Change Language

પેથડશાહ મંત્રી

રૈવતગિરિ સમરું સદા,
સોરઠ દેશ મોઝાર,
મનુષ્યભવ પામી કરી,
ધ્યાવું વારંવાર.

રમણીય સોરઠની ભૂમિમાં સંતો, સંઘપતિઓ, સજ્જ્નો દૂર-દૂર દેશોથી આવતાં હતાં અને પરમપવિત્ર અનંતા કલ્યાણકોની ભૂમિની સ્પર્શના દ્વારા અપૂર્વ શાંતિને પામતા હતા. તીર્થની યાત્રા સર્વ કર્મનો નાશ કરવાના શરણરૂપ છે, જ્ન્મને કૃતાર્થ કરનાર છે તથા તીર્થંકર નામકર્મની પ્રાપ્તિ કરાવનાર છે એવું પૂર્વના મહાપુરુષો એ કહ્યું છે.

તીર્થયાત્રાના આવા વિશિષ્ટ મહિમાને જાણી દાનવીર, સુવર્ણસિદ્ધિ પ્રાપ્ત કરનાર અને ગુરૂના હૃદયકમલમાં સ્થાન પામનાર મંત્રીશ્વર પૃથ્વીધર અર્થાત પેથડમંત્રીએ સંઘ સહિત ત્રણ જગતમાં પાવન અને સોરઠદેશના ભૂષણ એવા સિદ્ધાચલ અને રૈવતાચલ તીર્થની યાત્રા કરવા પ્રયાણ કર્યું. અનંતા મુનિભગવંતોના સિદ્ધિગમનની પાવન ભૂમિ ગિરિરાજને જુહારી સિદ્ધાચલ શિખરે બિરાજમાન શ્રી આદિનાથ પરમાત્માની વંદન – પૂજનાદિ વિગેરે ભક્તિ કરવા વડે ૨૫ ઘડી સુવર્ણની ખોળો વડે યુગાદિદેવના ચૈત્યને સુશોભિત કર્યું. કેટલાક દિવસો બાદ એક મંગલ પ્રભાતે પેથડમંત્રીએ રૈવતાચલ તરફ પ્રયાણ કર્યું. અનંત – અનંત તીર્થંકર પરમાત્માના દીક્ષા – કેવલજ્ઞાન અને મોક્ષકલ્યાણકથી પાવન બનેલ ગિરનાર ગિરિવરની ભવ્યભોમકાને ભેટવાના મનોરથ સાથે સંઘના એક પછી એક દિન વિતવા લાગ્યા. રૈવતગિરિ તીર્થની પવિત્રભૂમિનો સ્પર્શ પામી સૌ પોતાના જીવનને ધન્ય બનાવવા તલસતા હતા. દૂર-દૂરથી રૈવતગિરિના શિખરોને નિહાળતા સમગ્ર સંઘ આનંદવિભોર બની ગયો.

એક મંગલપ્રભાતે સંઘ સહિત પેથડમંત્રીએ રૈવતગિરિની રળીયામણી તળેટીમાં પ્રવેશ કર્યો. તે જ વખતે યોગિનીપૂર – દિલ્હીના રહેવાસી અગ્રવાલકુળમાં ઉત્પન્ન થયેલ અલ્લાઉદ્દીન બાદશાહનો કૃપાપાત્ર પૂર્ણશ્રેષ્ઠિ જે દિગંબરમતનો ક્ટ્ટરપક્ષી હતો. તે પણ સંઘસહિત રૈવતચલની તળેટીમાં તંબૂઓ તાણીને રહ્યો હતો.

વહેલી સવારે ચાંદનીના શીતળ વાયરાની વચ્ચે બન્ને સંઘે તીર્થયાત્રાનો આરંભ કર્યો, તે વખતે દિગંબરસંઘના આરક્ષકોએ હાકલ પાડી શ્વેતાંબરસંઘના યાત્રિકો યાત્રા કરવાં જતાં રોક્યા. આ પડકારને ગણકાર્યા વિના શ્વેતામ્બર સંઘના યાત્રિકો આગળ ચાલવા લાગ્યા ત્યારે પૂર્ણશ્રેષ્ઠિએ સૈન્યના પીઠબળથી ત્રાડ નાખી.

સાવધાન! એક કદમ પણ આગળ વધ્યા છો તો તમારા મસ્તક ધડથી છુટા પાડતા ક્ષણનો પણ વિલંબ નહી થાય! તે સમયે પેથડમંત્રીએ બળની સામે કળથી કામ લેવાનો નિર્ણય કરી ઇતિહાસના પાના ઉપર પૂરાવા સાથે આ તીર્થ શ્વેતાંબરોનું છે તે સમજાવ્યું પણ પૂર્ણશ્રેષ્ઠિ એ વાત સ્વીકારવા તૈયાર થયા નહીં. ઉભય સંઘપતિઓ વચ્ચે વાગ્યુધ્ધ જામ્યું. તે વખતે બંન્ને પક્ષના વડિલોએ બુદ્ધિપૂર્વક એક નિર્ણય આપ્યો કે, “આપ બંન્ને આ વિવાદનો ત્યાગ કરી એક સાથે જ ગિરિવર ઉપર આરોહણ કરો. આ તીર્થ ન તો દિગંબરનું છે કે ન તો શ્વેતામ્બરનું! એમ વિચારી નેમિનાથદાદાના દરબારમાં પહોંચો! પછી ઇન્દ્રમાળ પહેરવાના અવસરે ઉછામણીમાં જે ધનદ્રવ્યનું વધારે પ્રમાણ બોલે તેઓનું આ તીર્થ!” વેપારીઓ ધનવડે કલહ કરે. આપણે પણ વેપારી હોવાથી તે રીતે કલહનું નિવારવા કરીએ તે જ શોભાસ્પદ કહેવાય. સર્વયાત્રિકોએ ગિરિ આરોહણ માટે પ્રયાણ કર્યું. શ્રી નેમિનાથ પ્રભુના મુખકમળને નિહાળી સૌ મંત્રમુગ્ધ બન્યા. પરમાત્માને ભાવપૂર્વક નમસ્કાર કરી, સ્તુતિ, સ્નાત્રપૂજા, ધ્વજારોપણ વિગેરે ભક્તિમાં તરબોળ બન્યા. ત્યારબાદ ઇન્દ્રમાળની ઉછામણીનો અવસર સર્વ સંપત્તિને પ્રભુના ચરણોમાં સમર્પિત કરવા સજ્જ બન્યા.

ગિરનાર ગિરિવર પોતાની માલિકીનો છે તેવું સાબિત કરવા બંન્ને પક્ષોએ પ્રથમ સોનામહોરો પછી અનુક્રમે સુવર્ણના શેર પ્રમાણો અને સોનાની ઘડીઓ દ્વારા ઉછામણી બોલાવાની શરૂઆત કરી. (૧ ઘડી = ૧૦ મણ = ૨૦૦ કિલો) પેથડમંત્રીએ ૫ ઘડી કહી, સામેથી ૬ ઘડી, પેથડમંત્રીએ ૭ ઘડી કહી આમ વધતાં વધતાં પેથડમંત્રીએ ૧૬ ઘડી કહી.

ત્યારે પૂર્ણશ્રેષ્ઠિના મોતિયા મરી ગયા. તેણે મંત્રીશ્ર્વર પાસે આઠ દિવસની મુદત માંગી. સૌ યાત્રિકો પાસે જેટલું ધન હોય તેટલું ઉઘરાવવાનું ચાલુ કર્યું. સૌ યાત્રિકોએ તીર્થરક્ષા માટે હાથનાં-પગનાં કડાં, સોનામહોર, ગળાનાહાર વિગેરે આભૂષણોનો ઢગલો કરી દીધો. એકઠા થયેલા સુવર્ણનો આંકડો અઠ્ઠયાવીસ ઘડી થયો. તીર્થની માલિકી હાથવેંતમાં છે એવી ધારણા સાથે સમસ્ત દિગંબર સંઘમાં આનંદનો ઉદધિ ઉછળી રહયો હતો. આ બાજુ પેથડમંત્રીએ પણ વિચક્ષણ બુધ્ધિથી દિગંબર સંઘનો ઉત્સાહ જોઇ શીઘ્રગામિની સાંઢણીઓને સોનું લાવવા માટે માંડવગઢ તરફ રવાના કરી.

ઇન્દ્રમાળની ઉછામણીની મુદત પૂરી થતાં પુનઃ તીર્થના પ્રશ્ર્નનો અંત લાવવા છેલ્લે દાવ રમતા હોય તેમ પૂર્ણશ્રેષ્ઠિએ પેથડમંત્રી સમક્ષ પડકાર કર્યો “અઠ્ઠાવીસ ઘડી સોનું?” આજે મંત્રીશ્વરના કાનમાં પણ તીર્થરક્ષાનો મંત્ર સતત ગુંજી રહયો હતો. ગિરનાર ગિરિવરમાં વનકેસરી ત્રાડ પાડી ઉઠે તેમ પેથડમંત્રીએ ભયંકર ગર્જના કરતાં કહ્યું “છપ્પન ઘડી સોનું” “(૧૨૦૦ કીલો સોનું) ક્ષણ બે ક્ષણ સમગ્ર સભામાં સન્નટો છવાઇ ગયો.પૂર્ણશ્રેષ્ઠિ દિગ્મૂઢ બની ગયા. પોતાના પક્ષને બચાવવા સૌની પાસે આજીજી કરવાં લાગ્યા પરંતુ દિગંબર સંઘે સ્પષ્ટ જણાવી દીધું કે “અમારી હવે કોઇ તાકાત નથી. બધું લૂટાવીને તીર્થ મેળવવાનો કોઇ અર્થ નથી. “ઘર બાળીને તીરથ ન થાય”.” પૂર્ણશ્રેષ્ઠિ વિલખા પડી ગયા. અત્યંત દુભાતા હૈયે તેમણે પેથડમંત્રી ને કહ્યું કે “મંત્રીશ્ર્વર પેથડશાહ! હવે આ ઇન્દ્રમાળ આપ જ ગ્રહણ કરો. આ સાથે સંઘમાં જયજયકાર વર્તાઇ ગયો. ઇન્દ્રમાળરૂપી દ્રવ્યમાળ સાથે તીર્થજયની વિજયમાળ મંત્રીશ્વરના ગળામાં પડી. પેથડશાહના આનંદનો પાર ન રહ્યો. તીર્થરક્ષાના – ધર્મરક્ષાના અમૂલ્ય લાભને પામી તે કૃતકૃત્યથઇ ગયા. મંત્રીશ્વર યાત્રા કરી ગિરિવરથી નીચે ઉતર્યા. આ બાજુ પેથડમંત્રીએ પ્રતિજ્ઞા કરી કે “જ્યાં સુધી છપ્પન ઘડી સોનું પ્રભુના ચરણોમાં સમર્પિત નહી થાય ત્યાં સુધી ચારેય આહારનો ત્યાગ. “સૌ સંઘજનો સ્તબ્ધ થઇ ગયા. કેવો શાસનનો રાગ અને કેવી શાસન પ્રત્યેની વફાદારી! કેવી અડગ પ્રતિજ્ઞા! ક્યાં ગઢ ગિરનાર અને ક્યાં માંડવગઢ! ક્યારે છપ્પન ઘડી સોનું આવે અને ક્યારે મંત્રીશ્ર્વરને પારણું થાય! સૌ કાગડોળે સાંઢણીના આગમનની રાહ જોઇ રહ્યાં હતાં. દેવ-દ્રવ્યનું દેણું માથે હોતે છતે મોંમા અન્નનો એક દાણો પણ કેમ વાપરી શકાય? તીર્થમાળ – ઇન્દ્રમાળના દિવસનો ઉપવાસ અને બીજા દિવસે પણ મધ્યાહ્નકાળ વીતી દિવસ આથમવાને માત્ર બે ઘડી(૪૮ મિનીટ) બાકી હતી ત્યાં જ માંડવગઢની દિશામાંથી સાંઢણીઓના પગલાં ના અવાજો સંભળાયા. જોતજોતામાં સાંઢણીઓ ગિરનારની તળેટીમાં આવી પહોંચી. સોનું તોલાઇ ગયું પરંતુ બે ઘડી પહેલાં ચોવિહારના પચ્ચક્ખાણ કરનારા મંત્રીશ્ર્વરને ચોવિહાર છઠ્ઠનો તપ થયો.

નવલી પ્રભાતે વાજિંત્રોના મંગલનાદ સાથે ચતુર્વિધ સંઘના શીતળ સાન્નિધ્યમાં મંત્રીશ્ર્વર પેથડશાહે છઠ્ઠ તપનું પારણું કર્યું. તે દિવસે વિશાળ જનમેદની ના સંઘસ્વામીવાત્સલ્યનો ભોજન સમારંભ યોજાયો.

શ્ર્વેતાંબર જૈન સંપ્રદાયનો તેજ સીતારો ચમકી ઉઠ્યો.

Join the mailing list for regular updates about Girnar!
x
Thank you! Your submission has been received!
Oops! Something went wrong while submitting the form.