Change Language

વશિષ્ટ મુનિ

ભરત ક્ષેત્રની ભાગ્યવાનભૂમિ ઉપર આઠમા વાસુદેવ લક્ષ્મણ સમુદ્ર સુધી પૃથ્વીનું પાલન કરતાં હતા. નદીના તટ પાસે વશિષ્ટ નામના એક તાપસપતિ અનેકવિધ મિથ્યાતપ કરી કાયાને અત્યંત કષ્ટ આપતો, મંત્ર – તંત્રાદી વેદ –વેદાંગોનો અઠંગ જાણકાર હોવા છતાં કુટિલતાની કળામાં અત્યંત કુશળ હોવાથી મિથ્યાત્વી જનમાં તે ખૂબજ માનનીય હતો. કંદમૂળ, ફળાદીનો આહાર અનર નિર્મળજળથી પોતાનો નિર્વાહ કરતા પર્ણકુટીરમાં વસતા.

એકવાર પર્ણકુટીરના આંગણામાં ઉગેલા ઘાસ તથા ધાન્યાદિને ચરવા માટે એક સગર્ભા હરણી ત્યાં આવી ચઢી. સ્વભાવથી ક્રુર – ઘાતકી તેવા તે વિશિષ્ટ તાપસે ધીમા પગલે તે હરણીની પાછળથી તેના શરીર ઉપર લાઠી વડે તીવ્ર પ્રહાર કર્યો. હરણીના ઉદર ઉપર થયેલ તીવ્ર પ્રહારના પરિણામે તેના ઘાથી ફાટી ગયેલા ઉદરમાંથી હરાનીનું અપરિપક્વ બચ્ચું બહાર પડી ગયું. પ્રહારની તીવ્રવેદનાથી તડપતી હરણીએ પગની ખરીઓ વડે પૃથ્વીને ખોતરતાં તત્કાળ પ્રાણ ત્યાગ કર્યા, સાથે સાથે બચ્ચું પણ મૃત્યુ પામ્યું.

હરણી અને તેના અપક્વગર્ભનો તડફડાટ અને મૃત્યુના કરુણ દ્રશ્યને નિહાળીને ક્રુર અને ઘાતકી હૃદયવાળા વશિષ્ટ તાપસના હૃદયની આકરી ભૂમિ પર પણ કરુણા અને વાત્સલ્યના અંકુર ફૂટી નીકળ્યા. એક તરફ તેના હૈયામાં પશ્ચાતાપના ઝરણાં ઉભરાયા તો બીજી તરફ ચારેબાજુ જનમેદનીમાં તે અત્યંત તિરસ્કારને પાત્ર બન્યા. બાળ અને સ્ત્રી ઘાતકના બિરુદથી સૌ તેના પ્રત્યે જે દ્વેષભાવની વર્ષા વરસાવી રહ્યા હતા. તેમાં આ પ્રસંગથી વધારો થયો. પોતે કરેલા પાપકર્મના પસ્તાવાથી ભીના થયેલા હૈયાવાળા વશિષ્ટમુનિ પોતાના સર્વકર્મમળનું પ્રક્ષાલન કરવાના શુભાશયથી પર્ણકુટીર અને તે ગામનો ત્યાગ કરી વિવિધ તીર્થયાત્રાર્થે ચાલી નીકળ્યા.

પાપભીરુ વશિષ્ટમુનિ નદીઓ, દ્રહો, ગિરિઓ, ગામો, સમુદ્ર્ભર અને વનોમાં ભમતાં એક તીર્થથી બીજે તીર્થ ફરવા લાગ્યા. મહિનાઓ સુધી તીર્થ યાત્રામાં ભમતાં – ભમતાં તેની અડસઠતીર્થની યાત્રા પૂર્ણ થતાં સ્વાત્માને શુદ્ધ થયેલો માની પોતાની જૂની પર્ણકુટીરમાં પાછા ફર્યા. તે અવસરે એકવાર વિહાર કરી પૃથ્વીતલને પાવન કરતાં એક જ્ઞાની જૈનમહાત્મા તેમના આશ્રમની સમીપ આત્મ સાધના માટે પ્રતિમા ગ્રહણ કરી કાઉસગ્ગ ધ્યાને સ્થિર રહ્યા. કેટલોક સમય પસાર થતાં આજુબાજુના ગામના અનેક ભક્તજનો તે મહાત્માના દર્શન, વંદન કરી પોતાના પૂર્વભવોનો વૃતાંતને પૂછી સંશય દૂર કરવા લાગ્યા. પૂર્વભવનું કથન કરતાં તે મુનિવરની વાતો સાંભળી વશિષ્ટ તાપસે પણ પોતાના સંશયને દૂર કરવા પૂછ્યું કે, “હે ભગવંત! મારી અડસઠતીર્થની યાત્રાથી મેં કરેલા સઘળા પાપકર્મોની શુદ્ધિ થઇ કે નહીં? ત્યારે મહાત્માએ કહ્યું કે, “ક્ષેત્ર અને તપશ્ચર્યા વિના માત્ર નદી, પર્વત, વન, ગિરિને દ્રહોમાં ભમવા માત્રથી કર્મોનો ક્ષય થઇ પાપની શુદ્ધિ થતી નથી, મિથ્યાત્વીતીર્થમાં ભમવા માત્રથી તો કાયાનો કલેશ થાય છે અને કર્મક્ષયને બદલે વધુ ગાઢ કર્મોનો બંધ થાય છે.” જો તમારે ખરેખર અશુભકર્મોનો ક્ષય કરવો હોય તો વીતરાગ પરમાત્માનું મનમાં ધ્યાન ધરી, રૈવતગિરિ મહાતીર્થમાં તપશ્ચર્યાદિ આરાધના કરો જેના દ્વારા તમારા પાપોનો ક્ષય થશે. વશિષ્ટમુનિએ પૂછ્યું કે, “હે ભગવંત! એ મહાતીર્થ ક્યાં આવેલું છે?” જ્ઞાની ભગવંતે કહ્યું કે, “રૈવતગિરિ મહાતીર્થ એ સોરઠદેશમાં બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ પરમાત્માના પાવન પગલાં વડે પવિત્ર થયેલ ઉત્તમ તીર્થ છે. પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરી શ્રી અરિષ્ટનેમિપ્રભુનું નિર્મળભાવે એકાગ્ર ચિત્તે ધ્યાન ધરવું તે ઉત્તમ પ્રકારનો તપ છે. જો તમારે પાપકર્મોનો ક્ષય કરી નિર્મળ પુણ્યની પ્રાપ્તિ કરવી હોય તો રૈવતગિરિનો આશ્રય કરો.

જ્ઞાનીભગવંતના વચનને હૈયામાં ધારણ કરી વશિષ્ટ તાપસ અત્યંત હર્ષભેર હૈયે, અંતરમાં શ્રી નેમિપ્રભુનું સ્મરણ કરતાં રૈવતાચલ પહોંચ્યા. રૈવતગિરિમાં પ્રદક્ષિણા કરીને ઉત્તર દિશાના સોપાન માર્ગેથી ગિરિઆરોહણ કર્યું. ત્યાં માર્ગમાં છત્રશિલાને દક્ષીણદિશા તરફ મૂકીને તેને અંબાકુંડના જળ વડે સ્નાન કર્યું. સ્નાન કરતાં હૃદયકમળમાં સ્ફટિકમણી જેવા નિર્મળ આર્હત તેજનું ધ્યાન કરતાં વશિષ્ટમુનિ ધ્યાન અને ધ્યેયને ભૂલી અર્હંમાં તન્મય બની ગયા. તે સ્નાન કરીને બહાર આવ્યા કે તરત આકાશવાણી થઇ કે, “હે તાપસમુનિ! ઘોર હત્યાના પાપથી મુક્ત બની તું શુદ્ધ થયો છે. અંબાકુંડના મહાપવિત્ર જળ વડે સ્નાન કરવાથી તથા શુભધ્યાનના પ્રતાપથી તારું અશુભકર્મ ક્ષીણ થયું છે. તેથી હવે તું શ્રી નેમિનાથપ્રભુના ચરણનું શરણ ગ્રહણ કર!” વશિષ્ટમુનિએ આકાશવાણીના દિવ્યવચનોનું સ્મરણ કરી અત્યંત હર્ષ સાથે શ્રી નેમિનાથ પરમાત્માના ચૈત્યમાં જઈ નેમિપ્રભુને ભાવથી નમસ્કાર કર્યા. અને સદભાવ પૂર્વક સ્તુતિ,સ્તવના,ભક્તિ કરી સમાધિમાં લીન બન્યા. અત્યંત ઉગ્ર તપ આદરી અનુક્રમે અવધિજ્ઞાનને પામ્યા.

જિનધ્યાનમાં પરાયણ બનેલા વશિષ્ટમુનિ મૃત્યુ પામી પરમઋદ્ધિવાન દેવપણાને પામ્યા. તેના હત્યાદોષના નાશને કારણે તે અંબાકુંડ વશિષ્ટકુંડના નામે પ્રસિદ્ધ થયો. જેના જળના સંસર્ગથી વાત, વ્યાધી, પથરી, પ્રમેહ, કુષ્ટ, દાદર, વગેરે રોગો નાશ પામે છે અને દુસ્તર એવી હત્યાના પાપનો પણ ક્ષય થાય છે.

Join the mailing list for regular updates about Girnar!
x
Thank you! Your submission has been received!
Oops! Something went wrong while submitting the form.