભીષ્મસંકલ્પની વાતો વિસ્તારથી જણાવી. શાસનદેવી આચાર્ય ભગવંતની વાત સાંભળી અંતર્ધ્યાન થયા અને ક્ષણવારમાં આકાશવાણી થઇ, “હે મહાપુણ્યવાન! હું ગિરનાર મહાતીર્થની અધિષ્ઠાયિકા અંબિકાદેવી છુ. તારા સત્વ અને શૌર્યથી હું ખૂબ પ્રસન્ન છુ. તીર્થરક્ષાની તારી તલપ અને તારા દેહની દુર્બળસ્થિતિને જોઇને ગિરનારના શ્રીનેમિપ્રભુની પ્રતિમા લઈને હું આવી છું. તેના દર્શન – પૂજનની તારી પ્રતિજ્ઞા પૂર્ણથશે.” થોડીક પળોમાં દેદીપ્યમાન પ્રતિમા ધરણીતલ ઉપર અવતારી. સૌ પરમાત્માની ભક્તિમાં લાગી ગયા. હજુ આમરાજાના મનમાં પ્રતિજ્ઞા પૂર્ણ થવા અંગે સંશય હતો. ત્યારે દિવ્યવાણી થઇ કે, “હે બાળ! આ પ્રતિમાના દર્શન – પૂજન દ્વારા તને ગિરનાર ગિરિવરના શ્રી નેમિપ્રભુના જ દર્શન – પૂજનનો લાભ થયો છે માટે તારી પ્રતિજ્ઞા પૂર્ણ થવામાં લેશમાત્ર સંશય ન રાખીશ.!” શાસનદેવીના દિવ્ય વચનોના અવલંબને અધૂરા મને પણ આમરાજાએ પારણું કર્યું. સકલસંઘ ગિરનારગિરિ તરફ આગળ વધ્યા. સૂરિજી અને રાજા ગિરનારની દિન પ્રતિદિન પરિસ્થિતિની માહિતી મેળવતા રહ્યા અને સામો પક્ષ વધુ બળવાન થવાની પૂરી કરતો હોવાના સમાચાર મળ્યા.

આમરાજાનો મહાસંઘ ગિરનાર ગિરિવરની તળેટીએ આવી પહોંચ્યો. જાણે તેઓનું સામૈયું કરવા સજ્જ ન બન્યા હોય??? તેમ સમા પક્ષના ૧૧ મહારાજાઓ વિશાળ યુદ્ધસેના, આચાર્યભગવંત અને શ્રાવક સંઘાદિ સાથે તળેટીમાં પડાવ નાખીને રહ્યા હતા. આમરાજાના સંઘે ગિરિવર આરોહણ કરવા પગરથ માંડ્યા ત્યાં જ સામે પક્ષેથી હાકલ પડી કે, “ખબરદાર! આ તીર્થ ઉપર અમારો અધિકાર છે, એક ડગલું પણ આગળ વધશો તો તમારા મસ્તક ધડથી છૂટા થઇ જશે.” ત્યારે આમરાજા પૂર્ણ તૈયારી સાથે યુદ્ધ કરવા તૈયાર હતા પરંતુ આચાર્ય ભગવંતે કહ્યું કે, “સર્વ ધર્મનું મૂળ દયા છે. ધર્મકાર્યમાં હિંસા અનુચિત છે. અમે શાસ્ત્રચર્ચા દ્વારા હાર – જીતનો ફેંસલો કરીશું.”

શ્રી જિનેશ્વર પરમાત્મા પ્રત્યે અડગશ્રદ્ધા ધરાવતા ઉભય પક્ષના આચાર્ય ભગવંતોએ આ ઉપાયનો સ્વીકાર કર્યો. શસ્ત્રયુધ્ધને સ્થાને શબ્દ યુદ્ધ શરુ થયું. એકબીજા પક્ષો સામ સામે પોતાના મતને રજુ કરતાં હતા. અનેક શક્તિના સ્વામી એવા બપ્પભટ્ટસૂરિજીએ ઉભા થઇ જણાવ્યું કે, “ઉભયપક્ષ શાસનાધિષ્ઠાયિકા અંબિકાદેવીની આરાધના કરી જાહેરમાં જ તેમની પાસે નિર્ણય માંગે, જે નિર્ણય આપે તે સૌએ માન્ય રાખવો.” ઉભયપક્ષે એવો નિર્ણય થયો કે બંને પક્ષ તરફથી એકબીજાના પક્ષમાં એક – એક બાળકન્યાને મોકલવામાં આવે અને બંને કન્યાઓ જે બોલે તેનો સૌએ સ્વીકાર કરવો.

પ્રથમ આચાર્ય બપ્પભટ્ટસૂરિએ એક પ્રભાવશાળી કુમારિકાને સામા પક્ષના આવાસમાં મોકલી. સામાપક્ષવાળાએ બાર પ્રહાર સુધી તે કન્યાને મંત્રાધિષ્ઠિત કરીને બોલવા જણાવ્યું ત્યારે તે કન્યા જાણે મૂંગી અને બહેરી ન હોય? તેમ અવાચક બની ગઈ. પછી દિગંબર પક્ષવાળાએ આચાર્ય ભગવંત પાસે એક કન્યાને મોકલીને જણાવ્યું કે, “જો તમારામાં શક્તિ હોય તો અહીં તમે અમારી આ કન્યાને બોલાવો.” ત્યારે આચાર્ય બપ્પભટ્ટસૂરિજીએ તે કન્યા તરફ અમીદ્રષ્ટિ કરીમસ્તક ઉપર આશીર્વાદ આપ્યા કે તરત જ શાસનાધિષ્ઠાયિકા અંબિકાદેવી તેના મુખમાં રહીને સ્પષ્ટ બોલવા લાગ્યા.

“इक्कोवि नमुक्कारो, जिणवर वध्धमाणस्स
संसार सागराओ, तारेइ नरं वा नारीं वा ll१ll
उज्जिंत सेलसिहरे दिक्खा नाणं निसीहिया जस्स
तं धम्म चक्कवट्टिं अरिट्ठनेमिं नमंसामि ll२ll ”

આ ગાથાઓ સાંભળીને આચાર્ય ભગવંતના મુખ ઉપર આનંદ છવાઈ ગયો. ગાથાના રહસ્યાર્થને સમજવામાં અસમર્થ એવો સમો પક્ષ દ્વિધામાં પડી ગયો ત્યારે આચાર્ય બપ્પભટ્ટસૂરિજીએ અત્યંત ગંભીરતા પૂર્વક જણાવ્યું કે, “રાજન અમારા પક્ષની એવી માન્યતા છે કે સ્ત્રી, પુરુષ કે નપુંસક દરેક લિંગથી મોક્ષગમન શક્ય છે. જયારે દિગંબરપક્ષ સ્ત્રીની મુક્તિ સ્વીકારતો નથી. આ બાળકન્યાના સ્વરૂપમાં શાસનદેવીએ જે પ્રથમ ગાથામાં સ્પષ્ટ પાને જણાવ્યું કે, “શ્રી જિનેશ્વરપરમાત્મા વર્ધમાનસ્વામીને કરાયેલો એક પણ નમસ્કાર આ સંસાર સાગરમાંથી નર – નારીને તારે છે.” આ ગાથા અમારા મતને સંપૂર્ણતયા પુષ્ટ કરતી હોવાથી આ તીર્થના અધિકાર માટે શાસનદેવીએ પણ મહોર મારી હોવાથી હવે આ ગિરિવરના હક્ક અંગેનો પ્રશ્ન સહજ ઉકલી જાય છે.

મધ્યસ્થોએ આચાર્ય ભગવંતના વચનોનો સહર્ષ સ્વીકાર કરી શ્વેતાંબરોના વિજયને જાહેર કરતાં ગિરનાર ગિરિવરની તળેટી શ્રી નેમિનાથ પરમાત્માના જયઘોષ સાથે ગુંજી ઉઠી.

Join the mailing list for regular updates about Girnar!
x
Thank you! Your submission has been received!
Oops! Something went wrong while submitting the form.